નવી દિલ્હીઃ ભારતની આગવી ઓળખ સમાન બે પ્રાચીન ગ્રંથો ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ અને ભરત મુનિ રચિત ‘નાટયશાસ્ત્ર’નો વર્લ્ડ હેરિટેજ (વૈશ્વિક ધરોહર)ના સંરક્ષણ સાથે જોડાયેલી સંસ્થા યુનેસ્કોના ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’માં સમાવેશ કરાયો છે. આ વખતે 72 દેશો અને 4 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કુલ 74 નવી ધરોહરોને યુનેસ્કોના રજિસ્ટરમાં સામેલ કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘આ પ્રત્યેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. આ એક રીતે આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિક માન્યતા પ્રદાન થઈ છે. ગીતા અને નાટયશાસ્ત્ર એ સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. આ બંને ગ્રંથની અંતદષ્ટિ વિશ્વને પ્રેરિત કરવાનું ચાલુ રાખવાની છે.'
યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં નામ સામેલ થવું એ દેશની દસ્તાવેજી ધરોહરનું મહત્વ અને તેને લોકપ્રિય બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેના દ્વારા આ દસ્તાવેજો પર સંશોધન, તેના સંબંધિત શિક્ષણ, મનોરંજન અને સંરક્ષણ પર પણ સમાયનુસાર ભાર મૂકાય છે. યુનેસ્કો શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા વૈશ્વિક શાંતિમાં સહયોગ માટે સ્થાપિત સંસ્થા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત તેનો એક ઉદેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રાચીન ધરોહરનું સંરક્ષણ પણ છે.
ઉલ્લેખનીય છે કે, યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર'માં ભારતના 14 અભિલેખ સામેલ થઈ ગયા છે. ‘મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર’ યુનેસ્કો દ્વારા શરૂ કરાયેલો એક પ્રોગ્રામ છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરના મહત્વપૂર્ણ દસ્તાવેજોના વારસાને સંરક્ષિત કરવાનો છે. આ સાથે જ તેને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો હોય છે. 1992થી શરૂ થયેલા આ કાર્યક્રમ અંગે યુનેસ્કોની વેબસાઈટ પર જણાવાયું છે કે, વિશ્વનો દસ્તાવેજી વારસો સૌનો છે, તેને સંપૂર્ણ રીતે તમામ માટે સંરક્ષિત અને સુરક્ષિત રાખવો જોઈએ.
ભગવદ્ ગીતા
ભારતીય દર્શનના વૈશ્વિક સંદેશ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વનો ભાગ છે. જેમાં 700 શ્લોક અને 18 અધ્યાય છે. તે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદ રૂપે છે, જે યુદ્વભૂમિમાં અર્જુનના વિષાદને દૂર કરવા માટે થયો હતો. યુનેસ્કોના જણાવ્યા મુજબ, ગીતા વૈદિક, બૌદ્ધ, જૈન અને ચાર્વાક જેવા દર્શનોનો સમન્વય કરે છે. તેનું ઊંડાણ અને વ્યાપકતા કારણે તે વિશ્વભરમાં વાંચવામાં અને અનુવાદિત કરવામાં આવી છે.
નાટ્યશાસ્ત્ર
ભારતીય રંગમંચ અને કલા ભરતમુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર બીજી સદી ઇસાપૂર્વે સંકલિત થયું હતું, જે ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ સંસ્થામાં સંરક્ષિત છે. તેમાં 36 હજાર શ્લોક છે અને તેને નાટ્યવેદનો સાર કહેવામાં આવે છે. તેમાં ‘રસ’ને સાહિત્ય અને કલાનો મૂળ તત્ત્વ ગણાવવામાં આવ્યો છે. નાટ્ય, અભિનય, ભાવ, સંગીત અને નૃત્યના નિયમોનું તેમાં વિસ્તૃત વર્ણન છે.