શુક્રવાર ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ની સુહાની બપોર સાહિત્યપ્રેમીઓ માટે ચીર-સ્મરણીય બની રહી. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ વીર નર્મદની ૧૩૫મી પુણ્યતિથિ નિમિત્તે "ગુજરાત સમાચાર" અને એશિયન વોઇસ"ના ઉપક્રમે યોજાયેલ વીર નર્મદ સ્મરણાંજલિ સભાનું સંચાલન જાણીતા રેડિયો એન્કર, આપણા ગુજરાત સમાચારની "અજવાળું અજવાળું "કોલમના લેખક અને વક્તા શ્રી તુષાર જોષીએ એમની આગવી અદાથી કરી શ્રોતાજનોના દિલ જીતી લીધાં હતાં.
આ સભાના મુખ્ય પ્રભાવક વક્તાઓ જાણીતા કવિ, વક્તા, અભિનેતા અને ગુજરાત સરકારના પૂર્વ સનદી અધિકારી ભાગ્યેશ જ્હા તેમજ સુરતના વતની યામિનીબહેન વ્યાસ જેઓ જાણીતા કવિયત્રી, લેખિકા, અભિનેત્રી અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી છે એમની સરસ વહી જતી વાણીએ સૌના દિલ જીતી લીધાં હતાં. નર્મદની કવિતાઓનું સૂરીલું ગાન આપણા સૌના જાણીતા સંગીતકાર માયા દીપક ગૃપે કરી કાર્યક્રમને સુમધુર બનાવી દીધો હતો. વિશેષ મહેમાનો અને શ્રોતાજનોનું ભાવભીનું સ્વાગત "ગુજરાત સમાચાર" અને એશિયન વોઇસ"તરફથી કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સના શાહે કર્યું હતું. આભારવિધિ શ્રી સી.બી. પટેલે કરી આજના કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા સર્વશ્રી તુષાર જોષી, યામિની બહેન અને ભાગ્યેશ જ્હાનો હ્દય પૂર્વક એમની આગવી શૈલીમાં માન્યો હતો.
અર્વાચીનોમાં આદ્ય, નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, સુધારાનો અરૂણ, નિર્ભય પત્રકાર, પ્રેમ-શૌર્યના નવી શૈલીના કવિ જેવા ઉપનામોથી નવાજીત વીર કવિ નર્મદને શ્રધ્ધાંજલિ-સ્મરણાંજલિ અર્પતાં એમના જીવન-કવનના વિવિધ પાસાંઓને યાદ કરી ધન્ય થઇએ. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં એમણે કરેલ ખેડાણ અને પહેલ અનન્ય છે.
“ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કાઢ્યું કે ના લટવું, ના લટવું...” એ વિચારધારાને આત્મસાત્ કરી હતી. ૨૫ વર્ષની યુવા વયે નોકરીનો ત્યાગ કરી "મા સરસ્વતિના ખોળે માથું મૂકી સાહિત્યને સમર્પિત કરવાની એ ઘેલછા ગુજરાતી સાહિત્યની અદ્ભૂત ઘટના કહેવાય.
વીર કવિ નર્મદનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે. ગુજરાતી અને સંસ્કૃત સહિત અંગ્રેજી ભાષાના ઊંડા અભ્યાસુ. જેની છાંટ એમની કવિતાઓ, નાટકો આદીમાં વરતાય છે.
" પાઘ રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરેલી,
લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સુરત...”
મૂર્ધન્ય કવિ ભગવતીકુમાર શર્માએ વીર નર્મદ માટે લખેલ કવિતાની પંક્તિઓથી યામિનીબહેને એમના વક્તવ્યનો શુભારંભ કર્યો ત્યારે સી.બી.ના મુખેથી વાહ...વાહ નીકળી ગયું. આપણે એને નર્મદ કહી તુકારો કરીએ છીએ, કેમ? એ મા કે પ્રભુ જેમ એ સૌનો વ્હાલો, પ્રિય છે એટલે. નર્મદ આજે પણ જીવતો છે.
૧૮૬૪માં "ડાંડિયો" પાક્ષિક શરુ કર્યું. કવિ રમેશ શુક્લ કહે છે, “એ યુગપુરૂષના હાથમાં "ડાંડિયો" એક ધર્મ દંડ છે. સુરતમાં એમનું ઘર સ્મારક "સરસ્વતિ મંદિર" બનાવાયું છે. ૮૨ વર્ષ પહેલા વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ "નર્મદ સાહિત્ય સભા"ની સ્થાપના કરી હતી. ત્યાં ૮૨ વર્ષથી દર વર્ષે વાઘબારસના દિવસે વિવિધ ભાષાઓની કાવ્યકૃતિઓ ગુજરાતીમાં અનુવાદ કરી એનું પઠન થાય છે. કવિ સંમેલનો, મુશાયરાઓ, પરિસંવાદો વગેરે યોજાય છે. કવિ સંમેલનોમાં નર્મદના કાવ્યો સાથે એમના માટે રચાયેલા કાવ્યોનું પણ પઠન થાય છે. કવિ નયન દેસાઇએ લખ્યું કે, " હું બોલું તો આમ જ બોલું, હું નર્મદનો વંશજ છું." હું સરતની હોવાથી હું પણ નર્મદના વંશજ હોવાનું ગૌરવ અનુભવું છું.
જેમ શિવજીને ત્રણ પાંખડીવાળું બિલિપત્ર ચડાવાય છે એમ નર્મદને કવિ ન્હાનાલાલે ત્રણ પાંખડીવાળા કહ્યા છે. *નર્મ ગદ્ય *નર્મ કવિતા *નર્મ કોશ.
ગુજરાતી સાહિત્યમાં કવિતાને જુના બંધનોમાંથી કાઢી નર્મદે એને ઊર્મિ પ્રધાન બનાવી. પ્રકૃતિ વર્ણનોના રાગ ગાયા ને પ્રણય રંગ પણ પૂજ્યો. ઇતિહાસ સર્જક આત્મકથા લખી :”મારી હકીકત". જે ગુજરાતી સાહિત્યને મળેલી અણમોલ ભેટ છે. ગધ-પધ ઉપરાંત પત્રકારત્વમાં પ્રવેશ. દાંડી વગાડે તે "ડાંડિયો" પાક્ષિક શરૂ કર્યું. બ્રિટીશ રાજમાં જનતાને જગાડવા તેજીલી ભાષામાં સત્ય અને સ્પષ્ટ રજુઆત વીરતાથી કરી.
નર્મદના નામથી સુરતમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બની. હની છાયા દિગ્દર્શીત સીરીયલ પણ બની. નાટકમાં ૯૯ પાત્રો અને એ પણ દિકરીઓએ ભજવ્યા. આમ સુરતમાં નર્મદના નામે થયેલ વિવિધ માહિતી યામિનીબહેને જુસ્સાભેર રજુ કરી. છેલ્લે નર્મદની આત્મકથા "મારી હકીકત"નું આંશિક પઠન કર્યું. એમનાં પત્ની ડાહીગૌરીબહેન જ્યારે પિયરથી પાછા આવે છે ત્યારે કવિ નર્મદ અને એમની વચ્ચે થયેલ વાર્તાલાપના વાંચનની આબેહૂબ અભિવ્યક્તિ કરી સૌના મન હરી લીધાં.
પોતાની રસાળ શૈલીથી ભારેખમ વિષયને પણ હળવાશભરી રીતે રજુ કરવાના માહેર વક્તા શબ્દના ઉપાસક ભાગ્યેશ જ્હાએ સંસ્કૃતના શ્લોકથી વક્તવ્યનો શુભારંભ કર્યો. “થેમ્સ નદીના કિનારે બેઠેલાને તાપી નદીના કિનારે જન્મેલા ગુજરાતી સાહિત્યના ઉપાસક નર્મદને યાદ કરી સ્મરણાંજલિ કાર્યક્રમ યોજ્યો અને અમે ગુજરાતીનો ઝંડો લઇ ફરનારા કોઇને ય આ કરવાનું ન સૂઝ્યું. સી.બી.પટેલ અને જ્યોત્સનાબેનને આ વિચાર સ્ફૂર્યો અને અમલમાં મૂક્યો એ માટે લાખ લાખ અભિનંદન.
નર્મદે મંડળી કરવાના ફાયદા વિષે પ્રવચન કરવાનું હતું અને એના મુદ્દા તૈયાર કર્યા પછી એ નિબંધ લખ્યો. એના પરથી એમનું સ્ટેટસ પરખાય છે. હું ૧૯૮૫થી લંડન આવું છું. આ લંડનવાળા મંડળી બનાવવાના ફાયદાને મંત્ર બનાવી પચાવી ગયા અને અમે ન પચાવી શક્યા. અમારો ડાંડિયો વાગ્યા કરે છે એ અમને ન સંભળાયો ને તમને બરાબર સંભળાઇ ગયો. તમે ગુજરાતને ફ્રીઝમાં સાચવ્યું છે. જ્યાં ગુજરાતી ભાષા-સાહિત્ય, સંગીત, સંસ્કૃતિને યાદ કરવામાં આવે છે.
નર્મદને અર્વાચીનોમાં આદ્ય કેમ કહેવાય છે? એણે પહેલો શબ્દ કોશ, પહેલું પીંગળ શાસ્ત્ર, પહેલું વીર વૃત્ત (છંદ શાસ્ત્ર) લખ્યું. પહેલી આત્મકથા "મારી હકીકત"...કેટલું બધું પહેલું કર્યું..! એ એક સમાજસુધારક છે પણ કેવા? એને અમલમાં મૂકે એવા.
“ગુજરાતી મારી મા છે. હિન્દી મારી માસી. સંસ્કૃત મારી દાદી અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદેશી વિદૂષી નારી. એને હું પગે લાગું છું પણ ઊંઘ ના આવે ત્યારે તો મા હાલરડું ગુજરાતીમાં ગાય ત્યારે જ આવે છે.”
કલમને ખોળે માથું મૂકવું એટલે શું સાહેબ…
“જય જય ગરવી ગુજરાત,
તું ભણવ ભણવ સંતતિ,
ઊંચી તુજ જાત….” બોલીએ ત્યારે થડકાર થઇ જાય. આ થડકો કરવાની તાકાત નર્મદમાં છે. એ વ્યક્તિએ કવિતામાં પ્રાણ પૂર્યો એથી એ ચિરંજીવ બની જાય અને સ્ટેટનું એન્થમ બની જાય એ એની તાકાત છે.
નર્મદનો સંદેશો "જાગતા રહેજો, જાગતા રહેજો, તારી હાક સુણી કોઇ ના આવે તો જાગતો રહેજે..” "નાતરા કરો, નાતરા કરો કહીને પોતે અમલમાં મૂકે અને અમલમાં મૂકી વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડે. એમની તેજાબી ભાષા, “તમને મારા માટે આકાશ જેટલો ઊંચો અભિપ્રાય હોય કે પાતાળ જેટલો નીચો..પણ હું તમારા શહેરનો કેરેક્ટર છઉં".કવિતાના શબ્દો નાભીમાંથી ઉદ્ભવે તો સમાજ એનું સન્માન કરે. નર્મદને ભાઇ કહીએ તો પાતળા થઇ જાય એને તો વીર જ કહેવું પડે. એમની આત્મકથામાં ગાંધીજી જેવી સત્યનિષ્ઠા અને પારદર્શીતા છે. નવલરામ જેવા વિવેચક પણ કહે કે "હું નર્મદના પ્રેમમાં છું.” નર્મદનું ગદ્ય પાછળથી તપાસીએ તો તેઓ આદ્યાત્મિક તરફ વળી ઉપદેશક બની ગયા છે જે એમના "ધર્મ વિચાર: પુસ્તકમાં પડઘાય છે, “ ભૂલ્યા રે ભાઇ ભૂલ્યા, પાછા હઠો, પાછા હઠો".
"શું તાપીના કિનારે નર્મદ ફરી ના આવે? અરે, નર્મદ તો સૌના હ્દયમાં વસી ગયો છે.” ના ભાવ સહિત સમાપન થયું. ગુજરાતી સાહિત્યના આ જ્યોતિર્ધરની અંજલિ સભા અણમોલ સંભારણું બની ગઇ.