લંડનઃ શ્રી BAPS નંબર પ્લેટ યુકેની સૌથી મોંઘી નંબર પ્લેટનો વિક્રમ તોડી હજુ આગળ વધી રહી છે. ક્રિસમસના દિવસે બોલીનો અંત આવવાનો છે ત્યારે આ પ્રી-રીલિઝ્ડ નંબર પ્લેટ SR18APS (જે શ્રી બીએપીએસ વંચાય છે) માટે વર્તમાન સૌથી ઊંચી બોલી ૫૫૧,૦૦૦ પાઉન્ડની છે અને તે એક મિલિયન પાઉન્ડની કિંમતે પહોંચી જવાની શક્યતા છે. આ નંબર પ્લેટની ખાનગી બોલી માત્ર આમંત્રણના આધારે જ બોલાવાઈ રહી છે
અગાઉ, ૨૦૧૪માં સૌથી મોંઘી નંબર પ્લેટ ‘૨૫૦’ હતી, જેના માટે ૫૧૮,૪૮૦ પાઉન્ડ ચુકવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૫માં ભગવાન શ્રી કૃષ્ણનો ઉચ્ચાર થતો હોય તેવી ‘KR15HNA’ નંબર પ્લેટનું વેચાણ ૨૫૦,૦૦૦ પાઉન્ડમાં કરાયું હતું. વર્તમાન બોલીમાં સામાન્ય હિન્દુ જનતાનો હજુ સમાવેશ કરાયો નથી. આનાથી હરિભક્તોએ નિરાશા પણ વ્યક્ત કરી છે અને સામાન્ય લોકોને હરાજીમાં મોકો આપવાની માંગણી કરવામાં આવી છે. વર્તમાન બોલીમાં રીઝર્વ કિંમત રખાઈ નથી અને બોલીનો વ્યાપ વધારી સામાન્ય જનતાના માટે પણ ખુલ્લી મૂકાય તેવી શક્યતા છે. આ નંબર પ્લેટનું વેચાણ DVLAનું લાયસન્સ ધરાવતા રી-સેલર નેશનલ નંબર્સ દ્વારા કરાઈ રહ્યું છે.
નીસડનસ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરને ભારતની બહાર સૌથી મોટું હિન્દુ ટેમ્પલ હોવા બાબતે વર્ષ ૨૦૦૦માં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાયું હતું. જોકે, આ પછી વિશ્વના અન્ય શહેરોમાં વિશાળ BAPS મંદિરોનું નિર્માણ થવાથી તેણે આ ક્રમ ગુમાવ્યો હતો. નીસડનસ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના નિર્માણ પાછળ અઢી વર્ષ કરતાં વધુ સમય લાગ્યો હતો અને તેમાં આરસપહાણ અને લાઈમસ્ટોનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ બાબતે નીસડન મંદિરનો સંપર્ક કરતાં ટ્ર્સ્ટીએ આ બાબત સાથે મંદિરને કોઈ લાગતુ વળગતું ન હોવાનું જણાવ્યું હતું.