શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા લંડનના સાઉથોલની ફીધરસ્ટોન હાઈ સ્કૂલ ખાતે રવિવાર, 7 જુલાઈ 2024ના દિવસે રથયાત્રા ઉત્સવની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. અષાઢ શુકલ પક્ષની દ્વિતીય તિથિએ યોજાતી રથયાત્રામાં સમગ્ર યુકેમાંથી સેંકડો ઉત્સાહી ભાવિકો સામેલ થયા હતા. રથયાત્રા ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાએ ગુંડિચા મંદિરમાં મોસાળની યાત્રા કરી હતી તેનું પ્રતીક છે. આ ઉત્સવ જગન્નાથજીની પરંપરાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં ડૂબી જવા માટેનો એક મંચ છે. તમામ વયના 600થી વધુ ભાવિકોએ નાચતા, ગાતા અને રથને ખેંચવામાં આનંદસહ ભાગ લીધો હતો.
દિવ્ય મૂર્તિઓને વિધિવિધાન સાથે નવાં વસ્ત્રો અને આભૂષણોથી શણગાર્યા પછી સાઉથોલના શ્રી રામમંદિરથી પહાન્ડી યાત્રામાં રથ સુધી લઈ જવાય છે. લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનના મનોજ પાન્ડા અને અજય ઠાકુર તેમજ ભારતથી આવેલા પદ્મશ્રી ડો. કૃષ્ણ મોહન પાઠીએ રથનો માર્ગ સ્વચ્છ કરવાની છેરા પહાન્રા વિધિમાં ભાગ લીધો હતો. આ ઊજવણીમાં ઈલિંગ-સાઉથોલના પૂર્વ સાંસદ વીરેન્દ્ર શર્મા, સાઉથોલના શ્રી રામ મંદિરના પ્રેસિડેન્ટ જય શર્મા પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. યુવા અને વયોવૃદ્ધ ભક્તોએ આનંદસભર યાત્રા માટે રથને ખેંચવાની શરૂઆત કરવા સાથે સમગ્ર વાતાવરણ કરતાલ અને શંખોના અવાજથી છવાઈ ગયું હતું. ભગવાનનો જયઘોષ થવા લાગ્યો હતો અને ભક્તો ભજન અને કીર્તન કરવા લાગ્યા હતા. ભજન સત્સંગની ધ્યાન ખેંચતી બાબત એ હતી કે પ્રતિભાશાળી નાના બાળકો પણ તેમા જોડાયાં હતાં જે યુકેમાં જન્મેલી અને ઉછરેલી યુવા પેઢી પણ જગન્નાથ અને સનાતની સંસ્કૃતિ સાથે મજબૂતાઈથી જોડાયેલી હોવાનું સ્પષ્ટ કરે છે. આ ઈવેન્ટથી ભક્તોને મૂર્તિઓની પૂજા-અર્ચના કરવા, દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ સુખિલા ભોગ (સૂકો પ્રસાદ) મેળવવાની તક મળી હતી. ભગવાનને 56 વિશિષ્ટ મીઠાઈ સાથે સ્વાદિષ્ટ છપ્પન ભોગ ધરાવાયો હતો જેનો પ્રસાદ ભક્તોને પણ અપાયો હતો. દિવ્ય મૂર્તિઓને તેમના સિંહાસન પર પોઢાડવા અને આરતી સાથે ઊજવણીનું સમાપન થયું હતું.
SJSUKના ચેરપર્સન ડો. સહદેવ સ્વૈને તમામ ભાવિકો અને વોલન્ટીઅર્સ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો અને લંડનમાં શ્રી જગન્નાથ મંદિરના નિર્માણ વિશે પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. આ હેતુસર SJSUK યોગ્ય જમીનની શોધ ચલાવી રહેલ છે. તેમણે મંદિરની ભાવિ ભૂમિકા યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિના કેન્દ્ર તરીકે રહેશે તેમ સ્પષ્ટ કર્યું હતું. SJSUKના ટ્રેઝરર ભક્ત વત્સલ પાન્ડાએ શ્રી રામ મંદિર, સાઉથોલમાં 15 જુલાઈએ યોજાનારી બહુદા યાત્રામાં જોડાવા સહુને આમંત્રણ આપ્યું હતું. SJSUK ધાર્મિક ઊજવણીઓ ઉપરાંત, ઓડિશામાં ગ્રામ્ય શાળાઓ અને અનાથાશ્રમોને સપોર્ટ સહિત વિવિધ માનવીય, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ઈનિશિયેટિવ્ઝમાં પણ સક્રિયપણે સંકળાયેલ છે.
આ વર્ષે પણ પવિત્ર રથ યાત્રા ઉત્સવ માટે પુરીની મુલાકાત લેતા હજારો ભક્તોને નિઃશુલ્ક મહા પ્રસાદ પૂરો પાડવા મોહનજી ફાઉન્ડેશન સાથે સહકાર સાધ્યો હતો. મહા પ્રસાદ સેવા યુકેના જગન્નાથ ભક્તો અને વિશ્વના મોહનજી ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ઉદાર દાનથી શક્ય બની હતી.