મારા વહાલા વાંચકો આજે ઘણા વખત પછીથી આપની સમક્ષ "રમૂજ ગઠરિયા"ની પોટલીમાં રમૂજ સાથે કેટલીક આજની વાસ્તવિક વાતો રજૂ કરવાનું મન થયું. કોરોનાના ભયજનક વાતાવરણથી આપણે માંડ મુક્ત થયા ત્યાં પાછું યુક્રેન યુધ્ધનું ભૂત ધુણ્યું. કોરોનાના નામે તમામ વસ્તુઓનો ભાવ વધારો થયો... હવે યુક્રેન યુધ્ધને નામે ભાવવધારાની બીજી "લપડાક"....!
આજે સવારે બીબીસી ન્યુઝમાં બેંક ઓફ ઇંગ્લેન્ડના ચીફે ચેતવણી ઉચ્ચારી છે કે સર્વનાશક યુક્રેન વોરથી જીવન નિર્વાહની ચીજવસ્તુઓ માટે ભારે કટોકટી સર્જાશે. ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું કે ખાધા ખોરાકીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો થશે ખાસ કરીને ઘઉં અને તેલની કિંમતમાં વધારો થશે..! લ્યો, બહેનો... હવે તળવાનું બંધ...! યુ.કે.માં અનએમ્પ્લોયમેન્ટ ઘટ્યું પણ પગાર ૧.૨% ઘટ્યા. આવા કઠિન સંજોગોમાં ભગવાન શ્રીકૃષ્ણએ કળીયુગ વિષે ઉચ્ચારેલી ભવિષ્યવાણી સાચી ઠરી રહી છે. ધનવાન અતિધનવાન બનશે અને ગરીબ ગરીબીની ગર્તામાં ડૂબતો જશે. આપણા વડવાઓ પહેલાં મૂઠ્ઠીમાં પૈસા લઇને જતા અને થેલા ભરીને અનાજ લઇ આવતા... ! એના બદલે આજે થેલી ભરીને પૈસા લઇ જઇએ ત્યારે મૂઠ્ઠીભર અનાજ મેળવવા જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
અમારી સામેના મકાનમાં રમેશભાઇ પટેલ જેઓ મૂળ દક્ષિણ ગુજરાતના નવસારીના વતની છે. ગઇકાલે નજીકના ગ્રોસરી સ્ટોરમાં શોપીંગ કરીને આવ્યા. હું વોક લેવા નીકળી હતી ત્યાં કેમ છો? રમેશભાઇ તબિયત બરોબર? એમ પૂછ્યું ત્યાં તો એમણે મનમાં ભભૂકી રહેલો ગુસ્સા બહાર કાઢતાં કહ્યું કે, “જવા દો ની... આ ડહ પાઉન્ડ લઇને શોપીંગ હારુ ગીયોટો... ને જુઓની.. કાંઇ ની મલે...એક ભીંડાનું હાક લીઢુ ને પૈહા ખટમ...! હાટ પાઉન્ડે ભીંડા મઇલા... બાકી હૂં .. લે.... ! સૂરજમૂખીનું ટેલ તો હારુ બજારમાં કાંઇ ની મલે...! ડુકાનવારો કેહ... યુક્રેનની વોરને લીઢે ટેલ બંઢ.. !જુઓની બઢાના ભાવ જ આહમાને?!” રમેશભાઇની વાત સાચી છે. સનફલાવર, ઓલિવ ઓઇલની ખેંચ બજારમાં વર્તાઇ રહી છે...! સનફલાવરની ખેંચ સમજી શકાય પણ ઓલિવ ઓઇલનું ઉત્પાદન તો સ્પેનમાં પણ થઇ શકે છે?! શાકભાજી ને અનાજ કરિયાણું તો રશિયા-યુક્રેનથી આયાત થતું નથી ને?! આવા સવાલના જવાબ કદાચ સરકાર જ આપી શકે..!
વડીલ વાંચકો.. જે હોય તે પણ ફૂગાવો વધતો જાય છે. આપણે ૬૦-૭૦ની વય વટાવી ચૂકેલા નિવૃત-પેનશનરો નોકરી ધંધા કરીને પોતીકા મકાન-મિલ્કતો વસાવી આર્થિક રીતે થોડીઘણી રીતે સધ્ધર થયા છીએ પણ આજની યુવાપેઢી આ વધતી જતી મોંઘવારી સામે કેવી રીતે બાથ ભીડી શકે?!
જીવન નિર્વાહની ચીજવસ્તુઓ સાથે યુ.કે.ભરમાં મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. વર્ષે ૬૦ થી ૭૦ હજાર પાઉન્ડનો પગાર હોય તો જ એ બે બેડરૂમનો ફ્લેટ કે ટેરેસ હાઉસનું મોર્ટગેજ મેળવી પોતીકી મિલકત ખરીદી શકે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે ત્યાં આજનો જુવાનિયો ઘર કે ગાડી ખરીદી લકઝરી લાઇફ શી રીતે જીવી શકે? આવી વિકટ પરિસ્થિતિમાં મોટાભાગના યુવાન સંતાનો પોતાના મા-બાપ સાથે જ રહેવાનું પસંદ કરતા થયા છે.
અપવાદ રૂપ કેટલાક ઉંચુ પગાર ધોરણ મેળવતા યુવાન દંપતિ લગ્ન કરીને મા-બાપથી અલગ રહેવાનું પસંદ કરે છે પણ કોરોનાકાળ પછી યુવાપેઢીની વિચારધારા બદલાઇ છે. એક તારણ મુજબ હવે "સંયુક્ત કુટુંબ" (જોઇન્ટ ફેમીલી)નો ટ્રેન્ડ વધતો જાય છે. આ સંયુક્ત પરિવારમાં સાથે રહેવાથી નોકરી-વ્યવસાય કરતી પુત્રવધૂઓને પણ નિરાંતે ઓશીકે હાથ દઇ સૂવાનો સમય મળે છે..! સવારે ઊઠીને સાસુ મોમ ગરમા ગરમ ચ્હા આપે સાથે સાથે પોતરાં-પોતરીને બ્રેકફાસ્ટ આપે અને તૈયાર કરી સ્કૂલે મૂકી આવે.. બપોરે સાસુમાેમ સાંજની રસોઇની તૈયાર કરીને રોટલી ઉતારવાની બાકી રાખી ત્રણેક વાગે પાછાં છોકરાંઓને સ્કૂલે લેવા જાય. એમણે સ્કૂલ યુનિફોર્મ બદલાવી વહુ ને દિકરો કામેથી ઘરે પરત આવે એ પહેલાં ડાઇનીંગ ટેબલ પર ડીશો સજાવી રાખે અને સાંજે કામેથી સૌ ઘેર આવે એટલે મોમ ગરમા ગરમ રોટલીઓ ઉતરવા માંડે... એ પછી વહુબેટાને મૂડ હોય... કામે "ગાડે જોડ્યા હોય" એટલો બહુ થાક ના લાગ્યો હોય તો એ વાસણ ઉટકે (સાફ કરે) કે ડીશ વોશરમાં મૂકે... બાકી તો સાસુમા તો છે જ. બળ્યુ, બિચારી સાસુઓનું આ સંયુક્ત કુટુંબમાં "તેલ" નીકળી જતું હોય... પણ દિકરા-વહુઓ (જો પીડાજનક ના હોય તો), પૌત્ર-પૌત્રીઓ સાથે હર્યુંભર્યું ઘર કિલ્લોલ કરતું જોઇ વડીલ મા-બાપને અતિઆનંદ થતો હોય છે..! સંયુક્ત કુટુંબમાં તન-મનની શાંતિ મળી શકે એ માટે જ હવે યુવાપેઢીની વિચારધારા બદલાતી જાય છે. આને આપણે યુવાપેઢીની "સ્વાર્થી સવલત" તરીકે તો ના ઘટાવી શકીએ. પહેલાં આપણા વડવાઓ, માતા-પિતા વડીલોનું માનસન્માન રાખીને ત્રણ-ત્રણ પેઢી સાથે રહેતા એમ સંયુક્ત કુટુંબમાં કોઇપણ વાદવિવાદ કે માનસિક સંતાપ વગર એકમેકના પૂરક બની ફ્રેન્ડલી વાતાવારણમાં આપણે જીવતા શીખીએ તો સૌ માટે સુખદાયક યાદગાર પળો બની રહે.
અહીં લંડનમાં મેં આપણા ગુજરાતી ધનપતિઓ, શ્રેઠીના પરિવારમાં એક છત હેઠળ ત્રણ-ચાર પેઢી સાથે રહેતી જોઇ છે. આવા સંયુક્ત પરિવારમાં રહેતા સંતાનોમાં આપણા ભારતીય ધર્મ-સંસ્કારો અને ભાષાનું ખૂબ સરસ રીતે સિંચન-સંવર્ધન થતું જોઇ શકાય છે.
સંયુક્ત કુટુંબની ભાવના હવે આપણા સમાજમાં જ વધતી જાય છે એવું નથી, હવે પશ્ચિમી યુવા પેઢી પણ સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે. પહેલાં ૧૬ કે ૧૮ વર્ષનો યુવાન કે યુવતી થાય એટલે મા-બાપને ગૂડબાય કરી "માળામાંથી પંખી ઉડી જતાં" હવે ઘર બહાર મોંઘવારીમ્હોં ફાડીને ઉભી છે ત્યારે પશ્ચિમી યુવાનો પણ સંયુક્ત પરિવારમાં રહેવાનું મુનાસીબ માને છે...! ઓછી આવક હોય, પોતીકું મકાન કે ગાડી ખરીદવાની કે યુટીલીટી બીલ ભરી શકે એવી આર્થિક તાકાત ના હોય એવી વિકટ પરિસ્થિતિને સમજીને યુવાપેઢીની વિચારધારા બદલાતી જોઇ સદીઓ પૂરાણી આપણી "વસુધૈવ કુટુંબકમ"ની ભાવના ફરી દેશ-દુનિયામાં છવાઇ જાય એવી સદભાવના સાથે સૌને સ્નેહવંદન.