લંડનઃ વેલ્ડસ્ટનની હાઈસ્ટ્રીટમાં ૨૭ ફેબ્રુઆરીએ ૩૪ વર્ષીય મોહમ્મદ અલ – ઝુફૈરીની હત્યાના આરોપી વેલ્ડસ્ટનના ટ્યુડર ગાર્ડન્સમા રહેતા ૨૬ વર્ષીય ફેમી ઓમોટોસોને ૬ઠ્ઠી માર્ચે લંડન મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરાયો હતો.
વેલ્ડસ્ટનમાં તાજેતરમાં જ બંધ થયેલા પોલીસ સ્ટેશનની સામે હેલિપેક્સ બેંકની શાખા બહાર ઝુફૈરી પર હુમલો થયો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલે લઈ જવાયા હતા અને ઈમરજન્સીમાં સર્જરી પણ કરવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું હતું. પહેલી માર્ચે નોર્થવીક પાર્ક હોસ્પિટલમાં થયેલા પોસ્ટમોર્ટમમાં ઝુફૈરીના મોતનું કારણ હૃદય પર છૂરાના એક ઘાથી થયેલી ઈજા હોવાનું જણાવાયું હતું.
હત્યાના એક અઠવાડિયા બાદ આ ઘટનાને કોઈએ નજરે નિહાળી હોય તો તેને શોધવા અને તેની સાથે વાતચીત કરવા માટે ઓફિસરોએ વેલ્ડસ્ટન હાઈ સ્ટ્રીટની મુલાકાત લીધી હતી. તેમના ભાઈ અલીએ જણાવ્યું હતું કે આ ઘટના બની ત્યારે ઝુફૈરીની આઠ વર્ષીય પુત્રી થોડેક જ દૂર એક શોપમાંથી સ્વીટ ખરીદી રહી હતી.