લંડનઃ ચાન્સેલર ફિલિપ હેમન્ડે ઓટમ બજેટમાં ટેક્સ અધિકારીઓને પે પોકેટ્સમાંથી વધારાનો ટેક્સ ખંખેરી લેવાની અભૂતપૂર્વ સત્તાઓ આપી છે. વર્તમાન નિયમો હેઠળ તો ટેક્સમેન બીજા વર્ષે નહિ ચૂકવાયેલી કેશ પાછી મેળવી શકે છે પરંતુ, એપ્રિલ ૨૦૧૯થી તો લોકોએ પૂરતો ટેક્સ નથી ચુકવ્યો તેવી માન્યતાથી પણ રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગ તેમના ટેક્સ કોડ બદલીને પગારમાંથી જ વધારાનો ટેક્સ કાપી લઈ શકશે. લોકોના પગારમાં ભારે ચડઉતર રહેતી હોવાથી આવો ટેક્સ કપાઈ જાય તો તેમને ઘરના બજેટ સંભાળવામાં ભારે મુશ્કેલી નડી શકે છે.
અત્યારે ટેક્સ કોડમાં ભૂલો થવાથી વર્ષે આશરે ૬ મિલિયન લોકો વધુ પડતો અથવા ઘણો ઓછો ટેક્સ ચુકવતા હોય છે. હાલ લોકોએ ઓછો ટેક્સ ચુકવ્યો હોવાની જાણ થાય તો ટેક્સમેને તે નાણા મેળવવાં બીજા વર્ષ સુધી રાહ જોવી પડે છે. આ માટે તેઓ વ્યક્તિનો ટેક્સ કોડ બદલે છે. જોકે, હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી HMRC વધુ ઝડપે ટેક્સ વસૂલ કરી શકશે. તેમને એક વર્ષ રાહ જોવાના બદલે તત્કાળ ટેક્સ કોડ બદલી શકાય તેવી વધારાની સત્તા બજેટ દસ્તાવેજમાં અપાઈ છે.
અત્યાધુનિક કોમ્પ્યુટર સોફ્ટવેર ‘પે એઝ યુ અર્ન’ ટેક્સ સિસ્ટમ હેઠળ વર્કરની કમાણી કેટલી છે તે ઝડપથી દર્શાવે છે તેથી ભૂતકાળની સરખામણીએ ઓછો ટેક્સ ચુકવાયો હોય તો સરળતાથી જાણ થાય છે. નવી નોકરીમાં જોડાયેલા કે આવક, કંપની દ્વારા ખર્ચા અને બેનિફિટ્સમાં વધઘટ રહેતી હોય તેમને સૌથી વધુ અસર થશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવા નિયમો હેઠળ ચાર વર્ષના ગાળામાં ૧૨૫ મિલિયન પાઉન્ડ વધારાનો ટેક્સ મળવાની ધારણા છે. જોકે, HMRC દ્વારા ભૂલોની પરંપરાના ઈતિહાસ સાથે તે કરદાતાઓ માટે જોખમી બની રહેશે.