નવી દિલ્હી: હુરુન ઈન્ડિયા અનુસાર નાણાકીય વર્ષ 2024માં એચસીએલ ટેકના સ્થાપક શિવ નાદર અને તેનો પરિવાર રૂ. 2,153નું એટલે કે રોજના સરેરાશ રૂ. 6 કરોડના દાન સાથે દેશના સૌથી મોટા દાનવીર રહ્યા હતાં. છેલ્લાં પાંચ વર્ષમાં તેઓ સતત ત્રીજી વાર ભારતીય દાનવીરોની યાદીમાં ટોચે રહ્યા છે. હુરુન ઈન્ડિયાએ એડલવાઈઝની સાથે મળીને ‘એડલગીવ - હુરુન ઇંડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024’ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પહેલી એપ્રિલ 2023થી 31 માર્ચ 2024 વચ્ચે દેશના ટોચના દાનવીરોની વિગત આપી છે.
લિસ્ટમાં નાદર પરિવાર બાદ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર રૂ. 407 કરોડના દાન સાથે બીજા ક્રમે આવે છે. જ્યારે ત્રીજા નંબર પર રૂ. 352 કરોડ સાથે બજાજ પરિવાર, ચોથા ક્રમ પર 334 કરોડના દાન સાથે કુમાર મંગલમ બિરલા છે અને પાંચમા ક્રમ પર ગૌતમ અદાણી પરિવાર છે. રૂ. 154 કરોડના દાન સાથે રોહિણી નિલેકણી સૌથી વધારે દાન આપનારા મહિલા બન્યા છે. જ્યારે તેમના પતિ નંદન નિલેકણી રૂ. 307 કરોડના દાન સાથે છઠ્ઠા ક્રમે છે. વીતેલા નાણાકીય વર્ષ દરમિયાન સૌથી વધારે દાન શિક્ષણ ક્ષેત્રે રૂ. 3,680 કરોડ મળ્યું હતું અને બીજા ક્રમે સ્વાસ્થ્ય ક્ષેત્રને રૂ. 626 કરોડનું દાન મળ્યું હતું.
અદાણી પરિવારના દાનમાં 16 ટકાનો વધારો
નાણાકીય વર્ષ 2023-24માં ગૌતમ અદાણી અને તેમના પરિવારે રૂ. 330 કરોડનું દાન કર્યું હતું. આગલા વર્ષની તુલનામાં આ પરિવારના દાનમાં 16 ટકાનો વધારો થયો છે. અદાણી ફાઉન્ડેશન મારફત શિક્ષણ જેવા ક્ષેત્રમાં દાન કરવામાં આવ્યું હતું. અમદાવાદના લિસ્ટમાં કુલ નવ દાનવીરોની યાદી સામેલ કરવામાં આવી છે જેમાં પણ ગૌતમ અદાણી પરિવાર ટોચ પર છે.