લંડનઃ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ તેમજ ટ્રેન્ટ સ્વામિનારાયણ મંદિરનો 43મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે ઠાકોરજીનું પૂજન, અર્ચન, આરતી, અન્નકૂટ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તેમજ શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની સમૂહ પારાયણ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા.
આ પાવનકારી અવસરે આચાર્ય સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે સત્સંગ મનુષ્યને જીવનમાં સારા સંસ્કાર અને સારો સ્વભાવ અપાવનારો છે. સત્સંગ એ તો દર્પણ છે, કેમ કે તે મનુષ્યની ક્યાં કસર છે તે સમજાવે છે, જેના જીવનમાં સંસ્કાર હશે તે સુખી થશે કારણ કે કથા વાર્તા એ જીવનનો ખોરાક છે. યુવાનોએ વ્યસન, ફેશનમાં ન ફસાવું જોઇએ, ધર્મનિયમનું પાલન કરવું જોઇએ. સારા સંસ્કાર, સંકલ્પ અને ચિંતનથી મનુષ્ય આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધે છે.
આ કાર્યક્રમમાં મહંત સદ્ગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામી, ઉપમહંત સદ્ગુરુ મુનિભૂષણદાસજી સ્વામી, મહંત ધર્મનંદનદાસજી સ્વામી વિગેરે વરિષ્ઠ સંતમંડળ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.