લંડનઃ સરકારના કમિશન ઓન રેસ એન્ડ ઈથનિક ડિસ્પેરિટીઝ દ્વારા તૈયાર કરાયેલા રેસ રિપોર્ટ અનુસાર બ્લેક કેરેબિયન્સ જૂથને બાદ કરતા મોટા ભાગના વંશીય લઘુમતી બાળકો શાળાઓમાં શ્વેત બાળકોની સરખામણીએ વધુ સારો દેખાવ કરે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ‘બ્રિટિશ વંશીય લઘુમતીના અનુભવમાં એજ્યુકેશન સૌથી મોટી પ્રભાવિત કરનારી સફળતાની કથા છે.’
૨૦૧૯ના GCSE પરિણામોના વિશ્લેષણ અનુસાર અશ્વેત આફ્રિકન વિદ્યાર્થીઓના ૬૨.૭ ટકાએ ઈંગ્લિશ અને મેથ્સમાં A*-C હાંસલ કર્યા હતા જેની સરખામણીએ શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓની ટકાવારી ૬૧.૮ની હતી. જોકે, અશ્વેત કેરેબિયન વિદ્યાર્થી સમૂહના ૫૦.૩ ટકાએ જ આ ગ્રેડ મેળવ્યા હતા.
રિપોર્ટમાં જણાવાયું હતું કે વંશીય લઘુમતીઓ અને તેમના શ્વેત સમકક્ષો વચ્ચેની વેતનખાઈ ઘટીને ૨.૩ ટકા થઈ છે તેમજ ૩૦ વર્ષથી ઓછી વયના આ જૂથોમાં ૨૦૧૯માં ‘કોઈ ગણનાપાત્ર વેતનખાઈ રહી ન હતી.’ રિપોર્ટ અનુસાર રંગભેદી અસમાનતાની વાત થતી હોય ત્યારે યુકેને અન્ય શ્વેત બહુમતી રાષ્ટ્રો માટે આદર્શ ગણાવું જોઈએ.