લંડનઃ ગુજરાતમાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલન સંદર્ભે વેમ્બલીસ્થિત પાટીદાર હાઉસ ખાતે વિવિધ ગુજરાતી અને ભારતીય સંસ્થાઓના અગ્રણીઓની બેઠક રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે યોજાઈ હતી. બેઠકમાં અમદાવાદમાં ૨૫ ઓગસ્ટની વિશાળ જાહેર રેલી પછી અમદાવાદ ઉપરાંત ગુજરાતના વિવિધ ભાગોમાં ફાટી નીકળેલા હિંસક બનાવો અંગે અગ્રણીઓએ ચિંતાની લાગણી વ્યક્ત કરીને શાંતિ જાળવવા અનુરોધ કર્યો હતો.રિઝર્વેશન ક્વોટામાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુનો સમાવેશ કરવાનું આંદોલન કમનસીબે મૃત્યુ, હિંસા, ભાંગફોડ તેમ જ વિશ્વમાં ગુજરાત અને ભારતની બદનામી થાય તેવી કરુણાંતિકાઓમાં ફેરવાઈ ગયું હતું. જાહેર બેઠકમાં ઊંડા દુઃખની લાગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા તમામને આત્યંતિક હિંસા તરફ દોરી જતી ઘટનાઓ ફરી કદી સર્જાય નહિ તેની ચોકસાઈ રાખવા અનુરોધ કરાયો હતો. આની સાથોસાથ ૨૫ અને ૨૬ ઓગસ્ટે આંદોલન દરમિયાન પોલીસ દ્વારા આચરાયેલા દમનને વખોડી કાઢવા સાથે કાયદાને પોતાના હાથમાં લેનારા પોલીસ અધિકારીઓ તેમ જ અન્યો સામે કડક હાથે કામ લેવા ગુજરાત સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલને હિંસક વળાંક લેતાં જ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે આંદોલનનું સુકાન સંભાળી રહેલા કન્વીનર હાર્દિક પટેલ, સરદાર પટેલ ગ્રૂપના લાલજીભાઇ ડી. પટેલ, મહેશભાઇ પટેલ તેમ જ ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને પત્ર પાઠવીને સમસ્યાનું શાંતિપૂર્ણ સમાધાન શોધવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત સી. બી. પટેલે તેમની કોલમ ‘જીવંત પંથ’ તેમ જ તંત્રીલેખના માધ્યમથી પણ સમસ્યાનું સમાધાન સંઘર્ષથી નહીં, સંવાદથી શોધવા હાકલ કરી હતી.બ્રિટનવાસી પાટીદાર તેમજ અન્ય ગુજરાતી - ભારતીય સમાજના અગ્રણીઓ એક સ્થળે એકત્ર થઇને અનામત આંદોલન ઉપરાંત સમાજના અન્ય પ્રશ્નો અંગે વિચારોનું આદાનપ્રદાન કરી શકે તે માટે ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’ દ્વારા વેમ્બલીમાં પાટીદાર હાઉસ ખાતે ૧૩ સપ્ટેમ્બરે બેઠકનું આયોજન કરાયું હતું.પ્રજાહિત સર્વોપરિઃ મુખ્ય પ્રધાનમુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સી. બી. પટેલના પત્રના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રજાહિત સર્વોપરિ છે એટલે જ ગુજરાત સરકાર હંમેશા પ્રજાજનોના પ્રશ્નો અંગે સતત ચીંતિત છે. કોઇ સમુદાયને અનામત આપવા અંગે ચોક્કસ કાયદાકીય પ્રક્રિયાને અનુસરવી પડતી હોય છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે ચાલતી ચળવળ અંગે રાજ્ય સરકારે હંમેશા ખુલ્લું મન રાખીને વિચારવિમર્શ કર્યો છે અને આ માટે સાત સભ્યોની સમિતિની પણ રચના કરી છે. રાજ્ય સરકાર સમાજના કોઇ પણ વર્ગને અન્યાય ન થાય તે માટે પ્રતિબદ્ધ હોવાની લાગણી પણ મુખ્ય પ્રધાને પત્રમાં વ્યક્ત કરી હતી.બેઠકમાં સર્વાનુમતે ઠરાવપાટીદાર હાઉસમાં યોજાયેલી બેઠકમાં આઠ મુદ્દા સાથે સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. જેમાં આંદોલનકારીઓ અને સરકાર આમનેસામને બેસીને ભારતીય બંધારણમાં પ્રસ્થાપિત અને પાછળથી ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા સમર્થિત અનામત નીતિ સંબંધિત તમામ મુદ્દાઓની શાંતિપૂર્વક અને રચનાત્મક ચર્ચા હાથ ધરે તેવો અનુરોધ કરતો મુદ્દો મુખ્ય હતો.આ ઉપરાંત બેઠકમાં અનામત નીતિની પશ્ચાદભૂ અને ઈતિહાસની કરાયેલી ચર્ચામાં સર્વસંમતિ પ્રવર્તતી હતી કે નીતિનો ઉદ્દેશ ગમેતેટલો ઉમદા હોય, પરંતુ વર્તમાન યુગમાં શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં પ્રવેશની બાબતો જ્ઞાતિઆધારિત અનામત નીતિ અસ્વીકાર્ય બની ગઈ છે.બેઠકમાં એવું પણ ઠરાવાયું હતું કે આવતીકાલના ભારતમાં બદલાઈ રહેલા સામાજિક માળખામાં ગુણવત્તા - મેરિટને જ પ્રાધાન્ય અપાવું જોઈએ. નીચલા સ્તરના લોકોને કોઈ પ્રકારની મદદ મળે તે ઈચ્છનીય છે, પરંતુ આવી મદદ મુખ્યત્વે આર્થિક અને અન્ય માપદંડોને આધારિત રાખી શકાય. જ્ઞાતિઆધારિત અનામત અયોગ્ય અને અસ્વીકાર્ય છે. એટલું જ નહિ, જેને મદદ કરવાની છે તે લોકો માટે પણ આ નીતિ ક્ષોભજનક અને અપમાનજનક છે.કેટલાક અગ્રણીઓએ એવા મંતવ્યો રજૂ કર્યા હતા કે પછાત વર્ગો માટે બંધારણીય સુરક્ષાની વ્યવસ્થાના ટેકા સાથે સમયાંતરે સમતાવાદી અને ન્યાયી સમાજનું સર્જન થશે તેમ જ દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચાર અને ભેદભાવનો અંત આવશે તેવી આશા બંધારણના ઘડવૈયાઓએ રાખી હતી. જોકે, આશા સંપૂર્ણપણે ફળીભૂત થઈ નથી. પૂર્વગ્રહોનું આજે પણ અસ્તિત્વ છે અને કેટલાક કિસ્સામાં અનામત વર્ગના ઉમેદવારોની પોતાની યોગ્યતાના આધારે જ પસંદગી થઈ હોય ત્યારે પણ તેમને તુચ્છ નજરે જોવાય છે. સમાજની આવી માનસિકતા કે અભિગમને બદલવાની આવશ્યકતા છે.બેઠકમાં એવો પણ ઠરાવ પસાર થયો હતો કે અનામતનો લાભ મેળવીને IAS, IFS, IPS, IRS જેવા ઉચ્ચ સ્થાનો પર સીધા ભરતી પામેલા લાભાર્થીઓ તેમ જ મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો અને કેન્દ્રમાં કેબિનેટ મિનિસ્ટરોના સંતાનોને રિઝર્વેશનના લાભથી બાકાત રાખવા જોઈએ, જેથી તેમના જ સમુદાયના વધુ કચડાયેલાં સભ્યોને તક મળી શકે. આ ઉપરાંત, સરકારી નોકરીઓમાં પૂરતું પ્રતિનિધિત્વ મેળવનારા સમુદાયોને પણ બાકાત રાખવા જોઈએ. આ મુદ્દે એવું ઉદાહરણ અપાયું હતું કે રાજસ્થાનમાં અનુસૂચિત જનજાતિ (ST)માં આવતી ‘મીણા’ કોમ્યુનિટીને જરૂર કરતા વધુ પ્રતિનિધિત્વ મળેલું છે ત્યારે તેમને પણ બાકાત રાખવા જોઈએ. આવા ફેરફારો માટે બંધારણીય સુધારાની જરૂર રહેતી નથી.બેઠકમાં સભ્યોએ નવેમ્બરમાં યુકેની મુલાકાતે આવી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવાનો ઠરાવ પણ સર્વસંમતિએ પસાર કર્યો હતો. યુકે અને યુરોપસ્થિત ભારતીય ડાયસ્પોરા ભારતીય વડા પ્રધાનની યુકે મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. બન્ને રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસિક સંબંધોના પુનરોચ્ચારની કોઈ જરૂર નથી ત્યારે સભ્યોએ લાગણી દર્શાવી હતી કે આ મુલાકાત યુકે-ભારત ઘનિષ્ઠ સંબંધોને વધુ મજબૂત બનાવશે.