લેસ્ટરઃ બેલગ્રેવ રોડ પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને હટાવવાના પ્રયાસોના વિરોધમાં કોમ્યુનિટીના સભ્યોએ રવિવાર ૧૪ જૂને પ્રતિમાની આસપાસ માનવસાંકળ રચી હતી. હિન્દુ ચેરિટી સમન્વય પરિવારના વોલન્ટીઅર્સ પણ તેમા સામેલ થયા હતા. લેસ્ટર ઈસ્ટના પૂર્વ લેબર સાંસદ કિથ વાઝ અને સિટી કાઉન્સિલર્સ દ્વારા ગાંધીપ્રતિમાની આસપાસ સાંકળ બનાવાયા પછી તેની રેલિંગ્સની સાથે વ્હાઈટ રિબન્સ બાંધી હતી અને તોફાની તત્વો ભાંગફોડ કરે નહિ તેની ચોકી કરી હતી.
લેસ્ટરનું ૩૦ કરતાં વધુ વર્ષથી પ્રતિનિધિત્વ કર્યા પછી નિવૃત્ત થયેલા કિથ વાઝે ગાંધીપ્રતિમાનું અંગત રીતે રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘કેટલાક લોકોએ આ પ્રતિમા વિરુદ્ધ ધમકીઓ ઉચ્ચારી તેને હટાવવા પીટિશન કરી છે તે ભારે શરમજનક છે. આપણા શહેરમાં આ સીમાચિહ્ન પ્રતિમા છે. મહાત્મા ગાંધી માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા માટે પ્રેરણા હતા. તેઓ શાંતિપ્રિય હતા અને લાખો લોકોનું જીવન બદલ્યું હતું. તેમના સામે રેસિઝમનો આક્ષેપ નિંદાને પાત્ર જ છે.’
લેસ્ટરના બેલગ્રેવ રોડ ખાતે ૨૦૦૯માં સ્થાપિત ગાંધી કાંસ્યપ્રતિમાને હટાવવા ડર્બીના કેરી પાંગ્યુલીર દ્વારા લેસ્ટર સિટી કાઉન્સિલને કરાયેલી ઓનલાઈન પીટિશન પર આશરે ૬,૦૦૦ લોકોની સહી થઈ છે. કાઉન્સિલે જણાવ્યું હતું કે તેઓ શહેરમાં શેરીઓના નામ, પ્રતિમાઓ અને સ્મારકોના સંદર્ભ, યોગ્યતા અને સુસંગતતાના આધારે જાળવણીના હિસ્સારુપે પીટિશન પર વિચાર કરશે.
લેસ્ટરશાયરલાઈવ દ્વારા કરાયેલા ઓનલાઈન પોલમાં ૧,૧૩૩ લોકો (૩૯ ટકા)એ પીટિશનની તરફેણ કરી હતી. બહુમતી ૧,૩૩૫ લોકો (૪૬ ટકા)એ પ્રતિમાને યથાવત રાખવાનો મત આપ્યો હતો જ્યારે, ૪૫૧ લોકો (૧૫ ટકા)એ જણાવ્યું હતું કે તેઓ કોઈની તરફેણ કરતા નથી.