લંડનમાં આવેલા વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે તા.૬.૫.૧૮ને રવિવારે સવારે ૭થી સાંજે ૭ દરમિયાન અખંડ સ્વામીનારાયણ મહામંત્ર ધૂનનું આયોજન કરાયું હતું. ૧૯૭૫માં મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે મે મહિનાની પ્રથમ બેંક હોલિડેના રવિવારના દિવસે ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. અખંડ ધૂનમાં સવારથી સાંજ સુધીમાં ૨,૦૦૦થી વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે બ્રેન્ટના મેયર ભગવાનજીભાઈ ચૌહાણ અને અન્ય રાજકીય અગ્રણીઓએ મંદિરની મુલાકાત લીધી હતી. ભૂજ સ્વામીનારાયણ મંદિરના સંતો સર્વ શ્રી પરમહંસ સ્વામી, વેદાંતસ્વરૂપ સ્વામી અને વિવેકસાગર સ્વામી તેમજ ‘ગુજરાત સમાચાર’ના કિશોરભાઈ પરમાર સહિત સ્થાનિક અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦૪થી મંદિરના સેક્રેટરી તરીકે સેવા આપતા શીવજીભાઈ હિરાણી અને પ્રમુખ કુરજીભાઈ કેરાઈએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઠાકર થાળીનું આયોજન કાનજીભાઈ જેસાણી અને ખીમજીભાઈ કરશનભાઈ ભૂડિયા દ્વારા કરાયું હતું. દિવસ દરમિયાન ૧,૨૦૦થી વધુ હરિભક્તોએ પ્રસાદ લીધો હતો.
અંતમાં સૌ હરિભક્તોએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો.