લેસ્ટર: સોમવારે વહેલી સવારે લેસ્ટરના બ્રાઈટન રોડ પર કારની અંદર મૃત હાલતમાં મળી આવેલા અને હત્યાની તપાસના કેન્દ્રમાં રહેલા વ્યક્તિની ઓળખ આનંદ પરમાર તરીકે કરવામાં આવી છે. તેને માથા અને છાતીમાં ગંભીર ઈજા પહોંચી હતી. ૪૭ વર્ષના આનંદ પરમાર એન્ડી તરીકે પણ ઓળખાતા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ, સવારના આઠ વાગે તેમનું મોત નીપજ્યું હતું. પોસ્ટ મોર્ટમની તપાસમાં જણાયું હતું કે છાતી અને માથામાં ગંભીર ઈજા પહોંચવાથી તેનું મૃત્યુ થયું હતું.
પોલીસે અપહરણ અને વાહનની ચોરીની શંકાએ બ્રાઈટન રોડ વિસ્તારમાંથી ૨૫ વર્ષના યુવાનની ધરપકડ કરી હતી. આ પછી, આનંદ પરમારના મૃત્યુના પગલે હત્યાની શંકાના પગલે તેની ફરી ધરપકડ થઈ હતી. ઈસ્ટ મિડલેન્ડ્સ સ્પેશિયલ ઓપરેશન યુનિટ (EMSOU)ની મેજર ક્રાઈમ ટીમ દ્વારા તપાસ અને પૂછપરછના આધારે લેસ્ટરમાં હત્યાની શંકાએ રાત્રે ૩૪ વર્ષની વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ ઉપરાંત, હત્યાની શંકાએ થુર્માસ્ટોનમાંથી ૪૦ વર્ષીય મહિલા તેમજ થોડા સમય પછી લેસ્ટરમાંથી ૪૪ અને ૩૪ વર્ષના બે પુરુષની પણ હત્યાના અપરાધીને મદદ કરવાની શંકાના આધારે ધરપકડ થઈ હતી. આમ, કુલ પાંચ વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં મૂકાયા છે.
સીનિયર ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર ટોની યારવૂડે જણાવ્યું હતું કે પાંચ વ્યક્તિ હાલ કસ્ટડીમાં છે અને અમારી તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે આ ઘટના અંગે કોઈ પણ જાણકારી કોઈની પાસે હોય તો પોલીસને આપવા વિનંતી કરી હતી.