લેસ્ટરઃ ક્વીનની પ્લેટિનમ જ્યુબિલી ઉજવણી ગ્રીન કેનોપી કેમ્પેઈનના ભાગરુપે શાળાના બાળકો અને ધાર્મિક અગ્રણીઓએ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. લેસ્ટરના જલારામ ટેમ્પલ અને હનુમાન સેવક ગ્રૂપ દ્વારા રવિવાર 8 મેએ ‘ભવિષ્યની આશા અને આસ્થા’ના પ્રતીક સ્વરુપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
હિન્દુ ધર્મના આધ્યાત્મિક અગ્રણી દ્વારકેશલાલજી મહોદયશ્રી આ કાર્યક્રમમાં હાજરી આપવા ભારતથી આવ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 14 વૃક્ષ વાવવામાં આવ્યા હતા જેમાંથી એક વૃક્ષ લેસ્ટરશાયર પોલીસના પૂર્વ ચીફ કોન્સ્ટેબલ સિમોન કોલને સમર્પિત કરાયું હતું.
જલારામ ટેમ્પલ લેસ્ટરના ટ્રસ્ટી પ્રમોદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માતા પૃથ્વી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હતો. વૃક્ષો માનવીઓ માટે આવશષ્યક છે કારણકે તેઓ આપણને અને પ્રાણીઓને ખોરાક આપે છે, સ્વાસમાં લેવા સ્વચ્છ હવા આપે છે અને દરેકની ઈકો-સિસ્ટમને સપોર્ટ કરે છે. નવા વવાયેલાં વૃક્ષો ક્લાઈમેટ ચેઈન્જ સમસ્યાને હલ કરવામાં મદદરૂપ નીવડશે તેવી શ્રદ્ધા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ પહેલથી લેસ્ટરના વધુ કોમ્યુનિટી ગ્રૂપ્સ, સંસ્થાઓ અને લેસ્ટરના રહેવાસીઓ આ જ્યુબિલી વર્ષમાં વૃક્ષારોપણ કરશે તેવી આશા પણ તેમણે વ્યકત કરી હતી.
ક્વીન્સ ગ્રીન કેનોપી કેમ્પેઈનનો હેતુ જ્યુબિલી વર્ષના અંત સુધીમાં વ્યક્તિથી માંડી કોમ્યુનિટી ગ્રૂપ્સ, ગામડાં, શહેરો, કાઉન્ટીઝ, શાળાઓ અને કોર્પોરેટ્સને વૃક્ષારોપણ દ્વારા આપણા પર્યાવરણને વિસ્તારવામાં પોતાની ભૂમિકા ભજવવાનો અનુરોધ કરવાનો છે.
હિન્દુ ધર્મના મૂલ્યોમાં વૃક્ષો અને છોડવાંને પવિત્ર ગણવામાં આવે છે તેમજ જંગલોને દેવતાઓ અને ઋષિમુનિઓના નિવાસ તરીકે ગણવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે વૃક્ષો પૂજનીય ગણાય છે. તુલસીના છોડને દેવીમાતાનો નિવાસ તેમજ ગૌતમ બુદ્ધે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે પીપળાનું વૃક્ષ પવિત્ર ગણાય છે.