‘ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ"નો દીપોત્સવી વિશેષાંક વાચકોના કરકમળમાં જતા જ પોતાની ખુશી વ્યક્ત કરતા સંખ્યાબંધ સંદેશા કાર્યાલયને કે તંત્રીમંડળને વ્યક્તિગત ફોન દ્વારા સાંપડ્યાં છે. જેમાંના કેટલાંક અત્રે રજુ કરતા અમે ગૌરવ અનુભવીએ છીએ. વિક્રમ સંવત ૨૦૭૮ના આરંભે મળતા આ સંદેશા અમારો ઉત્સાહ વધારે છે અને વધુને વધુ સારૂ વાંચન પીરસવા અમને સક્રિય બનવા પ્રેરે છે.
સુંદર અને દળદાર દીપોત્સવી અંક
લાભ પાંચમની શુભ સવારે ટપાલ આવી જેમાં સુંદર અને દળદાર દીપોત્સવી અંક મળ્યો. મારી પત્નીએ જલદી જલદી પાના ફેરવ્યા અને બોલી “તમારી કવિતા આવી છે”, તે જાણી અમે બંને બહુ જ ખુશ થયા છીએ. મારી કવિતાને દીપોત્સવી અંકમાં પ્રગટ કરવા માટે ગુજરાત સમાચારનો હું ખૂબ જ આભાર માનું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ આ પ્રમાણે પ્રોત્સાહન આપતા રહેશો. નવા વર્ષમાં વેલેન્ટાઈન ડે, મધર્સ ડે, શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી તથા દીપોત્સવના પ્રસંગોને અનુરૂપ કવિતાઓ ગુજરાત સમાચારના રસિક વાચકો સુધી પહોંચાડવાની મારી વર્ષો જૂની મહેચ્છા છે અને આશા રાખું છું કે તે આપ સર્વેના સહયોગથી જરૂર પરિપુર્ણ થશે. મારા પરિચયમાં થોડું જણાવું કે મને ગયા મહિને ૮૮ વર્ષ પૂરા થયાં. મેટ્રિકમાં હતો ત્યારે કવિતા લખવાનું શિક્ષણ લીધું હતું અને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ કવિતાઓ લખી છે જેમાં ૭ હિંદી અને ૧૫ ઈંગ્લીશ કવિતાનો સમાવેશ થાય છે, જે સહેજ. ફરી સહુનો આભાર અને નવા વર્ષની શુભેચ્છાઓ. - શશિકાંત દવે
દમદાર, આકર્ષક દીપોત્સવી અંક
વાહ.. ભાઇ.. “ગુજરાત સમાચાર" ધનતેરસ સુધી કાગડોળે રાહ જોઇ છેવટે દિવાળી પર્વમાં જ મારા લેટર બોક્સમાં નયનરમ્ય અંક જોઇ સવારે ચ્હા પીતાં પીતાં જ આખા અંકના પાના ઉથલાવીને એકનજર જોઇ લીધો. આ અંક જોતાં જ તમારી પ્રણાલિ-પ્રથાને નમન કરવાનું મન થાય. સુંદર વસ્ત્ર-આભૂષણમાં સજ્જ શોભાયમાન થતી નારી લક્ષ્મી સ્વરૂપે અમારા ઘરઆંગણીયે આવી ઉભી લાગી. એમાં ઉઘડતા પાને આપે સૌને "જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ" મથાળા નીચે લખ્યું છે એ તો આ કોરોનામાં સૌના માટે વિટામીનની ગોળી જેવું છે. તમારા સકારાત્મક વિચારોથી ઘરમાં બેઠેલા નિવૃત્તોને જોમ મળે છે.
- સુરેશ એમ. પટેલ હેરો
જાહેરાત માટે સર્વોત્તમ દીપોત્સવી અંક
“ગુજરાત સમાચાર"ની વર્ષોથી હું વાંચક છું. હું અને મારા પતિ ધિરેન્દ્રભાઇ માણેક પણ સી.બી.ભાઇને ઓળખીએ છીએ. આપણા સમાજના મોટાભાગના કાર્યક્રમોમાં એકમાત્ર ગુજરાત સમાચારના તંત્રી સી.બીભાઇ, કોકિલાબેન પટેલ અને જયોત્સનાબેન શાહ જોવા મળે જ. ગયા વર્ષે અને આ વર્ષે કોકિલાબેનના અતિઆગ્રહથી મેં આપના દિપોત્સવી અંકમાં જાહેરાત આપી હતી. એમાં કોકિલાબેન પટેલે "ગૌદાન મહાદાન" હેઠળ જે લેખ લખ્યો છે એ વાંચી મને ઘણા લોકોના ફોન આવ્યા. એ જ બતાવે છે કે તમારા પેપરમાં જાહેરાત આપવાથી તમને કેટલો સારો રિસ્પોન્સ મળી શકે છે. એટલું જ નહિ પણ તમારા વાંચકોની સંખ્યા કેટલી બધી હશે એ પણ જાહેરાતદાતાઓને ખબર પડી શકે છે. કોકિલાબેનના માર્ગદર્શનમાં મારી દિકરી બીનાએ પણ એના બીઝનેસની જાહેરાત આપી છે. આપ સૌના સાથ-સહકાર બદલ આભાર. - રંજનબેન ડી. માણેક MBE
આચાર એવા વિચાર, તમારા સંસ્કારનું માપદંડ
“ ગુજરાત સમાચાર"નો દિવાળી અંક અન્ય છાપા કરતાં સહેજ મોડો મળ્યો પણ આપના વ્યવસ્થાપકો ઉપર ચડેલો ગુસ્સો આપનો દિવાળી અંક જોઇ એકદમ ઠંડો થઇ ગયો. દિવાળી પર્વે દીપ જ્યોતિ નમોસ્તુતેના થીમ અનુરૂપ દિવાળી અંકનું ફ્રંટ કવર જોઇને દિલ ખુશ થઇ ગયું. પોસ્ટબોક્સમાંથી અંક હાથમાં લઇ હું ડાયનીંઘ ટેબલ પર ફ્રંટ કવર જ જોતો હતો ત્યાં મારી પત્નીએ આવીને મને ઝાટકી નાંખ્યો "મને કહે "બીજા ગુજરાતી છાપાના દિવાળી અંક ઉપર ઓઢણી વગરની ઉભેલી મલાઇકા અરોરાની અણછાજતી તસવીર કરતાં આ કેવું રૂડું સંસ્કારી કવર દેખાય છે તે જુઓ..! આમાં તો એવું છે ને "જેવા આચાર એવા એના વિચાર". ખરેખર દિવાળીના શુભ પ્રસંગે બે હાથ જોડી શુભેચ્છા પાઠવતી નારીની આંખોમાં નમ્રતા-ચહેરા પર લાવણ્ય દેખાય છે.આપશ્રીના પરિવારને અને "ગુજરાત સમાચાર"ના સ્ટાફને અમારી હાર્દિક શુભેચ્છા અને વાંચકોને આવું મઘમઘતી મિઠાઇ જેવું વાચનનો રસથાળ પીરસતા રહો - પ્રભુ આપને દિર્ઘાયુ બક્ષે.
- રજનીકાન્ત ડાહ્યાભાઇ પટેલ ગ્રીનફોર્ડ-ઇલીંગ
• વેમ્બલીથી માંધાતા સમાજના અગ્રણી ચંદ્રકળાબેન પટેલે જણાવ્યું કે, “ મારા હાથમાં આપનો દીપોત્સવી વિશેષાંક આવતા જ ગમી જાય એવું એનું મુખપૃષ્ઠ છે. એમાં સમાવેલ લેખો પણ ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરક છે. મેં મારા પાડોશી પાસેથી અન્ય ગુજરાતી મેગેઝીન જોયું અને થયું કે, બે વચ્ચે આભ-જમીનનો ફરક છે. એનું અસંસ્કારી કવર અને લેખો ય ચીલાચાલુ. આપ જેવું વૈવિધ્ય નહિ! સવિશેષ મીરાબેન ભટ્ટનો " જીવન સંધ્યાનું સ્વાગત" લેખ વાંચી ગુજરાતના સુપ્રસિધ્ધ મેગેઝીન "કુમાર" ની યાદ તાજી થઇ. મેં મીરાબેનના પુસ્તકો વાંચ્યા છે. એ હયાત નથી પરંતુ એમના ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે. જ્યોત્સનાબેનનો "યે મેરા પ્રેમ પત્ર પઢકર...” લેખ પણ ખૂબ ગમ્યો. આ સાથે સ્થાનિક પસંદગીયુક્ત લેખકોને આપ સ્થાન આપી પ્રોત્સાહિત કરો છો એ સરાહનીય છે.”
• ફિંચલીથી જ્યોત્સનાબેન પટેલે એમનો અભિપ્રાય આપતા દીપોત્સવી અંકની પ્રશંસા કરી. તેઓને ગુજરાતી ભાષા પ્રતિ પ્રીતિ છે અને શિક્ષિકા છે. નવી નવી શૈક્ષણિક પધ્ધતિ અપનાવે છે. એમણે જણાવ્યું કે, આ વિશેષાંકમાં પ્રકાશિત તંત્રીલેખ મનનીય છે. "યે મેરા પ્રેમ પત્ર પઢકર...”, દીપક મહેતા લિખિત "ગુજરાતી પત્રકારત્વના સપ્તર્ષિ", સાધુ પ્રેમ વત્સલદાસજીનો લેખ જીવનમાં સફળતા મેળવવા જરૂરી છે "પ્રાર્થના અને પુરૂષાર્થ" વગેરે બધા જ લેખોમાં નાવીન્ય છે. જ્ઞાનવર્ધક માહિતિ ઉપરાંત વાર્તાઓ વાંચવી ગમે એવી છે. તંત્રી મંડળને ધન્યવાદ.
• હેરોથી આસ્માબેન સૂતરવાલાએ એમના સંદેશમાં જણાવ્યું છે કે, “જ્યોત્સનાબેન, મેં આપના દિવાળી અંકમાં આપની નેશનલ આર્કાઇવ્સની મુલાકાત વિષેનો લેખ વાંચ્યો. તમે અમને પંદરમી સદીમાં લઇ ગયા એ માટે તમને મારા અભિનંદન. મને આવા લેટર્સ વિષેની જાણ ન હતી.. તમે "યે મેરા પ્રેમ પત્ર વિષે સારૂં એવું સંશોધન કર્યું હશે એ આ લેખમાં જણાઇ આવે છે. આવા રસપ્રદ લેખો ભવિષ્યમાં પણ વાંચવા મળે એની હું પ્રતિક્ષા કરીશ.”
• બુશીથી સુમિબેન રતિભાઇ શાહે જણાવ્યું છે કે, “ મેં ઓન લાઇન દિવાળી અંક જોયો. ખુબ જ સરસ અને આંખે ઉડીને વળગે તેવો છે. હું આજકાલ નૈરોબી-કેન્યામાં હતી એથી ગુજરાત સમાચારના સમાચારો ને વિશેષાંકોથી વંચિત હતી. પરંતુ આ અંક વાંચતા ખૂબ જ આનંદ થયો. “જાણીતા સ્થાનિક લેખકો નયનાબેન પટેલનો “અ મંગળસૂત્ર..” લેખ, વલ્લભદાસ નાંઢાનો ‘અસલ ચીજ’, નૂતન વર્ષના સંકલ્પનું મનોવિજ્ઞાન અ ને "ભાત વધ્યો તો સમજો વઘારાયો" વગેરે વાંચવાની તેમજ પ્રેરણાદાયી લેખો સાથે તંત્રીલેખ પણ વાગોળવો ગમે તેવો છે. અને છેલ્લે " યે મેરા પ્રેમ પત્ર પઢકર..”માં જ્યોત્સનાબેનની સંવેદના છલકે છે. પ્રેમના ઇતિહાસ સાથે પ્રેમ જગતની સફર કરાવી.
• એગામ, સરેથી કલ્પનાબેન એસ. પટેલ જણાવે છે કે, “ રંગીન-સંગીન દીપોત્સવી અંક પોસ્ટમાં મળતા અપાર ખુશી ઉપજી. પ્રસંગોચિત કવરપેજ, અંદર સમાવાયેલા અંગ્રેજી તેમજ ગુજરાતી લેખોમાં છલકતું તમારું વિઝન, ચેરિટી લેખો વગેરે વાંચી ગૌરવ થયું. કુંજલ ઝાલાનો ૧૭ યંગ કલાઇમેટ ચેન્જ લીડર્સ, શેફાલી સક્સેનાનો યુ.એસ. વેકસિન કોન્ટ્રીબ્યુટર્સ…., શાંતા ફાઉન્ડેશનનો બ્રીન્ગીંગ લાઇટ, હોપ એન્ડ હીલીંગ, કિંગ્સલી હોલમાં બાળકો વચ્ચે ગાંધી ...સહિતના પ્રેરણાદાયી લેખો, વાર્તાઓ વાંચવાની મજા આવી ગઇ. જીવનના બધા જ રસોને સમાવતો રસથાળ દિવાળીની ઉજવણીમાં રંગોની સજાવટ સમાન છે.