લંડનઃ આશરે એક મહિના અગાઉ વકીલ પત્ની અને બે સંતાનોની માતા રેનાટા એન્ટઝેક ગુમ થયાની તપાસ પછી પોલીસે ૪૭ વર્ષના ડેન્ટિસ્ટ પતિ માજિદ મુસ્તફા અને તેના મિત્ર રોબર્ટ લિપિન્સ્કીની ધરપકડ કરી હતી. આ બંને સામે રેનાટાને ગંભીર શારીરિક ઈજા પહોંચાડવા તેમજ ઝેરી પદાર્થ દાખલ કરવાના કાવતરાનો આરોપ લગાવાયો હતો.
માજિદે દાવો કર્યો હતો કે તેની ગુમ થયેલી પત્ની નાસી ગઈ છે અને કોઈ સંપ્રદાયમાં સામેલ થઈ ગઈ હતી. રેનાટા તેના પતિથી ડાઈવોર્સ લેવા માગતી હતી અને પોતાની પુત્રીને પોલેન્ડ લઈ જવા ઈચ્છતી હતી. રેનાટા ૨૫ એપ્રિલે તેની પુત્રીને શાળાએ મૂકવાં ગયાં પછી અદૃશ્ય થઈ ગઈ હતી. ડેન્ટલ બિઝનેસમાં સંકળાયેલા મુસ્તફાએ અગાઉ જણાવ્યું હતું કે તેની પત્ની કાયદાની કારકિર્દી છોડી હીલિંગ થેરાપિસ્ટ તરીકે ફરી તાલીમ લેવા ઈચ્છતી હતી અને તેનાં અદૃશ્ય થવાં પાછળ આ કારણ હોવાનું તે માને છે.