લંડનઃ શમીમા બેગમ તેના નવજાત પુત્ર જેરાહ સાથે રેફ્યુજી કેમ્પ છોડીને નાસી છૂટી હતી. સીરિયાની અલ-હવાલ નિરાશ્રિત છાવણીમાં આશરો લઈ રહેલી અન્ય ISIS જેહાદી પત્નીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે શમીમાએ મીડિયા સમક્ષ પોતાનાં જીવન વિશે મોં ખોલવાથી જેહાદને કલંક લાગ્યું છે. આ પછી, સેલેબ્રિટી બની ગયેલી શમીમાનાં માથા સાટે મોટી રકમનું ઈનામ જાહેર કરાયું હતું અને તેને મોતની ધમકીઓ પણ મળવા લાગી હતી. હવે ૧૯ વર્ષીય શમીમાને તેના પુત્ર સાથે ઈરાકી સરહદ નજીકના રોજ કેમ્પમાં લઈ જવાઈ હતી.
ઈસ્ટ લંડનના બેથનાલ ગ્રીનની મૂળ રહેવાસી શમીમા બેગમ ૨૦૧૫માં બે મિત્રો સાથે સીરિયા જતી રહી હતી. શમીમાએ ખિલાફત શાસનમાં તેના જીવન વિશે મીડિયાને ઈન્ટરવ્યૂઝ આપ્યા પછી કેમ્પમાં તેનું સેલેબ્રિટી સ્ટેટસ થઈ ગયું હતું. ચહેરાને ઢાંક્યા વિના જ વારંવાર ટેલિવિઝન પર આવતી શમીમાની ટીકા પણ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ કરી હતી. કેમ્પમાં તેને સામે જ ધમકીઓ અપાતી હતી. આમ તે ભયમાં જ જીવતી હતી. જીવ બચાવવા બાળક સાથે નાસી છૂટવા સિવાય તેની પાસે કોઈ માર્ગ રહ્યો ન હતો.
હવે તેણે નવજાત બાળક સાથે બ્રિટન પાછાં ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા બ્રિટનમાં રોષ અને રાજકીય વિવાદ સર્જાયા છે. તેની નાગરિકતા પણ રદ કરી દેવાઈ છે. શમીમા તેની માતાના પક્ષે બાંગલા દેશ અને જેહાદી ડચ પતિ યાગો રેજિકના પક્ષે હોલેન્ડની નાગરિકતાને લાયક ગણાઈ હતી. જોકે, આ બે દેશોએ પણ તેને પ્રવેશ નહિ અપાય તેમ સ્પષ્ટ કર્યું છે. શમીમાના પરિવારે બ્રિટિશ નાગરિકતા રદ કરવા સામે કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપી છે. જોકે, શમીમાની નાગરિકતા રદ કરાયા અગાઉ જન્મેલો તેનો પુત્ર જેરાહ બ્રિટિશ નાગરિક હોવાનું સરકાર પણ સ્વીકારે છે.