લેસ્ટરના શ્રી હિંદુ મંદિરમાં તોડફોડઃ દાનપેટીની રોકડની લૂંટ

Wednesday 09th October 2019 03:13 EDT
 
 

લંડનઃ લેસ્ટરના અપીંગહામ રોડ પર આવેલા શ્રી હિંદુ મંદિરમાં તોડફોડ અને દાનપેટીઓમાંથી રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. ૨૮ સપ્ટેમ્બરને શનિવારની સવારે મંદિરનો સ્ટાફ આવ્યો ત્યારે તેમને પાછળના ભાગે આવેલું ફાયર ડોર તોડીને કોઈ ઘૂસી ગયું હોય તેવું જણાયું હતું. મંદિરની દાનપેટીઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી અને ફ્લોર પર ચલણી સિક્કા વેરવિખેર પડેલા જણાયા હતા.

રાવ ઠાકોરે જણાવ્યું હતું કે આ નવરાત્રિનો સારો પ્રારંભ નથી. ઘણું નુક્સાન થયું છે. મંદદિરમાં ઘૂસેલી વ્યક્તિઓએ બળપ્રયોગ દ્વારા કલેક્શન બોક્સ તોડીને ચલણી નોટ્સ લીધા પછી સિક્કા નાખી દીધા હોય તેવું લાગે છે. જોકે, બોક્સમાં કેટલી રકમ હતી તે કોઈ જાણતું ન હોવાથી કેટલી રકમ ચોરાઈ છે તે ખબર નથી. હાલ મંદિરમાં કથા ચાલે છે તેથી બોક્સમાં રકમ તો વધારે હોવી જોઈએ. તમામ લોકોને નવરાત્રિ ઉજવવાનો આનંદ હતો. પરંતુ, નવરાત્રિની આ સુખદ શરૂઆત નથી. આ ઘટનાને લીધે કોમ્યુનિટીના લોકો દુઃખી અને વ્યથિત છે. આપણે આશા રાખીએ કે આ ઘટના માટે જવાબદાર વ્યક્તિને કોઈ ઓળખતું હશે અને તે પોલીસને મળશે.

લેસ્ટરશાયર પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને ઘટનાને નજરે જોનાર લોકોને અપીલ કરી રહી છે. પોલીસ મહિલા પ્રવક્તાએ જણાવ્યું હતું કે તોડફોડની ઘટના ૨૭મીએ સાંજે ૬.૩૦થી ૨૮મીની સવારે ૬.૪૫ વચ્ચે બની હોવાનો અંદાજ છે. તા.૨૯મીએ નવરાત્રિનો પ્રારંભ થયો હતો.

પોલીસે નવરાત્રિ દરમિયાન સાવચેત રહેવા ભાવિક ભક્તોને સલાહ આપી હતી. તેમાં તેમણે લોકોને જાહેરમાં જ્વેલરી પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું. તેમાં શક્ય હોય તો નેકલેસ પેહર્યો હોય તો તેને સ્કાર્ફ અથવા અન્ય વસ્ત્રથી ઢાંકી દેવા અપીલ કરી હતી. નવરાત્રિમાં જતા હો તો તમે ત્યાં પહોંચો ત્યાં સુધી જ્વેલરી બેગમાં અથવા પોકેટમાં મૂકવી અને કાર્યક્રમના સ્થળે પહોંચ્યા પછી પહેરવી. આસપાસમાં શું ચાલી રહ્યું છે તેનું ધ્યાન રાખવું. આપને અસલામતી જેવું લાગે તો દિશા બદલીને સલામતી જણાય ત્યાં જવું. દરેક જ્વેલરીના અલગ ફોટા પાડીને સલામત જગ્યાએ મૂકી દેવા.પોલીસે મંદિરમાં તોડફોડની ઘટના અંગે કોઈને માહિતી હોય તો 101 પર ઓફિસરોનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter