લંડનઃ તારીખ ૮ નવેમ્બરની રાત્રે લંડનસ્થિત વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાંથી અજાણ્યા ચોરે હરિકૃષ્ણ મહારાજની ત્રણ પવિત્ર મૂર્તિઓ ચોરી લેતા વિશ્વભરના હિન્દુ ભાવિકોને દુઃખ થયું છે. મૂર્તિઓની સાથે સોનાની ત્રણ ચેઈન અને નાના મુગટ પણ ચોરાયા હતા. આ ત્રણ મૂર્તિ સોનાની હોય તેમ દેખાતું હતું પરંતુ, તે વાસ્તવમાં પિત્તળની બનાવાયેલી હતી. ચોર તેને સોનાની મૂર્તિઓ માની ઉઠાવી ગયો હોવાની ધારણા સેવાય છે. સોનાની અન્ય મૂર્તિઓ સલામત છે. મેટ્રોપોલીટન પોલીસે તત્કાળ તપાસ આરંભી હતી.
આ મંદિરના પ્રેસિડન્ટ કુરજીભાઇ કેરાઇએ જણાવ્યું હતું કે,‘કોઈ વ્યક્તિ બપોર પછી આ વિસ્તારનો સર્વે કરી ગઈ હોય અને રાત્રે ચોરીનું આયોજન કર્યુ હોય તેમ લાગે છે.’ આ મંદિરમાં શ્રી હરિ કૃષ્ણની ત્રણ મૂર્તિઓની સ્થાપના ૧૯૭૫થી કરાયેલી હતી. યુરોપમાં સૌથી મોટા હિન્દુ મંદિરોમાં આ સૌ પ્રથમ શિખરબદ્ધ હિંદુ મંદિર રજિસ્ટર્ડ ચેરિટી છે અને પૂર્વ ચર્ચની ઈમારત પર બંધાયું છે. ભારતના ગુજરાતમાં ભૂજસ્થિત શ્રી નર નારાયણદેવ મંદિર હસ્તકના આ મંદિર દ્વારા ગુજરાતી શાળા, યોગ-તબલા-વચનામૃત ક્લાસીસ, યુથ એકેડેમી, વ્યસનમુક્તિ સહિતના કાર્યોનું સંચાલન થાય છે.
ચોરીનો આ બનાવ તા. ૮ નવેમ્બરને શુક્રવારે નવા વર્ષની ઉજવણી બાદ બન્યો હતો. દિવાળી અને નવા વર્ષ નિમિત્તે આયોજિત પૂજા-કીર્તનમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. ચોરે નજીકના રીજનરેશન બિલ્ડિંગની છત પર થઈને મંદિરમાં ઘૂસણખોરી કર્યાનું મનાય છે. જોકે, રાત્રિના દોઢ વાગ્યાના સુમારે મંદિરના પૂજારીને અવાજ સંભળાતા તેમણે અન્ય લોકોને જગાડી તપાસ શરુ કરી હતી. દિવાળીની ઉજવણી સમયે ટેક્નિકલ ખામીના કારણે ફોલ્સ એલાર્મ વાગ્યા પછી તેને રીસેટ કરાઈ ન હતી. પરિણામે, ચોરી પછી તુરત જ જાણ થઈ શકી ન હતી.
બ્રિટન ઉપરાંતદુનિયાભરના લાખો હરિભક્તોએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
મંદિરના પ્રેસિડન્ટ કુરજીભાઇ કેરાઇ અને કમિટી મેમ્બર ઉમંગ જેસાણીના જણાવ્યા અનુસાર ચોરને મૂર્તિને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી ધાતુ અંગે જાણ થયા બાદ તે કદાચ પરત કરી જશે તેવી અમને આશા છે. કારણ કે, ભક્તો માટે મૂર્તિની કિંમત કરતાં તેની અંદર રહેલી આસ્થા વધુ મૂલ્યવાન છે. જેસાણીના જણાવ્યા અનુસાર, લોકલ કોમ્યુનિટીના હજારો ભક્તો આ મંદિર જે વર્ષથી ખૂલ્યું ત્યારથી અહીં દર્શન માટે આવે છે. મંદિરમાં હિન્દુ બેસતા વર્ષના દિવસે લંડનના મેયર સાદિક ખાન અને બ્રેન્ટના કાઉન્સિલર સહિત મહાનુભાવોની હાજરીમાં ઉજવણી થઈ હતી.
વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાંથી ત્રણ પવિત્ર મૂર્તિઓ ચોરાતાં વિશ્વભરના હિન્દુઓને આઘાત લાગ્યો છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે ગ્રેટર લંડનના લોર્ડ-લેફ્ટનન્ટ સર કેનેથ ઓલિસા, લંડનના મેયર સાદિક ખાન અને બ્રેન્ટ બરોના મેયર અર્શાદ મહમૂદને આ ઘટનાને ગંભીરતાથી લઈ વિલ્સડન વિસ્તારની હિન્દુ કોમ્યુનિટીને મળી સધિયારો આપવા અને પવિત્ર મૂર્તિઓ સલામત પરત મેળવવાના પગલાં લેવાં અનુરોધ કર્યો છે. મંદિર રાબેતા મુજબ દરેકને માટે ખૂલ્લું છે. (૪૦૮)