લંડનઃ ત્રણ શિખરો - થ્રી પિક્સની ચેલેન્જ હાથ ધરવી કોઈ રમત વાત નથી. આ પડકારમાં વેલ્સ, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના ત્રણ સૌથી ઊંચા પર્વતો સ્નોડોન, સ્કાફેલ પાઈક અને બેન નેવિસ શિખરોનો સમાવેશ થાય છે. હેરોની સેન્ટ ડોમિનિક સિક્સ્થ ફોર્મ કોલેજના 40 વિદ્યાર્થીએ આ સાહસ પાર પાડ્યું હતું. સોમવાર, 1લી જુલાઈથી લંડનથી સ્નોડોનિયા સુધીની સાહસયાત્રાનો આરંભ કરાયો હતો.
પ્રથમ દિવસઃ સ્નોડોન-ઝંઝાવાતી આરંભ
વિદ્યાર્થીઓ 2 જુલાઈ મંગળવારે સ્નોડોનની તળેટીએ પહોંચ્યા હતા અને વેલ્સના સૌથી ઊંચા શિખર પર કાબિ જમાવવાની તેમની ઈચ્છા હતી. શરૂઆત સારી રહેવા છતાં,પર્વત પર વરસાદ અને સૂસવાટા મારતા પવનો સાથે હવામાન તરત બદલાઈ ગયું હતું. આના પરિણામે ચડાણ વધુ મુશ્કેલ બન્યું હતુ. જોકે, સ્નોડોનની ઉબડખાબડ સુંદરતા અને નાટ્યાત્મક વળાંકો અને ઊંડી ખીણોએ વિદ્યાર્થીઓને આગળ વધવા પ્રેર્યા હતા. શિખર પર વરસાદ અને ધુમ્મસ છવાયેલાં હતાં. ઝડપથી નીચે ઉતરાણ પછી તેઓ લેક ડિસ્ટ્રિક્ટ તરફ આગળ વધ્યા હતા.
બીજો દિવસઃ સ્કાફેલ પાઈક – તીવ્ર હવામાનનો સામનો
બુધવાર 3 જુલાઈની સવારે વિદ્યાર્થીઓ ઈંગ્લેન્ડના 978 મીટરના સૌથી ઊંચા શિખર સ્કાફેલ પાઈકની તળેટીએ પહોંચ્યા હતા. હવામાન વધારે ખરાબ હતું ભારે શાવર્સ અને સૂસવાટા મારતા પવનોની સામે પ્રતિ કલાક 50 માઈલના ધોરણે ચડાણ શરૂ કર્યું હતું. માર્ગ પર્વતાળ અને લપસણો હતો. પ્રત્યેક કદમ સાવચેતી સાથે ભરવાનું હતું. ઊંચે જતા ગયા તેમ પવન વધુ તીવ્ર બન્યો હતો, દૃષ્ટિક્ષમતા નબળી હતી અને મુશ્કેલ પ્રદેશ પર ચડવામાં એકબીજાનો સહારો લેવો પડતો હતો. આમ છતાં, શિખર પહોંચીને ઊજવણી કરી અને સલામતી સાથે નીચે ઉતરી આવ્યા હતા. આ પછી તેઓ સ્કોટિશ હાઈલેન્ડ્સ જવા માટે કોચમાં બેઠા હતા.
ત્રીજો દિવસઃ બેન નેવિસ – સહનશક્તિની પરીક્ષા
બુધવારે સાંજે બેન નેવિસ નજીક હોસ્ટેલમાં પહોંચ્યા પછી સાહસવીરોને બે દિવસનો થાક અનુભવાયો હતો પરંતુ, વેડફવા માટે સમય રહ્યો ન હતો. તેઓ ગુરુવાર 4 જુલાઈની સવારે સ્કોટલેન્ડના 1,345 મીટરની ઊંચાઈના સૌથી ઊંચા શિખર બેન નેવિસ પર પહોંચવા સજ્જ હતા. માર્ગ ઊંચો, સીધો, સતત બરફમાં થઈને આવતા ઠંડા પવનો છતાં મંઝિલ તરફ આગળ વધતા જ રહ્યા હતા. તેમણે અરસપરસ શાબાશી આપીને થ્રી પિક્સ ચેલેન્જ પરિપૂર્ણ કરી હતી.
પરત યાત્રા અને આરામની પળો
શુક્રવાર 5 જુલાઈએ વિદ્યાર્થીઓએ લંડન પહોંચવા 12 કલાકની મુસાફરી શરૂ કરી હતી. પગ થાકી ગયા હતા પરંતુ, જે સિદ્ધિ હાંસલ કરી હતી તેનો ગર્વ પણ હતો. ત્રણ દિવસના અનુભવોનું તેમણે મનોમંથન કર્યું હતું. થ્રી પિક્સ ચેલેન્જનો અનુભવ અવિસ્મરણીય રહ્યો હતો.