સંગત સેન્ટર નવી ભોજનપ્રથા (ન્યૂ ડાયેટ સિસ્ટમ – NDS) સાથે સહકાર થકી હેલ્થ સેમિનારનું આયોજન કરી રહેલ છે. આ સેમિનારમાં તંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું અને કાચા ફૂડની મોમાં પાણી લાવતી વાનગીઓનાં વૈવિધ્યને કેવી રીતે માણવું તે શીખવા મળશે.
સેમિનાર રવિવાર 8 સપ્ટેમ્બર, 2024ના દિવસે બપોરના 3થી 6 વાગ્યાના ગાળામાં યોજાનાર છે. સેમિનારનું સ્થળ સંગત સેન્ટર,સાનક્રોફ્ટ રોડ, હેરો, HA3 7NS છે. સેમિનારમાં પ્રવેશ તો નિઃશુલ્ક છે પરંતુ, આગોતરું રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે.
નવી ભોજનપ્રથા -NDSના પ્રણેતા અને સ્થાપક બી.વી. ચૌહાણ સાહેબે સમગ્ર વિશ્વમાં આ પ્રકારના 2600થી વધુ સેમિનારનું સંચાલન કરેલું છે અને હજારો લોકોને તેમની શારીરિક અને માનસિક બીમારીમાંથી સાજા થવામાં મદદ કરી છે. શ્રી ચૌહાણ તેમના કથળેલાં આરોગ્યમાંથી સાજા થવા એલોપથી, આયુર્વેદ, નેચર ક્યોર, હોમિયોપથી, જ્યોતિષવિદ્યા સહિત અનેક ઉપાયો અજમાવી ચૂક્યા પછી 1993માં તેમના અંતરના ઊંડાણમાંથી નવી ભોજનપ્રથાનો જન્મ થયો હતો. આ પછી, ચૌહાણ સાહેબને અત્યાર સુધી ક્યારેય દવા લેવી પડી નથી. ગત 32 વર્ષથી તેમના શરીરમાં કોઈ રોગનું નામનિશાન સુદ્ધાં નથી. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ નવી ભોજન પ્રથાના અનેક પ્રમાણો જોવા મળે છે.
શ્રી બી.વી. ચૌહાણે પોતાની જાત અને પરિવારજનો પર પ્રયોગો કરીને સંપૂર્ણ સ્વાસ્થ્ય હાંસલ કર્યું છે તેમજ આ વિષય પર તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. નવી ભોજનપ્રથામાં શું ખાવું, શું ના ખાવું, ક્યારે ખાવું અને ક્યારે ના ખાવું તેમજ પ્રકૃતિ દ્વારા ઉગાડેલા પ્રાકૃતિક ખોરાક ખાવા જેવી બાબતો પર ભાર મૂકાયો છે. તેમણે નવી ભોજનપ્રથાના પ્રચાર માટે વિશ્વભ્રમણ કર્યું છે.
એક વિશેષજ્ઞ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા અને ‘દવાઓ વિનાના વિશ્વ’ના તેમના મિશન વિશે જાણકારી મેળવવાની અનેરી તકને ચૂકશો નહિ.