લંડનઃ રેઝોલ્યુશન ફાઉન્ડેશન થિન્ક ટેન્કના રિપોર્ટ અનુસાર યુકેમાં શ્વેત બ્રિટિશ પરિવારોની સરખામણીએ વંશીય લઘુમતી પરિવારોની વાર્ષિક આવક ૮,૯૦૦ પાઉન્ડ જેટલી ઓછી છે. બાંગલાદેશી અને પાકિસ્તાની પરિવારો શ્વેત બ્રિટિશ પરિવારોની સરખામણીએ ૩૩ ટકા ઓછું કમાય છે જ્યારે અશ્વેત આફ્રિકન પરિવારો ૨૦ ટકા ઓછું કમાય છે. જોકે, ૨૦૦૧-૦૩ અને ૨૦૧૪-૧૬ના ગાળામાં બાંગલાદેશી પરિવારોની આવક અન્યો કરતા ઘણી ઝડપે વધી રહી હોવાનું પણ અભ્યાસમાં નોંધાયું છે.
ફાઉન્ડેશનના વરિષ્ઠ આર્થિક વિશ્લેષક આદમ કોર્લેટે જણાવ્યું હતું કે વિવિધ લઘુમતી વંશીય જૂથો અને શ્વેોત બ્રિટિશ પરિવારોની આવકની ખાઈ સતત અને નોંધપાત્ર છે જોકે, હવે અશ્વેત, બાંગલાદેશી અને પાકિસ્તાની સ્ત્રી-પુરુષોની આવકમાં નોંધપાત્ર સુધારો થયો છે. બાંગલાદેશી પરિવારોની આવકમાં ૩૮ ટકા અને પાકિસ્તાની પરિવારોની આવકમાં ૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. બાંગલાદેશી પરિવારોની આવક ૮,૯૦૦ પાઉન્ડ, પાકિસ્તાની પરિવારોની આવક ૭,૫૦૦ પાઉન્ડ, જ્યારે અશ્વેત આફ્રિકન પરિવારોની આવક ૫,૬૦૦ પાઉન્ડ ઓછી જણાઈ હતી.
ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આવકમાં તફાવત માટે સ્ત્રી અને પુરુષોના રોજગારી દરમાં રહેલી ખાઈ અંશતઃ જવાબદાર છે. શ્વેત સ્ત્રીઓની સરખામણીએ બાંગલાદેશી અથવા પાકિસ્તાની સ્ત્રીઓને નોકરીએ રાખવાની સંભાવના અડધી જ છે. જોકે, હવે આ દરમાં પણ વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષથી મોટી કંપનીઓએ તેમના બિઝનેસીસમાં લૈંગિક વેતન તફાવતનું પ્રમાણ જણાવવાનું રહેશે.