લંડનઃ કર્ણાટકના પૂર્વ ચીફ મિનિસ્ટર અને વર્તમાન સાંસદ બસવરાજ બોમ્માઈએ લંડનમાં લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લંડનના પૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ તેમની સાથે જોડાયા હતા. આ કાર્યક્રમનું આયોજન લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન અને યુનાઈટેડ કિંગ્ડમની બસવ સમિતિના સહયોગમાં કરાયું હતું. કન્નડા બાલાગા, કન્નાડિગુરુ યુકે અને ભારતીય વિદ્યા ભવનથી સંખ્યાબંધ લોકોએ હાજરી આપી હતી.
લંડનના લેમ્બેથ બરોના પૂર્વ મેયર ડો. નીરજ પાટિલ અને બસવ સમિતિના હોદ્દેદારો અભિજીત સાલીઆમ્થ અને રંગનાથ મિરજીની સાથે બ્રિટિશ ભારતીયો અને કન્નડ કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા ઉપસ્થિતોને આવકાર્યા હતા.
પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ 2015ની 14 નવેમ્બરે લોર્ડ બસવેશ્વરાની ઐતિહાસિક પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. યુકેમાં ભારતીય વડા પ્રધાન દ્વારા અનાવરણ કરાયેલી સૌપ્રથમ પ્રતિમા છે. લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશને કર્ણાટકના પૂર્વ ચીફ મિનિસ્ટરને ભારતના વડા પ્રધાનને સુપરત કરવાની આમંત્રણપત્રિકા આપી હતી. આમંત્રણપત્રિકામાં આ ઐતિહાસિક સ્મારકની 10મી વર્ષગાંઠની ઊજવણી નિમિત્તે પ્રતિમાની પુનઃ મુલાકાત લેવા વિનંતી કરાઈ છે.
ભારતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ અગાઉ 2023ની 5 માર્ચે લોર્ડ બસવેશ્વરાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.