લંડનઃ બ્રિટિશરો વધુ ઉદાર વેલ્ફેર બેનિફિટસને વધુ સમર્થન કરી રહ્યા છે અને કોરોના વાઈરસ મહામારી અગાઉથી પણ બે દસકાના સમયગાળામાં તે સૌથી ટોચ પર છે. બ્રિટિશ સોશિયલ એટિટ્યૂડ સર્વે અનુસાર ઈમિગ્રેશન અને સામાજિક સુરક્ષાની બાબતોએ પણ સમાજનો મત વધુ ઉદાર બની રહ્યો છે. યુનિવર્સલ ક્રેડિટ ઉપરાંત, સાપ્તાહિક ૨૦ પાઉન્ડનો કોવિડ-૧૯ વધારો જાળવી રાખવા સરકાર પર દબાણ વધી રહ્યું છે. લોકો વેલ્ફેર પર વધુ આધાર રાખતા થયા હોવાનું પણ સ્પષ્ટ થાય છે.
બ્રિટિશ સોશિયલ એટિટ્યૂડ સર્વે અનુસાર બેનિફિટ્સનું પ્રમાણ ઘણું વધારે છે અને તે કામકાજ કરવાને નિરુત્સાહી બનાવે છે તેમ માનનારા લોકોની સરખામણીએ ‘બેનિફિટ્સ ઘણા ઓછાં છે અને તેના કારણે મુશ્કેલી વધે છે’ તેમ માનનારા લોકો વધી રહ્યા છે. આ સર્વે કરનારા નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ ખાતે ડાયરેક્ટર ઓફ સર્વેઝ, જિલિયન પ્રાયરના કહેવા મુજબ તાજેતરના વર્ષોમાં વેલ્ફેર તરફનું વલણ નાટ્યાત્મક રીતે હળવું બન્યું છે જે, સૂચવે છે કે મહામારીના કારણે પોતાની નોકરીઓ ગુમાવનારા લોકો માટે અને ખાસ કરીને બેરોજગારીનાં પ્રમાણમાં ગણનાપાત્ર વધારો થયો હોય ત્યારે વધુ ઉદાર વેલ્ફેર બેનિફિટ્સ તરફ લોકો વધુ સહાનુભૂતિ ધરાવી શકે છે.
ગત વર્ષે જુલાઈ અને ઓક્ટોબર વચ્ચેના ગાળામાં ૩,૨૨૪ બ્રિટિશ વયસ્કોના પ્રતિનિધિરુપ સેમ્પલ સાથે આમનેસામને ઈન્ટરવ્યુ પર આધારિત સંશોધન અનુસાર મહામારી ફાટી નીકળી તે પહેલા પણ વધુ ઉદાર વેલ્ફેર બેનિફિટ સિસ્ટમની લોકોએ તરફેણ કરી હતી. માર્ચ મહિનાથી મુખ્ય વેલ્ફેર બેનિફિટ, યુનિવર્સલ ક્રેડિટ પર રહેનારા લોકોની સંખ્યા બમણી થઈને ૬ મિલિયન થઈ છે અને ફર્લો સ્કીમના અંત તેમજ બેરોજગારી વધતી જવા સાથે તેમાં હજુ વધારો થવાની ધારણા છે.
ચાર વર્ષ અગાઉ બ્રેક્ઝિટ જનમતમાં ઈમિગ્રેશન મુખ્ય મુદ્દો હોવાં ઉપરાંત, સરકારે માઈગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા કડક પગલાં લીધા અને સરહદોનો અંકુશ હસ્તગત કરવા છતાં, ઈમિગ્રેશન મુદ્દે મતમાં હળવાશ આવી છે. ઈમિગ્રેશન સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ બનાવે છે તેમ માનનારા લોકોનું પ્રમાણ ૨૦૧૧માં ૨૬ ટકા હતું જે, વધીને ૨૦૧૯માં ૪૬ ટકા થયું હતું. આનાથી વિરુદ્ધ, ઈમિગ્રેશન અર્થતંત્ર માટે ખરાબ હોવાનું માનનારા લોકોનું પ્રમાણ આ જ સમયગાળામાં ૪૩ ટકાથી ઘટીને ૧૫ ટકા થયું હતું.