લિસ્બનઃ વિશ્વભરમાં વસતાં ઈસ્માઈલી ખોજા સમુદાયના આધ્યાત્મિક નેતા પ્રિન્સ શાહ કરીમ અલ હુસૈની આગા ખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ પોર્ટુગલના લિસ્બન શહેરમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને ત્યાં જ તેમણે પાંચમી ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની વિદાયથી માત્ર ઇસ્માઇલી ખોજા સમુદાયમાં જ નહીં, વિશ્વના કરોડો વંચિતોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આગા ખાન દ્વારા સમાજ ઉત્થાન માટેના અનેક કામ કરાયા હતા.
પ્રિન્સ કરીમ આગા ખાન માત્ર 20 વર્ષની વયે ઈસ્માઈલી ખોજાના આધ્યાત્મિક નેતા બન્યા હતા. તેમના દાદા આગા ખાન-તૃતિયે ઉત્તરાધિકારની પરંપરાગત વ્યવસ્થા બદલતા તેમને તેમના પદના ઉત્તરાધિકારી જાહેર કર્યા હતા. 11 જુલાઈ 1957ના રોજ તેઓ ઈસ્માઈલી સમુદાયના 49મા ઈમામ બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રિન્સ આગા ખાન બ્રિટનના રાજા ચાર્લ્સ તેમજ તેમનાં માતા રાણી એલિઝાબેથ દ્વિતીયના ઘનિષ્ઠ મિત્ર હતા. કિંગ ચાર્લ્સે તેમના મિત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને આગા ખાનના પરિવારનો સંપર્ક કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઈસ્માઈલી સમુદાય માટે એક યુગનો અંત
ઈસ્માઈલી ખોજા માટે પ્રિન્સ આગા ખાનનું મૃત્યુ એક યુગના અંત સમાન છે. છેલ્લાં 35 વર્ષમાં સમુદાયે કોઈ આધ્યાત્મિક નેતા ગુમાવ્યા નથી. તેમના નિધનથી ઈસ્માઈલી સમુદાયને પૂરાય નહીં તેવી ખોટ પડી છે, પરંતુ તેમનો વારસો ભાવિ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. મુસ્લિમ પંથ ઇસ્માઇલીઓની પાકિસ્તાનમાં પાંચ લાખ સહિત વિશ્વભરમાં 15 લાખ જેટલી વસ્તી છે. ભારત, અફઘાનિસ્તાન અને આફ્રિકામાં પણ તેમની બહોળી વસ્તી છે.
ઇસ્માઇલી સમાજ - પશ્ચિમી સમાજ વચ્ચે સેતુરૂપ ભૂમિકા
નામદાર આગા ખાનનો જન્મ 13 ડિસેમ્બર 1936માં જિનિવામાં થયો હતો. તેમનું બાળપણ કેન્યાના નાઇરોબી શહેરમાં વીત્યું હતું. તેઓ બાદમાં સ્વિત્ઝરલેન્ડ પાછાં ફર્યાં હતા. જ્યાં તેમણે લા રોઝરી સ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું. એ પછી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇસ્લામિક ઇતિહાસનો અભ્યાસ કરવા યુએસએ ગયા હતા. 1957માં તેમના દાદા સર સુલતાન મહોમ્મદ શાહ આગા ખાનનું નિધન થયું ત્યારે 20 વર્ષની વયે તેઓ શિયા ઇસ્લામની એક શાખા ઇસ્માઇલી મુસ્લિમોના ઇમામ બન્યા હતા. ઇસ્લામિક સંસ્કૃતિ અને મૂલ્યોના સંરક્ષક આગા ખાને મુસ્લિમ સમાજ અને પશ્ચિમના સમાજ વચ્ચે સેતુનું કામ કર્યું હતું. તેઓ કદી રાજકારણમાં સામેલ થયા નહોતાં.
વૈભવી જીવનશૈલીઃ જેટ - ટાપુ - રેસ હોર્સના માલિક
ફોર્બ્સ મેગેઝિન મુજબ 2008માં રાજકુમાર પાસે એક બિલિયન ડોલરની સંપત્તિ હતી. હોર્સ બ્રીડિંગ સેન્ટર સહિત વિવિધ વેપારમાં રહેલા રોકાણને કારણે તેમની વારસાગત સંપત્તિ વધારે હતી. આયર્લેન્ડ, ફ્રાંસ અને યુકેમાં તેઓ હોર્સ બ્રીડિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા હતા. તેઓ અનેક રેસ હોર્સના માલિક પણ હતા. તેમણે દુનિયાના સૌથી પ્રખ્યાત અને મોંઘા ઘોડા શેરગરનું પણ સંવર્ધન કર્યું હતું. આગા ખાને વૈભવી જીવન ભોગવ્યું હતું. તેઓ ખાનગી જેટ વિમાનો, સુપરયોટ્સ અને બહામામાં ખાનગી ટાપુના માલિક પણ હતા. તેઓ પાસે બ્રિટિશ, ફ્રેન્ચ, સ્વિસ અને પોર્ટુગીઝ નાગરિકત્વ ધરાવતા હતા. આગા ખાનના જીવનનો લાંબો સમયગાળો ફ્રાન્સમાં વીત્યો હતો. તાજેતરના વર્ષોમાં તેઓ પોર્ટુગલમાં સ્થાયી થયા હતા. તેમનું ડેવલપમેન્ટ નેટવર્ક અને ફાઉન્ડેશન સ્વિત્ઝરલેન્ડ સ્થિત છે.
30થી વધુ દેશમાં વિકાસકાર્ય, 1 બિલિયન ડોલરનું બજેટ
તેમણે એકેડીએન તરીકે જાણીતા આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની સ્થાપના કરી હતી અને તેના તેઓ આજીવન અધ્યક્ષ રહ્યા હતા. આ સખાવતી નેટવર્ક મુખ્યત્વે આરોગ્ય, ગૃહનિર્માણ, શિક્ષણ અને ગ્રામીણ આર્થિક વિકાસના ક્ષેત્રમાં કામ કરે છે. 30 કરતાં વધારે દેશોમાં કામ કરતાં આ નેટવર્કમાં 96,000 લોકો કામ કરે છે અને તેના વિકાસકાર્યોનું વાર્ષિક બજેટ એક બિલિયન ડોલર્સનું મનાય છે. આ નેટવર્ક આફ્રિકા અને એશિયાના ગરીબ વિસ્તારોમાં શાળાઓ અને હોસ્પિટલો બાંધવામાં સહાય કરે છે. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે જણાવ્યું હતું કે, ‘નામદાર આગા ખાનના પરિવાર અને સમગ્ર વિશ્વના ઇસ્માઇલી સમાજ સાથે અમારી સંવેદના છે. નામદારની ઇચ્છા મુજબ જન્મ અને ધર્મનો ભેદ રાખ્યા વગર વિશ્વભરમાં લોકોના જીવનની ગુણવત્તા સુધારવા અમે વિવિધ ભાગીદારો સાથે કામ કરતા રહીશું.’
સામાજિક યોગદાન માટે પદ્મ વિભૂષણ સન્માન
આગા ખાન રુરલ સપોર્ટ પ્રોગ્રામ - ઇંડિયા (એકઆરએસપી-આઇ) ગુજરાતના 280થી વધુ ગામડાંમાં કાર્યરત છે, જેણે 90 લાખથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. વિશેષ રૂપે, મહિલા સશક્તિકરણ અને નેતૃત્વ તાલીમ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવામાં આવી રહી છે. 2015માં ભારત સરકારે તેઓને સામાજિક યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા, જે તેમની સેવાઓની મહાનતા દર્શાવે છે. ભારતના ઐતિહાસિક ધરોહરની જાળવણીમાં તેમનું યોગદાન અતુલનીય રહ્યું છે. 2013માં આગા ખાન ટ્રસ્ટ ફોર કલ્ચર (એકેટીસી) દ્વારા દિલ્હીના હુમાયુના મકબરાનું પુનર્નિર્માણ કરાયું, જેને યુનેસ્કો દ્વારા માન્યતા મળી.
શૈક્ષણિક ક્ષેત્રે, 2013માં હૈદરાબાદમાં સ્થાપિત આગા ખાન એકેડેમી આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ સુવિધા પૂરી પાડે છે. આર્કીટેકચર ક્ષેત્રે, 1992માં અમદાવાદની એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (ઇડીઆઇ)ને આગા ખાન એવાર્ડ ફોર આર્કિટેક્ચર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી, જે ભારતીય આર્કિટેક્ચરને મળેલું મહત્વનું સન્માન છે. તેમની દૂરંદેશી અને માનવતાવાદી અભિગમે વિશ્વભરમાં લાખો લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યું છે. તેમની વિદાય સાથે એક યુગની સમાપ્તિ થઈ છે.