વિશ્વમાં ૪૪ વર્ષ પછી વસ્તી ઘટશેઃ ભારત અને નાઈજિરિયામાં વસ્તીવધારો રહેશે

Saturday 25th July 2020 00:47 EDT
 
 

લંડનઃ વિશ્વની વધતી વસ્તી વિશે ચિંતા થઈ રહી છે ત્યારે યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ટીમ દ્વારા કરાયેલા મહત્ત્વપૂર્ણ  અભ્યાસમાં જણાવાયું છે કે ૪૪ વર્ષ પછી વસ્તીમાં ઘટાડો શરુ થશે. આ પહેલા ૨૦૬૪ સુધીમાં વિશ્વની વસ્તી ૯.૭ બિલિયનની ટોચે પહોંચશે અને ઘટતા જતા જન્મદર સાથે આશરે ૯૦૦ મિલિયનના ઘટાડા સાથે વર્ષ ૨૧૦૦માં ૮.૮ બિલિયન થશે. યુકેમાં ૨૦૬૩માં સૌથી વધુ વસ્તી ૭૫ મિલિયનની હશે. ભારત, નાઈજિરિયા, ચીન, યુએસ અને પાકિસ્તાન ૨૧૦૦ સુધીમાં વિશ્વમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા દેશો હશે. સંશોધકોની આગાહી છે કે નાઈજિરિયા વસ્તીમાં ચીનથી પણ આગળ નીકળી જશે.

સંશોધકોનું માનવું છે કે જો દરેક સ્ત્રી સરેરાશ ૨.૧ બાળકને જન્મ આપશે તો વસ્તી સ્થિર રહેશે અથવા વધી શકે છે. જોકે, સારા ગર્ભનિરોધકો અને શિક્ષણથી જન્મદર ઘટશે. વિશ્વમાં હાલ પ્રતિ સ્ત્રી બાળજન્મદર ૨.૩૭ છે તે ઘટીને ૧.૬૬ થવાનો અંદાજ છે. હાલ પોલેન્ડમાં પ્રતિ સ્ત્રી જન્મદર ૧.૧૭ અને સ્પેનમાં ૧.૨ જેટલો નીચો છે. સ્ત્રીઓ ઘરમાં માતા કે પત્ની તરીકે ઘરમાં રહેવાની પરંપરાગત ભૂમિકાના બદલે બહાર કામકાજ કરવા આધુનિક બનશે અને મોટા પરિવારોનું પ્રમાણ ઘટી જશે.

ઘણા યુરોપિયન અને ઈસ્ટ એશિયન દેશોની વસ્તીમાં નાટ્યાત્મક ઘટાડો આવશે અને સરેરાશ વય ઊંચી જશે. મોટા ભાગના યુરોપ, રશિયા,  કેનેડા અને યુએસ, બ્રાઝિલ, ચીન અને ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં અત્યારે પણ જન્મદર જરુર કરતાં નીચો છે. આગામી દાયકાઓમાં આ દેશોના વયોવૃદ્ધ નાગરિકોનો મૃત્યુદર ઝડપી હશે અને પરિણામે વસ્તીમાં ઘટાડો થશે. જાપાન, સ્પેન, જમૈકા, યુએઈ, લેટવિયા, બલ્ગેરિયા, ક્રોએશિયા, યુક્રેન, ક્યુબા અને થાઈલેન્ડ સહિત ૨૩ દેશોમાં વસ્તીમાં ૫૦ ટકા તે તેથી વધુ ઘટાડો નોંધાશે.

આફ્રિકા અને એશિયાની સરખામણીએ પશ્ચિમી દેશોમાં વસ્તી ઝડપથી ઘટવા ઉપરાંત, કેટલાક મંદ વિકાસના દેશોમાં જન્મદર ઘટવામાં ૮૦ કે વધુ વર્ષ લાગી શકે તે જોતાં વિશ્વમાં સત્તાના સમીકરણો પણ બદલાશે. આ સદીના અંતે નાઈજિરિયા વિશ્વના સૌથી ધનવાન અને શક્તિશાળી દેશોમાં એક હશે. યુએસ હજુ ૩૦ વર્ષ પ્રથમ ક્રમની મહાસત્તા બની રહેશે તે પછી ચીન તેનું સ્થાન મેળવશે પરંતુ, ફરી સ્થાન ગુમાવી પણ દેશે.

અભ્યાસ અનુસાર વર્ષ ૨૧૦૦માં ભારત સૌથી વધુ ૧.૯ બિલિયન વસ્તી ધરાવતો દેશ બનશે હાલ તેની વસ્તી ચીન (૧.૪ બિલિયન) કરતાં ઓછી એટલે કે ૧.૩ બિલિયન છે. ભારત પછી નાઈજિરિયા (૭૯૧ મિલિયન), ચીન (૭૩૨ મિલિયન), યુએસ (૩૩૬ મિલિયન), પાકિસ્તાન (૨૪૮ મિલિયન) અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (૨૪૬ મિલિયન) હશે. યુકેની વસ્તી (હાલ ૬૬ મિલિયન) વધીને ૨૦૬૩માં ૭૫ મિલિયન થશે અને સદીના અંતે ઘટીને ૭૧.૫ મિલિયન થઈ જશે. યુએસની વસ્તી (હાલ ૩૩૩ મિલિયન) વધીને ૨૦૬૨માં ૩૬૩ મિલિયન થશે અને સદીના અંતે ઘટીને ૩૩૬ મિલિયન થઈ જશે.

વિશ્વના અર્થતંત્રોની વાત કરીએ તો ઈન્ડોનેશિયા અને તુર્કીના અર્થતંત્ર વર્ષ ૨૧૦૦ સુધીમાં વિશ્વના સૌથી શક્તિશાળી ૧૨ દેશોમાં સ્થાન મેળવશે જ્યારે બ્રાઝિલ અને રશિયાના વૈશ્વિક રેન્કિંગ નીચે જશે.

યુએસના સીએટલમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ડો. ક્રિસ્ટોફર મરે અને પ્રોફેસર સ્ટેઈન વોલ્સેટની આગેવાની હેઠળ ૨૪ વિજ્ઞાનીઓની ટીમ દ્વારા કરાયેલું સંશોધન યુકેના મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રસિદ્ધ થયું છે.

વર્ષ ૨૧૦૦માં વિશ્વના ટોચના અર્થતંત્રો કયા હશે?

દેશ                       વર્ષ૨૧૦૦       વર્ષ ૨૦૧૭

યુએસએ                         ૧              ૧

ચીન                             ૨              ૨

ભારત                           ૩              ૭

જાપાન                           ૪              ૩

જર્મની                           ૫              ૪

ફ્રાન્સ                             ૬              ૫

યુકે                              ૭              ૬

ઓસ્ટ્રેલિયા                       ૮             ૧૨

નાઈજિરિયા                      ૮             ૨૮

કેનેડા                            ૧૦            ૧૧

તુર્કી                              ૧૧            ૧૭

ઈન્ડોનેશિયા                      ૧૨            ૧૬

બ્રાઝિલ                          ૧૩            ૮

રશિયા                           ૧૪            ૧૦

મેક્સિકો                         ૧૫            ૧૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter