લેસ્ટરઃ સાંસ્કૃતિક સંવેદનશીલતાએ લેસ્ટરની ફેક્ટરીમાં વર્કર્સના કથિત શોષણ સામે મજબૂત પગલાં લેતા અટકાવ્યા હોવાના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલના નિવેદનની આકરી ટીકાઓ થઈ છે. ટીકાકારોએ જણાવ્યું છે કે રેગ્યુલેટર્સમાં કાપ, ઈન્સ્પેક્શન્સ મર્યાદિત રાખવાના નિર્ણય તેમજ યુનિયનોનો અભાવ સૌથી મોટા કારણો છે.
લેસ્ટરની ફેક્ટરીઓમાં વર્કર્સના કથિત શોષણ મુદ્દે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નિવેદનમાં એમ જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ રેસિસ્ટ દેખાવાના ભયે આ પ્રશ્નને નજરઅંદાજ કર્યો હતો. થોડા દિવસો અગાઉના અહેવાલમાં જણાવાયું હતું કે લેસ્ટરમાં કોરોના વાઈરસના ભારે ઉછાળા અને પરિણામરુપે લોકડાઉન લદાવા પાછળ વર્કરો પાસે ભારે મહેનત કરાવતી ફેક્ટરીઓ અને તેમની ખરાબ હાલત જવાબદાર છે. વર્કર્સને રાષ્ટ્રીય લઘુમત વેતનથી પણ ઘણું ઓછું મહેનતાણું અપાય છે.
આ પછી, રવિવારે પ્રીતિ પટેલ આધુનિક ગુલામી પર નિયંત્રણ મૂકવાના નવા કાયદા વિચારતાં હોવાનું બહાર આવ્યું હતું. હોમ સેક્રેટરીએ એવી ચિંતા વ્યક્ત કરી હોવાનું કહેવાય છે કે પોલીસ અને સરકારી એજન્સીઓ તેમના પર રંગભેદી હોવાનું લેબલ લાગી ન જાય તે કારણે આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા હતા. તેમણે લેસ્ટરની સમસ્યાઓને મોટા ભાગે ઈમિગ્રન્ટ્સ અને BAME વર્કર્સ પર આધારિત સાઉથ એશિયન માલિકો સંચાલિત ફેક્ટરીઓને રોધરહામ ગ્રૂમિંગ સ્કેન્ડલ સાથે સરખાવી હોવાનું પણ કહેવાય છે.
જોકે, હોમ સેક્રેટરીના ટીકાકારોએ દલીલ કરી છે કે રોધરહામ સ્કેન્ડલથી વિપરીત લેસ્ટરમાં વર્ષોથી પાર્લામેન્ટરી રિપોર્ટ્સ, રેગ્યુલેટર્સ અને મીડિયા કવરેજ દ્વારા જાહેરમાં ચિંતા વ્યક્ત કરાઈ હોવાની હકીકતને તેમનાં કહેવાતા મંતવ્યો ધ્યાનમાં લેતાં નથી. ઘણી ફેક્ટરીઓ આવેલી છે તે લેસ્ટર ઈસ્ટના લેબર સાંસદ ક્લોડિયા વેબે પણ ફેબ્રુઆરીમાં આ મુદ્દો કોમન્સમાં ઉઠાવ્યો હતો.