લંડનઃ વેસ્ટ મીડલેન્ડસમાં ગુરુવારે મેયરપદની ચૂંટણી યોજાવાની છે. લોકલ હિંદુ કોમ્યુનિટીને આ ચૂંટણીમાં સંકળાવા અને ઉમેદવારોથી વાકેફ કરવા માટે માટે વોલ્સોલ હિંદુ ફોરમે રવિવાર તા. ૩૦ એપ્રિલે મેયરપદના તમામ છ ઉમેદવારોના ડિબેટનો કાર્યક્રમ યોજ્યો હતો.
ફોરમના પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ૨૦ વર્ષના મેડિકલ સ્ટુડન્ટે BBCના Question Time કાર્યક્રમની માફક તેનું સંચાલન કર્યું હતું. ચર્ચા માટે છમાંથી એન્ડી સ્ટ્રીટ (કોન્ઝર્વેટિવ), સાયન સિમોન (લેબર), પેટ ડર્નેલ (UKIP), જેમ્સ બર્ન (ગ્રીન) અને ગ્રેહામ સ્ટીવન્સન (કોમ્યુનિસ્ટ) એમ પાંચ ઉમેદવારો હાજર હતા.
આર હિંદુ કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરશો ? બ્રેક્ઝિટમાં તમે કેવી રીતે કામ કરશો ?કોમ્યુનિટી સેન્ટરો દ્વારા આપ કેવી રીતે કોમ્યુનિટી સંકળાયેલી રહે તે સુનિશ્ચિત કરશો ? જેવા પ્રશ્રો દરેક ઉમેદવારને પૂછવામાં આવ્યા હતા.
મેયરનો હોદ્દો નવો છે. ચૂંટાયેલા મેયરને હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ અને જોબ્સ તથા સ્કીલ્સને આવરી લેવા માટે ૮ બિલિયન પાઉન્ડનું બજેટ ફાળવવામાં આવશે. ચૂંટણીને અનુલક્ષીને વોલ્સોલની હિંદુ કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા અને આ ચૂંટણીમાં સામેલ થવા અને તેનાથી પણ વધુ કશુંક કરવાની પ્રેરણા પૂરી પાડવા ફોરમ દ્વારા યોજાયેલો આ કાર્યક્રમ અનોખો હતો.
અશ્વિન પટેલે જણાવ્યું હતું કે આપણે સૌથી સફળ અને સંગઠિત કોમ્યુનિટીઓ પૈકી એક હોવા છતાં ખૂબ ઓછી સંકળાયેલી કોમ્યુનિટી છીએ તે નવાઈ પમાડે તેવી વાત છે. મને આશા છે કે
આ પ્રવૃત્તિ લોકોને પક્ષમાં જોડાવાની અને આવતા વર્ષે કાઉન્સિલની ચૂંટણીમાં ઉભા રહેવા જેવા સ્થાનિક રાજકારણમાં સંકળાવા લોકોને પ્રેરણા આપશે.