પૃથ્વી ગ્રહ પર પ્રાણીઓ પ્રતિ ક્રુરતા અને માંસ ઉત્પાદનની વિનાશક અસર લાખો લોકોને વિગન ડાયેટ અપનાવવાની પ્રેરણા આપી રહેલ છે. આનો સૌથી ઝડપી વિકાસ યુવાન મહિલાઓમાં થયો છે. વર્ષ 2023માં લગભગ એક મિલિયન લોકોએ વિગન જીવનશૈલી અપનાવી હતી.
વિક્રમ છે કે ત્રણમાંથી એક બ્રિટિશ વ્યક્તિ હવે વનસ્પતિજન્ય દૂધ પીએ છે. મુખ્ય ચેઈન્સ દ્વારા વેચાતી ચારમાંથી એક કોફી ઓટ મિલ્કમાંથી બનેલી હોય છે. પ્લાન્ટ બેઝ્ડ ટ્રીટી નામની એક સંસ્થા વ્યક્તિઓ, સમૂહો, બિઝનેસીસ અને શહેરોને આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ બેઝ્ડ ટ્રીટી સાથે વાટાઘાટો કરવા રાષ્ટ્રીય સરકારો પર દબાણ લાવવા અને એકશન લેવાને માન્યતા આપવા અનુરોધ કરી રહી છે. આ ટ્રીટી માનવીઓ દ્વારા તત્કાળ વિગન આહાર અપનાવાય તેવી ઈચ્છા ધરાવે છે. માંસના વપરાશ સાથે આરોગ્ય સંબંધિત મોટી સમસ્યાઓ સંકળાયેલી હોવાથી પ્લાન્ટ બેઝ્ડ હેલ્થ પ્રોફેશનલ્સના સ્થાપક અને ડાયરેક્ટર ડો. શિરીન કાસમે માગણી કરી છે કે સરકારે માંસ અને ડેરીઉદ્યોગને ઉત્તેજન આપવું બંધ કરવું જોઈએ. ડો. શિરીન મહાવીર એવોર્ડવિજેતા છે.
650થી વધુ વિદ્વાનોએ પણ બ્રિટિશ યુનિવર્સિટીઓને 100 ટકા વનસ્પતિજન્ય આહાર પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા હાકલ કરી છે. બ્રિમિંગહામ, યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન, સ્ટર્લિંગ અને ક્વીન મેરી યુનિવર્સિટીઓ ખાતેના સ્ટુડન્ટ્સ યુનિયનોએ મેનુમાં તબક્કાવાર 100 ટકા વનસ્પતિજન્ય આહાર અપનાવવા મતદાન કર્યું છે. આ જ પ્રકારનું મતદાન કેમ્બ્રિજ, કેન્ટ અને લંડન મેટ્રોપોલીટન યુનિવર્સિટીઓમાં પણ કરાયું છે. કાઉન્સિલ્સની વાત કરીએ તો, લેમ્બેથ, સ્પેલ્ટથોર્ન, હર્ટફોર્ડશાયર, ટોન્ટન, અને કેમ્બ્રિજ સિટી કાઉન્સિલોએ પણ તેમના રહેવાસીઓ શાકાહારી અથવા વિગન આહાર અપનાવે તે માટે અભિયાનો શરૂ કર્યાં છે. બ્રિટનમાં 2025ના અંત સુધીમાં આશરે 7.8 મિલિયન લોકો માંસરહિત ડાયેટ અપનાવી લેશે. જનરેશન Z ના અડધોઅડધ (50 ટકા) તેમજ મિલેનિઅલ્સના ત્રીજા હિસ્સાથી વધુ (36 ટકા) માંસરહિત ડાયેટ અપનાવવાની યોજના ધરાવે છે.
ક્રોયડન કાઉન્સિલ ખાતે 15 એપ્રિલ 2025ના રોજ આયોજિત બેઠકમાં પ્લાન્ટ બેઝ્ડ ટ્રીટી સંસ્થા વતી મેં પ્રસ્તાવ મૂક્યો હતો કે તેના તમામ ઈવેન્ટ્સમાં માત્ર વનસ્પતિજન્ય ખોરાક જ પીરસવામાં આવે. આ મુદ્દે આગામી મહિને સંપૂર્ણ કક્ષાની ચર્ચા યોજાવાની છે. અમે 40 કરતાં વધુ વર્ષોથી લોકો વેજિટેરિયન અને વિગન લાઈફસ્ટાઈલ અપનાવે તે માટે કેમ્પેઈન્સ કરતા રહ્યા છીએ.
આજે આ પરિવર્તન નિહાળવાનું સુંદર લાગે છે.
--- નીતિન મહેતા
ઈન્ડિયન વેજિટેરિયન્સ એન્ડ વેગન્સના સ્થાપક
www.nitinmehta.co.uk