લખનઉઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે ભવ્ય શ્રીરામ દરબારની સંકલ્પનાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. મૂર્તિનિર્માણની જવાબદારી જયપુરના મૂર્તિકાર સત્યનારાયણ પાંડેને સોંપાઈ છે. તેઓ રાજસ્થાનના સફેદ આરસમાંથી મૂર્તિઓને આકાર આપી રહ્યા છે. સત્યનારાયણ પાંડે શ્રીરામ દરબારમાં સિંહાસન પર માતા જાનકી અને પ્રભુ શ્રીરામ આશીર્વાદની મુદ્રામાં બેઠા હશે. બંને બાજુ લક્ષ્મણજી અને શત્રુઘ્નજી ચામર સાથે ઊભેલા હશે, જ્યારે પહેલા માળે ભવ્ય શ્રીરામ દરબાર આવો હશે. ભરતજી અને હનુમાનજી ભક્તિ મુદ્રામાં બેઠેલા જોવા મળશે. માતા જાનકી અને પ્રભુ શ્રીરામની પ્રતિમા સાડા ચાર ફીટ ઊંચી હશે. બાકીની પ્રતિમાઓની ક્રમાનુસાર ઊંચાઈ હશે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કહેવા પ્રમાણે સપ્તઋષિના સાત અને પરકોટાનાં પાંચ મંદિર માટે આરસની મૂર્તિઓ પણ સત્યનારાયણ પાંડે અને તેમના પુત્ર પ્રશાંત જ બનાવશે. એ ત્રણ મૂર્તિકાર સાથે કામે વળગ્યા છે. ઋષિમુનિઓ અને પરકોટાનાં દેવીદેવતાઓને 6 મંદિરની મૂર્તિઓનું નિર્માણ અને સ્થાપના ડિસેમ્બર-2024 સુધીમાં થાય તેવું અનુમાન છે.
ટ્રસ્ટનાં સૂત્રોના કહેવા પ્રમાણે, 2025માં અહીં ફરી એક વાર ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારંભ થશે, તેમાં શ્રીરામ દરબાર, સપ્તઋષિ મંદિરો અને પરકોટેમાં સ્થાપિત દેવી-દેવતાઓની પ્રતિમાઓની પ્રાણપ્રતિષ્ઠા થશે. જોકે તેની તારીખ પણ નક્કી નથી. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ફેબ્રુઆરી-2025 સુધીમાં મંદિર નિર્માણ પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. 22 જાન્યુઆરી, 2025એ મંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂરું થયેથી મોટું આયોજન થશે. તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરનું સંપૂર્ણ નિર્માણ પૂરું થયા પછીની વ્યવસ્થાઓની યોજના પણ તૈયાર કરી લીધી છે.