લંડનઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે કન્વીનર અને પટેલ સમાજના તરવરિયા અગ્રણી દીપકભાઈ પટેલના નિવાસે ગણેશોત્સવ ઉજવાયો હતો. ભગવાન ગણેશના આગમન પહેલા પરિવારજનોના વિચારો સમર્પણ અને જવાબદારીની ઉન્નત ભાવનાઓથી છવાયેલા રહ્યા હતા. ઘરમાં ગણેશજીની ઉપસ્થિતિ નવા આરંભ લાવશે, વિઘ્નો દૂર કરશે તેમજ ઘરમાં સુખ અને શાંતિ છવાઈ જશેની ભાવના સાથે તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.
ઘરમાં ગણેશજીનું આગમન ગાઢ આધ્યાત્મિક અનુભવ બની રહે છે. મૂર્તિના આગમન પહેલા ઘરમાં ઊજવણીનો માહોલ જણાય તે માટે પ્રવેશદ્વારને પોસ્ટર્સ અને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું. રંગોળી પણ પૂરવામાં આવી હતી. સમગ્ર ઘરને લાઈટ્સથી પ્રકાશિત અને અગરબત્તીની સુવાસથી સુગંધિત કરી દેવાયું હતું. રોશની આશા, સમૃદ્ધિ શાંતિનું પ્રતીક છે જે ગણેશજીના આગમનની સાથે આવે છે. ભગવાન ગણેશની સુંદર મૂર્તિ માટે ઈકોફ્રેન્ડલી સામગ્રીમાંથી ઝૂલો બનાવાયો હતો. ઝૂલાને ગુલાબ અને મેરીગોલ્ડથી સજાવી ભગવાન સમક્ષ ફળ, મીઠાઈ વગેરેનો પ્રસાદ પણ ગોઠવી દેવાયો હતો.
સમગ્ર સજાવટનું કાર્ય દીપકભાઈ પટેલ, પાયલ પટેલ, નિત્યા પટેલ, પરમ પટેલ, દેવાર્ષ પટેલ, ગૌરાંગ પટેલ અને મૈત્રી પટેલે સંભાળી લીધું હતું. ભગવાન ગણેશજીની મૂર્તિ ઘરમાં લાવવાના સમયે વાતાવરણમાં દિવ્ય ઊર્જા પ્રસરી રહી હતી. સત્કારની વિધિ, ઘંટડીઓના અવાજ અને શ્લોકોના ઊચ્ચાર થકી બધાએ સમગ્ર વાતાવરણમાં દિવ્યતાનો અનુભવ કર્યો હતો.