લેસ્ટરઃ આંકડાકીય ડેટા મુજબ લેસ્ટરની આસપાસના વિસ્તારોમાં અડધાથી વધુ બાળકો ગરીબીમાં જીવતા હોવાનું જણાયું હતું. વર્ષોની નબળી આર્થિક પરિસ્થિતિ અને બિનસલામત રોજગારીને લીધે લેસ્ટરશાયરમાં અંદાજે ૪૩,૬૭૭ બાળકો ગરીબીરેખા નીચે જીવે છે. તેમાંના મોટાભાગના એટલે કે ૩૦૮૬૬ બાળકોને નોકરી ધરાવતા સિંગલ પેરન્ટ છે. આ આંકડા એક વર્ષ જૂના ડેટા પર આધારિત છે. કોરોના વાઈરસને લીધે પરિસ્થિતિ વધુ વણસી છે. સરેરાશ પારિવારિક આવક કરતાં ૬૦ ટકા ઓછી આવક ધરાવતા લોકોના આધારે આ ટકાવારી કાઢવામાં આવી છે.
લેસ્ટર ઈસ્ટ મતવિસ્તારમાં ૪૨ ટકા બાળકો ગરીબીરેખાની નીચે જીવે છે. સ્પિની હિલપાર્કની પશ્ચિમે આવેલા વિસ્તારમાં બાળ ગરીબીનો દર ૫૧ ટકા છે. આ વિસ્તારમાં મેલ્બોર્ન સ્ટ્રીટ, સેસીલ રોડ, મેનાર્ડ રોડ અને વિલ્સન સ્ટ્રીટનો સમાવેશ થાય છે.
લેસ્ટર ઈસ્ટના સાંસદ ક્લોડિયા વેબે જણાવ્યું હતું કે આ સમસ્યા અસ્વીકાર્ય અને અપમાનજનક છે. લેસ્ટર અને ખાસ કરીને ૬૦ ટકા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) વસ્તી ધરાવતા મારા મતવિસ્તારમાં બાળગરીબીનું પ્રમાણ ખૂબ ઉંચું છે. આ ગંભીર બાબત છે. જે વર્ષોની બિનસલામત કાર્યપદ્ધતિનું પરિણામ છે. કોમ્યુનિટીઝને સહન કરવું પડે છે અને લેસ્ટરના પૂર્વ જેવા વિસ્તારોમાં ખૂબ અસમાનતા છે.
લોકો કોઈપણ સલામતી વિનાની અનિશ્ચિત ગણાય તેવી નોકરી કરે છે. તેના પરિણામે બાળકોને ગરીબીથી ત્રસ્ત ઘરોમાં રહેવું પડે છે.