લેસ્ટરઃ કોરોના વાઈરસના કેસીસમાં ભારે ઉછાળાના પગલે લેસ્ટર સિટી અને આસપાસના વિસ્તારોમાં લોકડાઉન નિયંત્રણો પુનઃ લાદી દેવાયા છે. લેસ્ટરમાં કોરોના રોગચાળાના ફરી ઉછાળા માટે BAME (અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીઓ) નિવાસીઓમાં ભાષાકીય અવરોધો, ડાયાબિટીસનું ઊંચુ પ્રમાણ અને ગરીબાઈ પર દોષનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. મિડલેન્ડ્સ વિસ્તારની હોસ્પિટલોમાં લંડનની બહારના અન્ય કોઈ પણ વિસ્તાર કરતાં સૌથી વધુ ૫,૭૦૭ મોત નોંધાયેલા છે. રાજધાની લંડનમાં મૃત્યુઆંક ૬,૦૯૦નો હતો.
લેસ્ટર સિટીના એવિંગ્ટન વોર્ડના લેબર કાઉન્સિલર રતિલાલ ગોવિંદે MailOnlineને જણાવ્યું હતું કે લેસ્ટરની વસ્તીના ૪૯ ટકા લોકો એશિયન વારસા અથવા અશ્વેત પશ્ચાદભૂ ધરાવે છે. રોગચાળાની હાલત સૌથી ખરાબ છે તેવા ઈસ્ટ લેસ્ટરમાં બે તૃતીઆંશ લોકો BAME પશ્ચાદભૂના છે. વૈજ્ઞાનિક અભ્યાસો અને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના રિપોર્ટ અનુસાર શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીના લોકો કોરોનાથી મૃત્યુનું વધુ જોખમ ધરાવે છે. સ્થાનિક ડેટા અનુસાર લેસ્ટરમાં એશિયન વંશીયતાની વસ્તી ૧૪ ટકા જેટલી છે.
શહેરમાં પ્રથમ ભાષા તરીકે ઈંગ્લિશ બોલનારાની સંખ્યા ઓછી છે ત્યારે કોવિડ-૧૯ સંબંધિત કોમ્યુનિકેશનનો અભાવ રહે છે. તેમણે કહ્યું હતું કે,‘મેં યુવાનોને સાથે મળતા, ડ્રિન્ક્સ લેતા અને વાતચીત કરતા જોયા છે. આ સામાજિક મેળમિલાપ હોય છે. યુવાનોને ભાષાનો અવરોધ નડે છે. તેઓ પોતાની ભાષા જ બોલે છે ને હું ગુજરાતીમાં તેમને વિખરાઈ જવા કહું છું. ભાષાકીય અવરોધોના કારણે કોમ્યુનિકેશન વધુ ખરાબ બને છે.’
સિટીના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર ઈવાન બ્રાઉનેએ કહ્યું હતું કે,‘લેસ્ટરમાં ડાયાબિટીસ જેવી આરોગ્ય સમસ્યાઓનું ઊંચુ પ્રમાણ, અનેક સ્થળોએ ગરીબી તેમજ અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતીની નોંધપાત્ર વસ્તી છે અને આપણે જાણીએ છીએ કે આ બધા પરિબળો મળીને હાઈ રિસ્ક, વધુ અસુરક્ષિત વસ્તી બનાવે છે જે કોરોના વાઈરસ માટે વધુ શંકાસ્પદ બને છે.’
લેસ્ટરના રહેવાસીઓની વંશીયતા પણ કદાચ કોરોના વાઈરસના ઝડપી ફેલાવાના જોખમમાં ભૂમિકા ભજવે છે. ૨૦૧૧ના સેન્સસ મુજબ શહેરમાં ભારતીય વારસાના ૨૮ ટકા સાથે ૩૭ ટકા લોકો એશિયન અથવા બ્રિટિશ એશિયન હતા. પેઢીઓ સાથેનો પરિવાર એશિયન સંસ્કૃતિનો હિસ્સો છે. ગ્રાન્ડપેરન્ટ્સ મોટા ભાગે તેમના યુવાન સગાં સાથે રહે છે જેના પરિણામે પરિવાર ઘણો મોટો બને છે. પરિવારના એક સંક્રમિત સભ્યથી વધુ લોકોને વાઈરસનો ચેપ લાગવાનું જોખમ વધે છે. જો ઘરમાં વયોવૃદ્ધ લોકો રહેતા હોય તો તેઓ ગંભીરપણે બીમાર થવાની, પરીક્ષણ કરાવાની અને પેશન્ટ તરીકે નોંધાવાની શક્યતા વધુ રહે છે.
લેસ્ટરમાં વંચિતતા- અભાવનું ઊંચુ સ્તર છે જે લોકોને વાઈરસના સંક્રમણના જોખમમાં મૂકે છે. યુનિવર્સિટી ઓફ રીડિંગના માઈક્રોબાયોલોજિસ્ટ ડો. સિમોન ક્લાર્ક કહે છે કે, ‘અભાવગ્રસ્ત વિસ્તારોમાં લોકો કામ પર જવાની વધુ અને ઘેરથી કામ કરવાની ઓછી શક્યતા ધરાવે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ઉપયોગ કરે છે. તેઓ પોતાને અન્યોથી દૂર અંતરે રાખી શકતા નથી. લોકો જે પ્રકારનું કામ કરે છે તેનાથી પણ જોખમમાં વધારો થાય છે.’
લેસ્ટર ઈસ્ટના સાંસદ ક્લોડિયા વેબ માને છે કે લેસ્ટરમાં સંક્રમણ વધવાનું કારણ વંશીયતા નહિ પરંતુ, ગરીબી છે. તેમણે કહ્યું હતું કે,‘ આ કોમ્યુનિટીઓને અસમાનતાઓ અને સામાજિક આર્થિક તફાવતોના કારણે અપ્રમાણર અસરો પડી છે. આ લોકો ગરીબીથી પીડાય છે અને ફ્રન્ટલાઈન નોકરીઓમાં હોવાની વધુ શક્યતા છે.’ મિસ વેબે તેમના મતક્ષેત્રને લોકડાઉનમાં રાખવા અને મતદારોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.
વાઈરસ અંકુશ બહાર હોવાથી શાળાઓ અને સુપરમાર્કેટ્સ બંધ કરવાની ફરજ પડી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં સંક્રમણ દર નીચે જઈ રહ્યો નથી. લેસ્ટર ઈસ્ટના લોકોએ શહેરમાં પણ પ્રવાસ કરવાની જરુર નથી.
ગત સપ્તાહમાં ઈંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં લોકો બળબળતી ગરમીથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસી કી તૈસી કરીને સમુદ્રતટો પર ઉમટી પડ્યા હતા, સ્ટ્રીટ પાર્ટીઓ અને પાર્કમાં નાચગાનમાં જોડાયા હતા તે પછી લેસ્ટર માટે ચિંતા વધી ગઈ હતી. બેજવાબદાર પાર્ટીઓના કારણે કોવિડ-૧૯નું બીજું આક્રમણ થઈ શકે છે તેવી ચેતવણીઓ વચ્ચે પોલીસને ડોરસેટ કોસ્ટ, લિવરપૂલની શેરીઓ અને લંડનના પાર્ક્સમાં લોકોને વિખેરવાની ફરજ પડી હતી.