લેસ્ટરશાયરમાં અપરાધો સામે લડતી સંસ્થાઓને PCCની £૨૫૦,૦૦૦ની ગ્રાન્ટ

Monday 15th May 2017 06:59 EDT
 
 

લેસ્ટરઃ ક્રાઈમ અને અસામાજિક વર્તનની સમસ્યાઓ સામે લડતી સામાજિક સંસ્થાઓને નાણાકીય સહાય મળી રહે તે માટે લેસ્ટરશાયરના પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનર (PCC) લોર્ડ વિલી બાચ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૨૫૦,૦૦૦ પાઉન્ડની નવી યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯ માટે વધુ ૨૫૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ મળી શકશે.

PCC તરીકે પોતાના કાર્યની પ્રથમ વર્ષગાંઠે કમિશનરે નવા પ્રીવેન્શન ફંડની રુપરેખા આપી હતી. આ ફંડ તેમના પોલીસ અને ક્રાઈમ પ્લાનમાં જાહેર સલામતી લક્ષ્યાંકોને સપોર્ટ કરતા તેમજ મહત્ત્વપૂર્ણ કોમ્યુનિટી સમસ્યાઓનો સામનો કરતા વોલન્ટરી અને થર્ડ સેક્ટર ગ્રૂપ્સને મદદ કરવા માટે છે. હેટ ક્રાઈમ, ઘરેલુ હિંસા અને શોષણ, બાળ યૌનશોષણ (CSE), ડ્રગ્સ અને આલ્કોહોલ સંબંધિત સમસ્યાઓ, જાતીય હિંસા અને માનસિક આરોગ્ય સહિત PCC ના અપરાધ પ્રાથમિકતા ક્ષેત્રોમાં સફળ કામગીરી બજાવનારા પ્રોજેક્ટ્સ સાથેની સંસ્થાઓને વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૨૫,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે.

ગ્રાન્ટ્સની ફાળવણી ટુ-ટિઅર સિસ્ટમ હેઠળ વાર્ષિક ૯,૯૯૯ પાઉન્ડ તથા વાર્ષિક ૧૦,૦૦૦-૨૫,૦૦૦ પાઉન્ડના ધોરણે કરવામાં આવશે. ૧૦,૦૦૦ પાઉન્ડ અને તેથી વધુના પ્રોજેક્ટ્સ માટે ગ્રાન્ટની ફાળવણી અસાધારણ પ્રોજેક્ટ્સ માટે જ કરવામાં આવશે.

ફંડ લોન્ચ કરતા લોર્ડ બાચે જણાવ્યું હતું કે,‘કોમ્યુનિટી આધારિત સંસ્થાઓ પાસે આ મહત્ત્વપૂર્ણ ફંડ માટે અરજી કરવાની અદ્ભૂત તક છે, જે તેમના જાહેર સલામતીને ઉત્તેજન આપતાં પ્રયાસોને સહાય કરશે તેમજ લોકોને તેમની જીવનશૈલીમાં આજીવન પરિવર્તન લાવવામાં મદદ કરશે.’ આ ભંડોળ માટે કોઈ સમયમર્યાદા નથી અને સમગ્ર વર્ષ માટે તે પ્રાપ્ય રહેશે. અરજદારોએ અરજી રજૂ કરતા પહેલા પોલીસ અને ક્રાઈમ પ્લાન (www.leics.pcc.police.uk/PoliceandCrimePlan-2017-2021) અને Commissioning Framework 2017/18 (www.leics.pcc.police.uk/Commissioning-Framework-2017-18)નો અભ્યાસ કરી લેવા વિનંતી છે. કમિશનર દ્વારા દરેક અરજીની સમીક્ષા અને મૂલ્યાંકન કરવામાં આવશે. રસ ધરાવતા પક્ષકારોએ સૌ પહેલા લાયકાતનું નિવેદન પૂર્ણ કરવાનું રહેશે અને જો તેમાં સફળ થવાશે તો તેઓ અરજીપત્ર ભરવામાં આગળ વધી શકશે. લાયકાતનું નિવેદન અને અરજી ઈમેઈલ મારફત ઓફિસ ઓફ ધ પોલીસ એન્ડ ક્રાઈમ કમિશનરને મોકલવાનાં રહેશે. અરજી અને વધુ વિગતો માટે www.leics.pcc.police.uk/funding-2017-18ની મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter