લેસ્ટરની કોમ્યુનિટી શોપઃ વંશીય લઘુમતીઓ માટે આશાનું કિરણ

Wednesday 11th May 2022 07:43 EDT
 
 

લેસ્ટરઃ નવી ‘કોમ્યુનિટી શોપ લેસ્ટર’ વંશીય લઘુમતીઓ માટે આશાનું કિરણ બની રહી છે. લેસ્ટર શહેરમાં નવા સામાજિક સુપરમાર્કેટનું 6 એપ્રિલ, બુધવારે ઉદ્ઘાટન કરાયું છે. મારવૂડ રોડ પરના આ સ્થળે અગાઉ યુથ સેન્ટર હતું.

‘કોમ્યુનિટી શોપ લેસ્ટર’ આશરે 750 સભ્યને સપોર્ટ કરશે તેમજ વધારાના ખાદ્યપદાર્થો, મુખ્ય બ્રાન્ડ્સ અને રિટેઈલર્સની ઘરવખરીની ચીજવસ્તુઓ અત્યંત ઘટાડેલી કિંમતે પૂરી પાડવામાં આવશે. જોકે, ઉત્પાદનોની વિશાળ શ્રેણી નહિ મળી શકે છતાં, વર્તમાન ચલણમાં રહેતી અને સુપરમાર્કેટ્સમાં પ્રાપ્ય ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ હશે. સમગ્ર યુકેમાં 9 સ્ટોર્સમાંથી એક આ સ્ટોર સ્થાનિક લોકો, વેલ્ફેર સપોર્ટ મેળવતા અને જીવનમાં રચનાત્મક પરિવર્તન ઈચ્છતા લોકો માટે ખુલ્લો અને ફ્રી રહેશે.

ઈન-સ્ટોર વેચાણમાંથી મળનારી આવકનું કોમ્યુનિટી હબ મારફત સ્થાનિક વિસ્તારમાં પુનઃ રોકાણ કરવામાં આવશે. આ હબમાં સભ્યો પર્સનલ ડેવલપમેન્ટ સપોર્ટની સુવિધા મેળવી શકશે તેમજ કૂકરી ક્લબ્સ અને હોમ બજેટિંગ, ઈન્ટરવ્યૂ કૌશલ્ય અને બિઝનેસ કોર્સીસ સહિત તમામ બાબતોના સેશન્સનો લાભ મેળવી શકશે. આ સ્ટોરમાં કોમ્યુનિટી કિચનમાં ઓછી કિંમતના સ્વાદિષ્ટ વાનગીઓ-ભોજન પણ મળશે અને બાળકોને દરરોજ મફત ભોજનની સવલત મળશે. આ ઉપરાંત, બહુહેતુક કોમ્યુનિટી સ્પેસની સુવિધા પણ રહેશે.

આ સ્ટોરમાં લેસ્ટર સિટી કાઉન્સિલ સહિત ઘણા સ્ટેકહોલ્ડર્સ છે. કાઉન્સિલે નજીવા ભાડે સુપરમાર્કેટ માટે પ્રીમાઈસીસની વ્યવસ્થા કરી છે. સ્થાનિક લોકો વધુ કચડાયેલા છે તેમજ અન્ય સુવિધાઓનો અભાવ હોવાથી વંશીય વૈવિધ્ય ધરાવતા આ સ્થળની પસંદગી કરાઈ છે.

કાઉન્સિલર વિજય રિયાતના કહેવા મુજબ કોસ્ટ ઓફ લિવિંગમાં ભારે વધારો થયો છે ત્યારે કોમ્યુનિટી શોપ પરિવારોને ફીડ અને ઘરવખરીની ચીજવસ્તુઓ પોસાય તેવી કિંમતે પૂરા પાડીને આવશ્યક સેવા કરે છે. શહેરમાં 30થી 40 ટકા બાળકો ગરીબીમાં જીવે છે ત્યારે બાળકોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવું તે કોમ્યુનિટી શોપનો મહત્ત્વનો હિસ્સો છે. દેશ જીવનનિર્વાહ કટોકટીમાં સપડાયો છે અને સરકાર પણ કબૂલ કરે છે કે હાલત વધુ ખરાબ થશે પરંતુ, નોંધપાત્ર પગલાં લેતી નથી. આ સ્થિતિમાં સ્થાનિક કાઉન્સિલો, ચેરિટીઓ અને બિઝનેસીસે સાથે મળીને આ કટોકટીનું નુકસાન ઘટાડવા ઈનોવેટિવ પગલા શોધવા પડશે. કોમ્યુનિટી શોપ પણ આવું જ એક પગલું છે. જો આ એકમ સફળ થશે તો દેશમાં વધુ સ્ટોર્સ ખુલવાની શક્યતા વધી જશે.

કાર્તિક કવિ યુવાન છે અને રજકારણમાં રસ ધરાવે છે. હાલ તેઓ લેબર પાર્ટીમાં સક્રિય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter