પ્રિય વાચક મિત્રો,
આપ સૌ જાણો છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી વડીલ સન્માનના સરાહનીય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ૧૯મી માર્ચે ઈલફર્ડમાં વિશ્વ હિંદુ પરિષદ સંચાલિત મંદિર ખાતે ૭મા વડીલ સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું. આપને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં લગભગ ૬૦૦ જેટલા વડીલોનું સન્માન કરવા સદ્ભાગી થયા છીએ.
આપણા ઉત્કર્ષમાં મહત્ત્વનું યોગદાન આપનારા વડીલોનું અભિવાદન કરવાનો અમારો આ વિનમ્ર પ્રયાસ છે. પરંતુ ઘણી વખત આપણા વડિલોની અવગણના થાય છે અને તેમને જરૂરી માન સન્માન અપાતા નથી કે પૂરતી કદર થતી નથી જે દુઃખદ બાબત છે. ગર્વ સાથે કહેતા આનંદ થાય છે કે એકમાત્ર ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ આવા સુંદર વડીલ સન્માન કાર્યક્રમનું આયોજન કરે છે.
આપણા વડિલોએ યુકેમાં આવીને ખૂબ જ પરિશ્રમ કરી આપણા પરિવારની તમામ જરૂરિયાતોની સંભાળ લઇ પરિવારને સ્નેહ અને હૂંફ આપ્યાં હતા. ખાસ કરીને તેમણે સંતાનોને આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરાનું વિશાળ જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાન પ્રેરણાનો ખૂબ વિશાળ સ્ત્રોત બની રહ્યું છે. વડીલ સન્માન વિશે આપના મુલ્યવાન અને મહત્ત્વપૂર્ણ સલાહ અને સૂચનો અમને મોકલશો તો ભવિષ્યમાં કાર્યક્રમનું આયોજન વધુ સારી રીતે થઈ શકશે.
વડિલ સન્માન કાર્યક્રમમાં જે વડીલોનું સન્માન થયું તેમાંના કેટલાંક વડીલોના પરિવારજનોએ અમને આ વડીલોની જીવનગાથા સાથેનું A4 સાઈઝનું ગ્લોસી સ્પેશિયલ સોવેનિયર (પ્રકાશન) બહાર પાડવા સૂચન કર્યું છે. આપણા વડીલોએ વેઠેલી મુશ્કેલીઓ અને સંઘર્ષ વિશે તથા તેમણે આ દેશમાં તેમનું સ્થાન કેવી રીતે બનાવ્યું તેનાથી આપણી યુવા પેઢીને આ પ્રકાશન વાકેફ કરશે. ‘Vadils- Trials and Triumphs’ (વડીલો - સંઘર્ષ અને સિધ્ધી) નામનો આ વિશેષાંક આપણા પરિવારો અને ખાસ કરીને યુવા પેઢી માટે એક ઐતિહાસિક દસ્તાવેજ બની શકશે. અમને પણ આવા સોવેનિયરનું પ્રકાશન કરતાં આનંદ થશે, પરંતુ આ એક પડકારજનક પ્રસ્તાવ છે.
આપણા વડીલો યુવા પેઢીની મદદથી ઇંગ્લીશ અથવા ગુજરાતી ભાષામાં લગભગ ૬૫૦ શબ્દોમાં યોગ્ય તસવીરો સાથે તેમના જીવનની કથા તૈયાર કરે તે અમારે માટે જરૂરી છે. આ માહિતી ઇંગ્લીશમાં હોય તો ગુજરાતી વાંચી ન શકતી આગામી પેઢીને પણ તે વધુ ઉપયોગી થશે. નવી પેઢીના યુવાનો આપણા વડિલો સમક્ષ આવેલા પડકારોને સમજે અને તેને કેવી રીતે વડિલોએ પાર પાડીને બ્રિટનમાં અદકેરૂ સ્થાન બનાવ્યું તે સમજવાનો વધુ મહત્ત્વનો એક લાભ મળશે.
આ પ્રકારનો સંગ્રહ પ્રસિદ્ધ કરવા માટે કેટલાક વડીલોએ સૂચન કર્યું હતું કે દરેક ફૂલ પેજ માટે £૪૫૦નો સાધારણ ચાર્જ લઈ શકાય. અમારો ફૂલ પેજનો કોમર્શિયલ ચાર્જ £૧,૨૫૦ છે. અમને એવું સૂચન પણ કરવામાં આવ્યું કે £૪૫૦નો ચાર્જ કિફાયતી છે એટલું જ નહીં પરંતુ ખર્ચેલા નાણા માટે ખૂબ સારા વળતરરૂપ છે. આ સોવેનિયર આખા સમાજ માટે માહિતીપ્રદ, પ્રેરણારૂપ અને ઉપયોગી થઈ શકે તે માટે ૨૦ જેટલા પ્રોફાઈલ્સથી શરૂ કરીને વધુ પ્રોફાઇલ્સ પ્રસિદ્ધ કરવાની અમારી ઈચ્છા છે.
આ સોવેનિયર પ્રસિદ્ધ કરવામાં મદદરૂપ થવા તમારો પ્રતિભાવ, સલાહ અને સૂચનો અમને ન્યુઝ એડિટર શ્રી કમલ રાવને Gujarat Samachar, Karmayoga House, 12 Hoxton Market, London N1 6HW પોસ્ટ દ્વારા, ફેક્સ નં. 020 7749 4081 દ્વારા કે પછી [email protected] પર ઇ-મેઇલ દ્વારા મોકલો. મોકલવા વિનંતી છે.
- કમલ રાવ