લેસ્ટરઃ પોતાના માલિકની કંપનીમાંથી ૬૬૦,૦૦૦થી વધુ પાઉન્ડની રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરનારા ભારતીય મૂળના અને લેસ્ટરમાં રહેતા ભરત સૂચકને લેસ્ટર ક્રાઉન કોર્ટે ૧૩ જૂન, ગુરુવારે ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
સૂચક છેલ્લાં ૩૦ વર્ષથી ફેમિલી બિઝનેસ ધરાવતી એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા અને વિશ્વાસુ હતા. સિલ્વરસ્ટોન ડ્રાઈવ ખાતે રહેતા સૂચકે આ વર્ષે અગાઉ થયેલી સુનાવણીમાં હોદ્દાના દુરુપયોગ દ્વારા ચોરીના ત્રણ કાઉન્ટના ગુનાની કબૂલાત કરી હતી.
તપાસમાં જણાયું હતું કે સૂચકે સમયાંતરે ખોટા વ્યવહારો દ્વારા લેસ્ટરના બેલગ્રેવસ્થિત જીએસ ફેશન્સ કંપનીના બેંક એકાઉન્ટમાંથી ૬૬૨,૦૦૦ પાઉન્ડ જેટલી મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
ઈકોનોમિક ક્રાઈમ યુનિટમાં ફાઈનાન્સિયલ ઈન્વેસ્ટિગેટર નીકોલ મેકીનટાયરે જણાવ્યું હતું કે જીએસ ફેશન્સ કંપની છેલ્લાં ૪૦ વર્ષથી ચાલતો ફેમિલી બિઝનેસ હતો. આ ચોરીને લીધે થયેલા આર્થિક નુક્સાનને લીધે કંપની લિક્વિડેશનમાં ગઈ હતી. ચોરીનો ભોગ બનેલા કંપનીના માલિકને તેમના પર વિશ્વાસ હતો અને તેમને લાગતું હતું કે સૂચક વફાદાર કર્મચારી હતા. સૂચકે તેમના હોદ્દા અને સારા સ્વભાવનો ગેરફાયદો ઉઠાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઈસ્ટ મિડલેન્ડ્સના લેસ્ટરમાં ભારતીય મૂળના લોકોની મોટી વસ્તી છે, જેમાંના ઘણા યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીન દ્વારા હકાલપટ્ટી કરાયા પછી સ્થળાંતર કરીને આવ્યા છે. ભારતીય કોમ્યુનિટીના લોકોએ સ્થાનિક અર્થતંત્રને ચેતનવંતુ બનાવ્યું છે.