લંડનઃ BBCએ તેના બિઝનેસ શો 'Dragons' Den'માં 'Dragon' તરીકે વિટામીન સપ્લીમેન્ટ્સ કંપની વાઈટાબાયોટિક્સના CEO તેજ લાલવાણીને કરારબદ્ધ કર્યા હતા. આ શોના હોસ્ટ ઈવાન ડેવિસ છે અને આ શોમાં પાંચ મલ્ટિ-મિલિયોનેર્સને પોતાના વિચારો સાથે સંમત કરાવી શકે તેવા ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવામાં આવે છે.
લાલવાણીનો સમાવેશ સ્ટીવ પેરિશના સ્થાને કરાયો છે. પેરિશે ક્રિસ્ટલ પેલેસ ફૂટબોલ ક્લબની પોતાની જવાબદારીને લીધે શો માટે સમય ફાળવી ન શકતા હોવાનું જણાવીને આ શો છોડ્યો હતો.
૧૫મી સિરીઝમાં પેરિશની જગ્યાએ જોડાયેલા લાલવાણી ફરીથી શોમાં આવી રહેલા અન્ય ડ્રેગન્સ પીટર જોન્સ, ડેબોરા મીડન, ટૌકર સુલેમાન તેમજ નવા ડ્રેગન જેની કેમ્પબેલ સાથે જોડાશે.
લાલવાણીએ જણાવ્યું હતું,‘ હું ખૂબ જ રોમાંચિત છું. હું શાણો ઈન્વેસ્ટર છું અને મારા બિઝનેસનું જ્ઞાન તેમજ અનુભવો મહેનતુ અને જોશીલા લોકોને આપવા માગું છું.’ લાલવાણીના નેતૃત્વમાં તેમની કંપનીનું વિસ્તરણ થયું હતું અને હાલ દુનિયાના ૧૦૦થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સ વેચાય છે.