ઈંગ્લેન્ડ (યુકેમાં) બ્યુટીફુલ બોર્નમથ આવીને જાણે કે પ્રકૃતિની ગોદમાં જ બેઠા છીએ એવો રોજેરોજ અનુભવ થાય છે. હિથ્રો (લંડન) એરપોર્ટથી બે કલાકમાં ગાડીથી અહીં પુલ અવાય. રસ્તામાં મોટાં મોટાં વિરાટ કહેવાય એવા વૃક્ષો ફૂલોની જેમ ખીલેલાં લાગે. અડાબીડ જંગલોમાં સાગ, સાલ, પાઈન, ફરના ઊંચા ઊંચા વૃક્ષોની વનરાજી પરથી આંખ હટતી નથી. અદભૂત સૌંદર્યવાળો આ વિસ્તાર છે.
મેરુ અને મહેરામણનો આ કિનારો પ્રવાસીઓ – બ્રિટિશરોને ખૂબ જ આકર્ષે છે. હાલમાં અહીં ઉનાળો ચાલે છે તેથી રાત્રે દસ વાગ્યા સુધી દિવસ જ હોય છે. ઠંડી તો રાતે લાગે છે. વાતાવરણની ભિન્નતામાં ગરમી - ઠંડી - વરસાદમાં પ્રકૃતિએ ધામા નાંખ્યા છે. કુદરતનું અખૂટ સૌંદર્ય ખોબેખોબે પીવાનું મન થાય છે. પૂર્વનાં રાજ્યો આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ યાદ આવી જાય. ડો. દર્શના સાથે કરેલા આસામપ્રવાસની સ્મૃતિ તાજી કરી.
સ્વયંશિસ્ત, સ્વચ્છતા અને આર્થિક રીતે સદ્ધર બ્રિટનમાં લોકો પણ ખૂબ જ સવિનયી લાગે છે. આત્મનિર્ભરતાનો ગુણ ખરેખર તો અહીંથી શીખવા જેવો છે. ક્યાંય પણ ગાય, કૂતરાં, માખી, મચ્છર હેરાન નથી કરતાં. જોકે, બ્રિટિશરોની સાથે પાળેલાં કૂતરાં ઘણાં જોવા મળે છે. રસ્તાઓ એકદમ સ્વચ્છ, સાફ-સૂથરાં જ જોવા મળે, ધૂળનું નામ નહીં, ક્યાંય ઘોંઘાટ, ધાંધલધમાલ નહીં. મારી દીકરી જમાઈ વેણુ - અમિત – સ્વરા ખડેપગે અમારા આતિથ્યમાં મગ્ન છે. એટલાન્ટિક મહાસાગરનો આ સુંદર દરિયાકિનારો ઘૂઘવતો જાણે માંડવીનો સોહામણો સાગરકાંઠો યાદ આવી ગયો. અનેક જોવાલાયક સ્થળો જોયાં. બોર્નમથ યુનિવર્સિટી અને સેન્ટ્રલ લાઈબ્રેરી હવે જોવા જશું. ક્રૂઝ, ફેરીબોટ, બોટિંગની મજા માણી. આખેઆખી 15-20 ગાડી ફેરીબોટમાં જ સમાઈ જાય. ડિસેબલ વ્યક્તિઓને ક્યાંય અગવડ નથી પડતી તેથી મહેતાસાહેબને તકલીફ નથી પડતી.
અહીં બધાને ઘરે બગીચો જોવા મળ્યો. પ્રકૃતિપ્રેમી પ્રજા તો ખરી જ તેથી જ તો પ્રકૃતિના ચાહક કવિ વર્ડ્ઝવર્થ અહીં જન્મ્યા. વેણુના બગીચામાં ગુલાબ, લીલી, ફ્યુશિયા, બેગોનિયા, પટુનિયા, વાયોલાના સુંદર ફૂલો રોજ જોઈએ છીએ. હજુ વર્ડ્ઝવર્થ, શેક્સ્પિયર, ચાર્લ્સ ડિકન્સની તીર્થભૂમિની મુલાકાત હવે પછીના દિવસોમાં લઈશું. મંગળવારે ઓક્સફર્ડ યુનિવર્સિટી જોવા જઈશું. લેખકના સહવાસ સાથેનો આટલો લાંબો પ્રવાસ છે તેથી જીવનની આરપાર બનતી ઘટનાના સાક્ષી તેમજ નિત્ય નૂતન દૃષ્ટિ મળ્યા કરે છે તેનો આનંદ છે.
દૂર બેઠાં પણ ભારતને ચાહનારા ગુજરાતી ગ્રુપ તરફથી ગોષ્ઠિ માટે આમંત્રણ મળ્યું. પિઝા હોટેલમાં આ કાર્યક્રમમાં કચ્છીભાષી જિજ્ઞાબહેને સૌ બહેનોનું સ્વાગત કર્યું. ગુજરાતી ભાષા - સંસ્કૃત ભાષાના ચાહકને - શિક્ષકને મળવાનું અને ગૌરવ છે તેમ જણાવેલ. શુદ્ધ ઉચ્ચારથી શ્લોક કેમ બોલાય તેની સમજ આપી અને શ્રીમદ્ ભગવદ્ગીતા અહીં શીખવાડીશ એવું નક્કી કર્યું. બી.સી.પી. ગુજરાતી ગ્રુપમાં મહિલાવિંગમાં બધી વર્કિંગવુમન સાથેની ગોષ્ઠિમાં વતનપ્રેમ નીતરતો જોયો. જેમાં ઈલાબહેન, જિજ્ઞાબહેન, શિવાની, પ્રિયંકા, ભારતીબહેન, રાની, નેહલ સાથેની ગોષ્ઠિમાં બધાનો સૂર એમ જ હતો કે ગુજરાતીઓ જ્યાં જ્યાં જઈને વસ્યા છે ત્યાં પોતાની ભાષા, સંસ્કાર, સંસ્કૃતિ, રીતરિવાજોથી સૌને જોડ્યા છે એટલે કે વસુધૈવ કુટુંબકમ્ કહેવાય એ મેં જણાવ્યું. સૌને મળવાનો રાજીપો અનુભવ્યો.