અયોધ્યાઃ આ વખતનો મહાકુંભ મેળો પ્રાચીન અને અર્વાચીનની અનેક રીતે મહત્વનો અને અગત્યનો બની રહેવાનો છે. મહાકુંભમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શ્રી સજ્જ તંત્ર મહાકુંભની દેખરેખ રાખશે તો સૌથી પુરાતન સનાતન ધર્મને વધુ સાપેક્ષ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહાકુંભમાં બદલાયેલી પરિસ્થિતિઓ અને આધુનિક માળખામાં બંધબેસતા હિન્દુ સમાજ માટે 25થી 27 જાન્યુઆરી વચ્ચે 350 પાનાંની હિન્દુ આચારસંહિતા પ્રસિદ્ધ કરાશે.
કાશી વિદ્વત પરિષદ દ્વારા દેશના મોખરાના સંતોની મદદથી આ સંહિતા તૈયાર કરાઈ છે અને તેમાં દેશ અને બંધારણને સર્વોપરિ ગાવાયા છે. સંહિતામાં હિન્દુ ધર્મ છોડી જનારા માટે ‘ધર્મવાપસી’ ખૂબ સરળ કરી દેવાઈ છે. સમાજમાં ભેદભાવ દૂર કરવા માટે જ્ઞાતિહીન સમાજની રચના પર ભાર મુકાયો છે.
વિદ્વત પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ધર્મશાસ્ત્ર વિભાગના પ્રો. રામ નયન દ્વિવેદીએ કહ્યું કે નવી સંહિતા એ સમયની માગ છે. પરિષદે નવી સંહિતા માટે 'દેવલ સ્મૃતિ' અને 'પરાશર સ્મૃતિ'નો આધાર લીધો છે. નવી સંહિતામાં પૂર્વ હિન્દુઓને ઘરવાપસી માટે ગંગાજળ અને તુલસીદલની સાથે મનથી હિન્દુ થવાનો સંકલ્પ જ પૂરતો ગણાવાયો છે. માતૃ અને પિતૃ ઋણ જેટલું જ મહત્ત્વ રાષ્ટ્રઋણને અપાયું છે.
5 વર્ષના અભ્યાસ બાદ
સંહિતા તૈયાર
રાતને બદલે દિવસે લગ્નનું સૂચન સંહિતામાં રાતને બદલે દિવસે લગ્ન કરાવવાનું સૂચન કરાયું છે. તમામ શંકરાચાર્યોને નવી સંહિતાની નકલ મોકલીને મૌખિક સંમતિ પણ લેવાઈ છે. પરિષદે 5 વર્ષના અભ્યાસ પછી સંહિતા તૈયાર કરી છે. તેમાં શ્રીમદ્ ભાગવત્ ગીતા, રામાયણ, મહાભારત અને પુરાણોના અંશ પણ ઉમેરાયા છે.