લેસ્ટરઃ ભારતની આઝાદીની લડતના મહાનાયક મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને દૂર કરવાની માગણી લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ ફગાવી દીધી છે. બ્લેક લાઈવ્સ મેટર વિરોધકારોએ મહાત્મા ગાંધીને રેસિસ્ટ, ફાસિસ્ટ ગણાવ્યા હતા અને ગાંધીજીની પ્રતિમા દૂર કરવા ઓનલાઈન પિટિશન પર આશરે ૬,૦૦૦ લોકોએ સહી કરી હતી. સ્થાનિક કોમ્યુનિટી દ્વારા ભંડોળ એકત્ર કરાયા પછી ૨૦૦૯માં બેલગ્રેવ રોડ પર મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમા સ્થાપવામાં આવી હતી.
અમેરિકાના મિનેપોલીસ ખાતે અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડના પોલીસ કસ્ટડીમાં મોત પછી રેસિઝમવિરોધ અને અભિયાનોએ જોર પકડ્યું હતું. યુકેમાં રંગભેદ અને ગુલામોના વેપાર સાથે સંકળાયેલા લોકોના પૂતળા ઉખાડવા કે દૂર કરવાની માગણીએ જોર પકડ્યું છે. યુકે અને ખાસ કરીને લંડનમાં વિન્સ્ટન ચર્ચિલ, જ્યોર્જ વોશિંગ્ટન અને મહાત્મા ગાંધી સહિતની પ્રતિમાઓ અને સ્મારકોને બચાવવા તેને ઢાંકી દેવાયા હતા. લેસ્ટરમાં ગાંધીપ્રતિમાને ઉખાડાય કે તોડફોડ કરાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખી લોકોએ પ્રતિમાની આસપાસ ચોકી રાખી માનવસાંકળ પણ રચી હતી, જેમાં પ્રતિમા સ્થાપવાના પ્રયાસમાં સંકળાયેલા પૂર્વ સાંસદ કિત વાઝ પણ હાજર હતા.
લેસ્ટરસ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા દૂર કરવા Change.org દ્વારા કરાયેલી ઓનલાઈન પિટિશનમાં ૬,૦૦૦ જેટલા લોકોએ સહી કર્યા પછી મેયર સર પીટર સોલ્સબીએ દરખાસ્ત નકારીને પ્રતિમા દૂર કરવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ૨૦૦૯માં સ્થાનિક સમુદાય દ્વારા ફંડરેઈઝિંગના પગલે ઉભી કરાયેલી પ્રતિમા દૂર કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી અને તેમની પાસે આવી કોઈ સત્તા પણ નથી. ઘણા વિદ્વાનોએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના વિચારો રેસિસ્ટ હતા અને અશ્વેત લોકો તરફ તેમને પૂર્વગ્રહ હતો. તેમણે વ્હાઈટ લઘુમતી શાસનને સ્વીકાર્યું હતું અને અશ્વેત આફ્રિકન્સ વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા હતા.
લેસ્ટરના પૂર્વ લેબર સાંસદ કિથ વાઝને પાઠવેલા પત્રમાં મેયર સોલ્સબીએ જણાવ્યું હતું કે,‘ તમને સંપૂર્ણ ખાતરી આપતા મને આનંદ થાય છે કે કાઉન્સિલ કોઈ પણ રીતે પ્રતિમા દૂર કરવા સહમત થાય તેવી શક્યતા નથી અને ખાસ તો હું મેયર છું ત્યાં સુધી તો નહિ જ.’ ઈસ્ટ લેસ્ટરના સાંસદ ક્લોડિયા વેબે ગાંધીજી વિશેની ચર્ચાને બ્લેક લાઈવ્ઝ મેટર કેમ્પેઈન પરથી ધ્યાન હટાવવાના બિનજરુરી પ્રયાસ તરીકે ગણાવી હતી.