લેસ્ટરઃ હોમ ઓફિસની ઈમિગ્રેશન ટીમે નોર્થ એવિંગ્ટનના ટેમ્પલ રોડસ્થિત એમકે ક્લોધિંગ લિમિટેડ અને ફેશન ટાઈમ્સ યુકે લિમિટેડ પર અચાનક દરોડા પાડી ત્યાં ગેરકાયદે કામ કરતા ૩૯ વર્કરની અટકાયત કરી હતી. ૩૯ વર્કરમાં ૩૧ના વિઝાની મુદત પૂરી થઈ હતી, જ્યારે સાત વ્યક્તિએ યુકેમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને એક વ્યક્તિએ વિઝાની શરતોનો ભંગ કર્યો હતો. ગેરકાયદે વર્કરોમાં ૨૮ ભારતીય પુરુષ અને નવ ભારતીય સ્ત્રીનો સમાવેશ થયો હતો. એક વ્યક્તિ અફઘાન હતી. લેસ્ટર મર્ક્યુરીના અહેવાલ અનુસાર એક સાથે ૩૮ ગેરકાયદે ભારતીય વર્કર પકડાયાની આ સૌથી મોટી ઘટના છે.
લેસ્ટર પોલીસ અને રેવન્યુ એન્ડ કસ્ટમ્સના અધિકારીઓ સાથેના દરોડામાં ૨૧ વર્કર ગેરકાયદે કામ કરતા હોવાનું જણાયું હતું. આ બે કંપનીઓને દરેક ગેરકાયદે કામદાર દીઠ ૨૦,૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરી શકાય છે. આનો અર્થ એ થયો કે એમ.કે. કલોથીંગ લિ. ને ૨૪૦,૦૦૦ અને ફેશન ટાઇમ્સ લિ.ને ૧૮૦,૦૦૦ પાઉન્ડનો દંડ ભરવો પડશે. યુકે ઇમિગ્રેશન નિયમો અનુસાર, નોકરીદાતાઓએ કામદારને કામ કરવાનો અધિકાર છે તેવા પુરાવા સાથે રાખવા પડે છે, પણ જો કોઇને ગેરકાયદે કામે રાખ્યા હોય તો તેઓ દંડને પાત્ર બને છે. આ વર્કર્સને કાયદેસર કરવાના પગલાં લેવાયાં હોવાનું તેમણે સાબિત કરવું પડે છે.
અધિકારીઓએ ૧૯ લોકોને યુકેમાંથી હદપાર કરવા સુધી અટકાયતમાં રાખ્યા છે જ્યારે બાકીના ૨૦ લોકોને તેમના કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી હોમ ઓફિસને નિયમિત રિપોર્ટ કરવાનો આદેશ કરાયો હતો. ઇસ્ટ મિડલેન્ડ્સ ઇમિગ્રેશનના અધિકારી એલિસન સ્પોવેજે કહ્યું હતું કે,‘ગેરકાયદે કામદારોને કામે રાખવા એ તેમનો ભોગ લેવા બરાબર છે. ઉપરાંત કરદાતાઓ સાથે છેતરપીંડી છે, જે કાયદેસરના કામ કરનારાઓની કામની તકો છીનવી લે છે અને મોટા ગુના આચરે છે.’
યુકે જવાના સ્વપ્નનો મોહભંગ
ઘણા લાંબા સમયથી યુકે જવાનું સ્વપ્ન સેવતા સંખ્યાબંધ ભારતીયો ગેરકાયદે પણ આ દેશમાં જાય છે. લંડનની શેરીઓમાં સોનુ પથરાયેલું હોવાનું માનતા આ લોકોનો હવે મોહભંગ થઈ રહ્યો છે અને તાજેતરના વર્ષોમાં સ્વેચ્છાએ યુકે છોડનારા લોકોમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે કારણકે યુકેમાં પરિસ્થિતિ હવે અનુકૂળ રહી નથી. બીજી તરફ, ભારતમાં પણ પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. સૌપ્રથમ વખત ૨૦૧૬ માટેના આંકડા જણાવે છે કે યુકેમાંથી દેશમાં પાછા ફરનારા લોકોમાં ૨૨ ટકા અથવા ૫,૩૬૫ લોકો ભારતીય નાગરીકો હતા. બીજી તરફ, હોમ ઓફિસ માને છે કે યુકેમાં ગેરકાયદે રહી જનારા લોકોમાં ભારતીયો મોખરે છે.
યુકેમાં ગેરકાયદે પ્રવેશનારા અથવા વિઝાની મુદત પૂરી થયા પછી પણ વર્ષો સુધી ત્યાં રોકાઈ જનારા હજારો ભારતીયો સ્વદેશ પાછા આવી રહ્યા છે. બ્રિટનમાં રહેવાનો કાનૂની અધિકાર ન ધરાવતા લોકો કામ કરી શકતા નથી, બેન્કખાતા ખોલાવી શકતા નથી, ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકતા નથી અને આરોગ્ય સહિતની નાગરિક સેવાઓનો લાભ મેળવવાનું હવે દુષ્કર બની ગયું છે. તાજેતરના નિયમોના કારણે મકાનમાલિકોએ ભાડૂતોનાં ઈમિગ્રેશન સ્ટેટસ ચકાસવાનું ફરજિયાત બની ગયું છે.
ભારતીયોની વધુ વસ્તી ધરાવતા ઈલિંગ સાઉથોલના લેબર પાર્ટીના વરિષ્ઠ સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે,‘ભારત પણ પ્રગતિના પંથે છે ત્યારે ભારતીયોને જણાય છે કે હવે યુકેમાં તેમનું કોઈ ભાવિ રહ્યું નથી. યુકે સરકાર પણ સ્વદેશ પરત થવા ઈચ્છતા લોકોને માનવીય ધોરણે હવાઈ ભાડું આપવા સાથે સ્વદેશમાં સ્થિર થવામાં થોડી મદદ પણ કરે છે.’ શીખ હ્યુમન રાઈટ્સ ફોરમના ડિરેક્ટર જસદેવસિંહ રાય કહે છે કે,‘અહીંની હાલત ખરાબ છે. તેમને સામાજિક સુરક્ષા મળતી નથી, અહીં કામ કરી શકતા નથી. અહીં ગરીબીમાં સડવા કરતા તેઓ પાછા ફરવાનું પસંદ કરે છે. ઘણાને તો વતનમાં ઘર અને જમીન જેવી મિલકતો હોય છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાંથી રાજ્યાશ્રય માગનારાની સંખ્યા ઘણી ઓછી છે.’