લેસ્ટરઃ ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો છે. જોકે, આ વર્ષે લેસ્ટર સિટી કાઉન્સિલે નાણા બચાવવા માટે ઊજવણીમાં પીછેહઠ કરી છે અને માત્ર એક જ ઈવેન્ટ ઊજવવાની જાહેરાત કરી છે. એક જ ઈવેન્ટ યોજાવાના પરિણામે, બિઝનેસીસને આર્થિક નુકસાન વેઠવું પડશે તે નિશ્ચિત છે.
આ નિર્ણય સામે મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે અને ઘણા લોકો એમ કહી રહ્યા છે કે સ્થાનિક ઓથોરિટીએ દિવાળીની ઊજવણી રદ કરી છે. તો ખરેખર શું પરિસ્થિતિ છે? લેસ્ટરમાં 2024ની દિવાળી ઊજવાશે કે નહિ? લેસ્ટર સિટી કાઉન્સિલની સ્પષ્ટતા માનીએ તો 31 ઓક્ટોબરના દિવાળીના દિવસે જ દિવાળીની ઊજવણી કરાનાર છે અને ઊજવણીઓ બેલગ્રેવ રોડ અને બેલગ્રેવમાં કોસિંગ્ટન સ્ટ્રીટ ખાતે યોજાશે.
બેલગ્રેવ રોડ રોશનીથી ઝગમગી ઉઠશે
લેસ્ટરમાં દિવાળીની ઊજવણીનો આરંભ કરાયો ત્યારથી જ બેલગ્રેવ રોડ હજારો ડેકોરેટિવ લાઈટ્સની રોશનીમાં ઝગમગી ઉઠે છે અને 2024માં પણ આમ થશે. અગાઉ, લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અલગ થતો હતો પરંતુ, સિટી કાઉન્સિલે ઓગસ્ટમાં સ્વિચ-ઓન ઈવેન્ટ નહિ યોજવાની જાહેરાત કરી જ દીધી હતી. સિટી કાઉન્સિલનું કહેવું છે કે દિવાળીની ઊજવણી પાછળ ખર્ચો વધી રહ્યો હોવાથી બે અલગ દિવસની ઊજવણી પોસાય તેમ નથી. સ્થાનિક ઓથોરિટીના જણાવ્યા મુજબ 2018માં બે ઈવેન્ટ પાછળનો ખર્ચ 189,000 પાઉન્ડ થયો હતો જે 2023માં વધીને 250,000 પાઉન્ડે પહોંચ્યો હતો. જો બે ઈવેન્ટ યોજવા હોય તો ભંડોળ મેળવવાના અન્ય માર્ગો અખત્યાર કરવા પડે તેમ છે. સિટી મેયર સર પીટર સોલ્સબીએ 2023માં કહ્યું હતું કે બજેટની તીવ્ર સમસ્યાઓ છે અને નોંધપાત્ર ખર્ચકાપ વિના ખાઈમાં પડી જવાશે. સિટી કાઉન્સિલના કહેવા અનુસાર તેણે સૂચિત ફેરફારો બાબતે લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલ (LHFC) અને કોમ્યુનિટીના પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો. ભંડોળ ઉભું કરવા કોમ્યુનિટી આધારિત ફંડરેઈઝિંગ કમિટી સ્થાપવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.
દિવાળી 2024ની ઊજવણી કેવી રીતે કરાશે
31મી ઓક્ટોબરે દિવાળી ઊજવણી કરાશે તેની યોજના ઊજવણીના થોડા દિવસો પહેલા જાહેર કરી દેવાશે. ખર્ચમાં કાપ મૂકાવા છતાં, સ્થાનિક ઊજવણીના ભાગરૂપે વ્હીલ ઓફ લાઈટ નિશ્ચિત છે. વ્હીલ ઓફ લાઈટ 4 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી રખાય તેમ પ્લાનિંગ અરજીમાં જણાવાયું છે.