શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે દ્વારા વાર્ષિક મેળો યોજાયો - અજોડ એકતાના દર્શન - બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું

Monday 12th October 2015 10:29 EDT
 

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી. આ પ્રસંગે £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ઇલિંગ નોર્થના એમપી સ્ટીફન પાઉન્ડ, ભુજ મંદિરના કોઠારી ભગવદપ્રિયદાસજી સ્વામી, બાર્નેટના મેયર કાઉન્સિલર માર્ક શૂટર, યુકેમાં જન્મેલા શાસ્ત્રી ઘનશ્યામપ્રસાદજી, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ તેમજ અન્ય સંતો અને રાજકારણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમોના પ્રારંભે ભૂજ સ્વામીનારાયણ મંદિરના વરિષ્ઠ સંતો કોઠારી સ્વામી શ્રી ભગવદપ્રિય દાસજી, શ્રી મુક્તવલ્લભ દાસજી, શ્રી સરયૂદાસજી, શ્રી સંતસ્વરૂપ દાસજી, શ્રી વેદાંતસ્વરૂપ દાસજી, શ્રી કપિલમુની દાસજી, શ્રી ભજનપ્રકાશ દાસજી, , શ્રી ઘનશ્યામપ્રસાદ દાસજી, દાતાઅો સર્વશ્રી લક્ષ્મણભાઇ રાઘવાણી (લેક્ષકોન), લક્ષ્મણભાઇ લાલજીભાઇ કેરાઇ, દેવશીભાઇ કરશનભાઇ હાલાઇ, તંત્રી સી.બી. પટેલ, વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ હાલાઈ, સંસ્થાના પેટ્રન શશિકાંતભાઇ વેકરિયા (વાસક્રોફ્ટ), ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી શ્રી સીબી પટેલ, ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ પ્રદીપ પટેલ, હેરો સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ વિશ્રામભાઇ માયાણી, ધનજીભાઇ ભંડેરી તેમજ અન્ય અગ્રણીઅોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ઇલિંગ નોર્થના એમપી સ્ટીવન પાઉન્ડે નિમંત્રણ બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે 'આપ સૌ ખરેખર ઉત્સવને ખરા દિલથી માણો છો અને આપની ઉત્સવપ્રિયતા બેનમૂન છે. આપ સૌએ આ દેશમાં આવીને જાત મહેનતે સફળતા મેળવી છે.'

ભુજ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય શ્રી ભગવદપ્રિયદાસજી સ્વામીએ 'સંસ્થાના અગ્રણીઅો અને સદસ્યોને આશીર્વાદ આપી સંસ્થાના ટ્રસ્ટીઅો અને સમુદાયના સૌ કોઇ દ્વારા એકતા દાખવી સંસ્કૃતિક અને ધરોહરની જાળવણી કરવામાં આવે છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે યુવા પેઢી સાથે જોડાણ સાધવા બદલ SKLPCના અગ્રણીઅોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના લોકો સખત મહેનત કરી સમાજ વિદેશની ધરતી પર આગળ આવી રહ્યા છે તે સરાહનીય છે અને આ માટે સમાજના સૌને ભુજ સ્વામિનારાયણ મંદિરના આશીર્વાદ છે' તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા અને યુ.કે.માં જન્મેલા શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રસાદજીએ ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને માતૃભાષા જાળવશો તો આપણા સૌ વચ્ચે ભાતૃભાવ ટકશે તેમ જણાવી માતૃભાષાની જાળવણી માટે બધા પ્રયત્નો કરી છૂટવા એમ કહ્યું હતું.

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPCના પ્રમુખ શ્રી માવજીભાઇ વેકરીયાએ મનનીય પ્રવચન આપતાં જણાવ્યું હતું કે 'મારા પ્રમુખપદના આ ત્રીજા અને છેલ્લા વર્ષમાં પ્રવેશી રહ્યો છું ત્યારે સમાજના વિવિધ કાર્યો અને પ્રોજેક્ટમાં મને ખૂબ જ સુંદર સહકાર આપનાર સર્વેનો અભાર વ્યક્ત કરૂ છું. હજુ ઘણા ચઢાવ ઉતાર આપણા માર્ગમાં આવશે, પણ આપણે ઘણું જ આગળ જવાનું છે. આપણો સમાજ ભવિષ્યમાં વધુ મજબૂત થાય અને તેનો વિકાસ થાય અને આગળ વધે તે માટે ઘણાં પાયાના પથ્થરો આપણે મૂકી ચૂક્યા છીએ તેવો મને વિશ્વાસ છે. જો કે, હું એટલું ચોક્કસ કહીશ કે એક મજબૂત ટીમ સિવાય કોઇ એક વ્યક્તિથી આ ભગીરથ કાર્ય થઇ શકે નહિં. આ માટે હું બોર્ડ અોફ ટ્રસ્ટીઝ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો અને બહારથી મદદ કરનાર તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરૂં છે જેમની મદદથી અમે સખત મહેનત કરીને આ અવર્ણનીય યાત્રા કરી શક્યા છીએ.'

'ગયા વર્ષે અમે આપણી આગામી પેઢીને વધુ સક્ષમ અને મજબૂત કરવાના આશયે બાળકો રમતગમત કરી શકે તે માટે ઠરાવ કર્યો હતો. જેને પગલે ૨થી ૧૬ વર્ષના બાળકો આનંદપૂર્વક રમી શકે તે આશયે ઝૂલા, લસરપટ્ટી, ચગડોળ વગેરે સહિતની સુવિધા ધરાવતો £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ રમવા માટેનું મેદાન (Kidz Zone) તૈયાર કરી શક્યા છીએ. ૮૦ બાળકોની ક્ષમતા ધરાવતું આ મેદાન સમાજ, ગામ કે સેન્ટર ભાડે રાખનાર સૌ વાપરી શકાશે. આ મેદાનના નિર્માણ માટે અર્થિક અનુદાન આપનાર એબીસી ડેપો, બર્ન્ટઅોક બિલ્ડર્સ મર્ચન્ટ, યુરોકેન સપ્લાઇઝ, જેસામ, વાસક્રોફ્ટ સહિત સો જેટલા દાતાઅોનો હું હાર્દિક આભાર વ્યક્ત કરૂં છું.'

શ્રી માવજીભાઇએ જણાવ્યું હતું કે હવે આપણે નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ, પાનુ બદલાયું છે ત્યારે નવી દ્રષ્ટી, નવી ઉર્જા અને એકતા થકી આપણે ખૂબજ વિકાસ કરવાનો છે. આપણા ભૂજ સમાજ અને સ્વામિનારાયણ મંદિર, ભૂજના સથવારે સૌ સાથે મળીને આપણે એકરાગીતા અને સંયુક્ત પ્રયત્નો થકી આપણા સમાજે લક્ષ્યાંકો અને હેતુઅોને આંબવાના છે. હજારો લોકોને લાભ મળ્યો છે અને અમુક બીનજરૂરી પ્રવૃત્તિઅો અટકાવીને હજારો રૂપિયા બચાવી શક્યા છીએ. અમે એજ ફિલોસોફીનું અનુસરણ કર્યું અને આજે તેના મીઠા ફળ આપ જોઇ શકો છો. જેનું ઉત્તમ ઉદાહરણ વિલ્સડન સ્વામિનારાયણ મંદિર સાથે મળીને નેપાળના ભૂકંપ અસરગ્રસ્ત બાળકો માટે કરેલો "નેપાલ સ્કૂલ અોન વ્હીલ્સ" પ્રોજેક્ટ છે. આજના પ્રસંગે માટે વિલ્સડન મંદિર તરફથી શીરો અને લાડવાની સેવા આપવામાં આવી છે. જે માટે હું શિવજીભાઇ હિરાણીનો આભાર વ્યક્ત કરૂ છું.'

શ્રી માવજીભાઇએ સમાજની મહિલાઅો અને દિકરીઅો માટે ખૂબ જ અગત્યની વાત કરતાં જણાવ્યું હતું કે 'આપણા સમાજની બહાર દરરોજ ઉભા કરાતા ભેદભાવ અને જાતીય કનડગત સામે આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. સામાજીક બદલાવ લાવવા માટે શિક્ષણ ખૂબજ જરૂરી છે. સામાજીક બદલાવ લાવવા અને અવરોધને તોડવા માટે આપણી પાસે ઘણા જ ટેલેન્ટેડ લોકો છે. હું માનું છું કે આપણી સફળતાની સરાહના કરવા તેમને સહકાર આપવાની, માન્યતા આપવાની અને તેની ઉજવણી કરવાની જરૂર છે. આપણે તકેદારી રાખવી પડશે કે આગામી પેઢીને તેવી જ સફળતા માટે પ્રેરણા આપે.'

'હું ફરી એક વખત આપણી સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે સહકાર આપનાર આપણા સમુદાયના સૌ સદસ્યોનો આભાર વ્યક્ત કરૂં છું. ચાલો, આપણે સૌ સદસ્યોના સક્રિય સાથ સહકારથી સમાજને વિકાસ માટે કટિબધ્ધ કરીએ. આપણો સમાજ આગળ ધપી રહ્યો છે, આપણી પાસે નવા વિચારો છે, અમને આપના વિચારોની જરૂર છે અને આપણે સાથે મળીને બધું જ કરી શકીએ તેમ છીએ. એક વ્યક્તિ... એક સમાજ થકી આપણે સમાજનું સમર્થન કરીશું તોે મજબૂત સમુદાય બનશે અને આપણી અલગ અોળખ, સંસ્કરીતા, પરંપરા અને વારસો જળવાઇ રહેશે. આપણે સાથે રહીશું તો સાથે પ્રગતિ કરી શકીશું.'

માવજીભાઇએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સુત્ર 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના જયઘોષ સાથે વક્તવ્યનું સમાપન કર્યું હતું.

આ પ્રસંગે £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલનો શુભારંભ કરાયો હતો. પ્રતિષ્ઠિત સ્થાનિક અગ્રણી પેઢીઅો એ.બી.સી. ડેપો, યુરોકેન, વાસક્રોફટ, જેસામ તરફથી £૫૦,૦૦૦નું અનુદાન કરાયું હતું અને બાકીની રકમનું દાન જ્ઞાતિના અન્ય લોકોએ કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રમુખ માવજીભાઇ ધનજીભાઇ વેકરિયા (કેન્ફર્ડ બિલ્ડર્સ) એ સૌને આવકારી સમાજની સફળતા અને પ્રગતિનો યશ સર્વે યુ.કે.વાસી જ્ઞાતિજનો અને સમાજના દરેક કાર્યોમાં ઉદાર દિલ રાખી અનુદાન આપનાર દાતાઓને આપ્યો હતો.

આ પ્રસંગે મેટ્રોપોલિટન પોલીસના સુપ્રિન્ટેન્ડેટ રાજ કોહલી, બાર્નેટના મેયર કાઉન્સિલર માર્ક શૂટર, જીએલએ સદસ્ય અને કાઉન્સિલર શ્રી નવીનભાઇ શાહ, હિન્દુ ફોરમ અોફ બ્રિટનના અધ્યક્ષ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, કાઉન્સિલર અજયભાઇ મારૂ, મનજીભાઇ કારા, કૃપેશભાઇ હીરાણી, રાધાબેન રાબડિયા, કેન્યન હાઇ કમિશનના પ્રતિનિધિ, 'ગુજરાત સમાચાર'ના એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર, સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ અને અન્ય મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી તેમજ ભૂજ સમાજના પત્રોનું વાંચન કરાયું હતું અને આગામી ડિસેમ્બર માસમાં ભૂજ ખાતે યોજાનાર સંસ્થાના સુવર્ણ જયંતી મહોત્સવમાં પધારવા સર્વેને નિમંત્રણ અપાયું હતું. તો બીજી તરફ હેરો સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ વિશ્રામભાઇ માયાણી, મંત્રી કાનજીભાઇ કેરાઇ, સુરેશભાઇ રાબડિયાએ આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર કેન્ટન સ્વામિનારાયણ મંદિરની સુવર્ણજયંતી ઉત્સવમાં પધારવા સર્વેને આમંત્રણ આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમને સ્થાનિક અગ્રણીઅો સર્વશ્રી કાનજીભાઇ. કે. જેસાણી, કુંવરજીભાઇ દેવરાજભાઇ વેકરિયા, વિલ્સડન મંદિરના મંત્રી કુંવરજીભાઇ અરજણભાઇ કેરાઇ, સ્ટેનમોર સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ ખીમજીભાઇ ખેતાણી, અબજી બાપા છતરડી હનુમાન મંદિરના કાર્યકર્તા, મંત્રી જાદવજીભાઇ હીરાણી, ટ્રસ્ટીઓ પૈકી વિનોદભાઇ હાલાઇ, કાનજીભાઇ પરબતભાઇ હીરાણી, ઉપપ્રમુખ કૈલાસબેન કેરાઇ, શિવલાલ વેકરિયા, મંત્રી વેલજીભાઇ પરબતભાઇ વેકરિયા, કિરણભાઇ પીંડોરિયા, વિનોદભાઇ જાદવજી ગાજપરિયા, રવિભાઇ પટેલ, કલ્પેશભાઇ હાલાઇ, પ્રવીણભાઇ ગાજપરિયા, સુર્યકાંત વરસાણી સહિત સમગ્ર ટીમ, તેમજ વુલીચ, ઇસ્ટ લંડન, કાર્ડિફ, બોલ્ટન, કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરની કાર્યવાહક સમિતિના અગ્રણીઅોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે કાર્ડિફ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ નારાણભાઇ હાલાઇનું મહારાણી તરફથી સન્માન મેળવવા બદલ સન્માન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થાની સ્થાપના ૧૯૭૨માં કરવામાં આવી હતી અને અત્યારે કચ્છી સમુદાયના આશરે ૩૫,૦૦૦થી વધારે જેટલા જ્ઞતિજનો યુકેમાં વસવાટ કરી રહ્યા છે. જેમાંના મોટા ભાગના બ્રેન્ટ, બાર્નેટ અને હેરો બરોમાં વસવાટ કરે છે.

૦૦૦૦૦૦૦૦

સમાજના સૌએ રજૂકરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC -UK દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે યોજાયેલા વાર્ષિક મેળામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજીક સંદેશ આપતા તેમજ લોકપ્રિય બોલીવુડ ગીત સંગીત અને નૃત્યો રજૂ કરતા વિવિધ મનોરંજક કાર્યક્રમો રજૂ થયા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે આ તમામ કાર્યક્રમો જ્ઞાતિના વિવિધ મંડળો અને સંગઠનો દ્વારા રજૂ કરાયા હતા. આ સાંસ્કૃતિક શો લગભગ ત્રણેક કલાક ચાલ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સંગઠનો તેમજ તેમની કૃતિના નામ આ મુજબ છે.

* પ્રારંભ શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ઇસ્ટ લંડન બેન્ડ

* SKLPC શનિવારીય શાળા - ભારત નાટ્યમ – પુષ્પાંજલિ અને અલારીપુ

* SKLPC શનિવારીય શાળા - છમ્મક છલ્લો

* સામત્રા ગામ: દેશી ઢિંગલીઅો

* SKLPC શનિવારીય શાળા: ફેવિકોલ સે અને ગુન ગુના રે..

* બળદીયા ગામ: બોલીવુડ મેલોડી

* નારણપર ગામ: ભાઇ ભાઇ

* શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ પરિવાર: ગાગરડીમાં ગંગા

* કેરા કુંદનપર ગામ: માધુરી મિક્ષ

* દહિંસરા: દહિંસરા ગામ ફ્યુઝન

* SKLPC શનિવારીય શાળા: ભારતનાટ્યમ – જયથીસ્વરમ્

* ભારાસર ગામ: જીયા જલે

* કચ્છ માધાપર કાર્યાલય: ગોરીયા રે - ડોલા રે ડોલા

* શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન: અોરા આવોને સુંદર શ્યામ

* સુખપર ભૂજ: ડોન્ટ સો બી હાર્ડ અોન યુરોસેલ્ફ (ઇંગ્લીશ ગીત)

* કેરા કુંદનપુર ગામ: મનવા લાગે

* બળદીયા : ગણેશ નૃત્ય

* કચ્છ સોશ્યલઅને કલ્ચરલ સોસાયટી: કોમેડી નાટક

૦૦૦૦૦૦૦૦૦

કાર્યક્રમની ઝાંખી

* સતત ૪૦ વર્ષથી સ્નેહમિલનનું શાનદાર આયોજન થાય છે.

* ૮,૦૦૦ કરતા વધારે લોકોએ ભાગ લીધો.

* મેળામાં આરોગ્ય, ફીટનેસ, મારકી, મંડપ, પ્રિન્ટીંગ, પ્રોપર્ટી, આર્થિક બાબતો, બ્યુટી, માર્કેટીંગ, મોટર, ક્લીનીંગ, ફેશન, પ્લમ્બીંગ અને કાર ભાડે આપનાર કંપની સહિત કુલ ૬૦ સ્ટોલ રખાયા હતા.

* કાર પાર્ક, રસોડું, મારકી મળી કુલ ૪૦૦ વોલંટીયર્સે સેવા આપી.

* £૮૫,૦૦૦ના ખર્ચે ચિલ્ડ્રન પ્લે ગ્રાઉન્ડ બનાવાયું

* ૩૨૫૦ સ્કવેર મીટરની મારકી જ્ઞાતિજનોથી ઉભરાઇ ગઇ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter