જીવન સંધ્યાએ ઉભેલા આપણા સમાજના વડીલો અને વાત્સલ્યમયી માતૃશક્તિએ જીવનમાં અનેક કષ્ટ વેઠીને સ્નેહપૂર્વક પોતાના સંતાનોનો ઉછેર કરી શિક્ષિત કર્યા એટલું જ નહિ પણ એમના ગ્રાન્ડચિલ્ડ્રનને સ્કૂલે લેવા-મૂકવા જવા સાથે ઘરે ચીવટપૂર્વક ઊછેર કરવામાં અમૂલ્ય સહકાર આપ્યો છે એવા વડીલોના સમર્પણભાવને સત્કારતો એક કાર્યક્રમ ગયા બુધવાર (૭ જૂન)ના રોજ "ઓમ શક્તિ સેન્ટર" દ્વારા ઉજવાયો જેમાં લોકપ્રિય "ગુજરાત સમાચાર – એશિયન વોઇસ"ના એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલ તથા હેરોના જાણીતા સામાજીક કાર્યકર અને "સંગત એડવાઇસ સેન્ટર"ના શ્રી કાન્તિભાઇ નાગડાના હસ્તે ૨૩૦ જેટલા વડીલોને એવોર્ડ અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા.
હૈયું ભરાઇ ને આંખો ભીંજાય જેવા આ કાર્યક્રમમાં નોંધપાત્ર એ હતું કે સન્માન માટે વડીલોને એમના સંતાનો સહિત એમના ગ્રાન્ડચિલ્ડ્રનોએ નોમીનેટ કરીને સરપ્રાઇઝ કર્યા હતા એટલું જ નહિ પણ એમના માતા-પિતાએ અપાર કષ્ટ વેઠી, પોતાના મોજશોખને ત્યજી દિકરા-દિકરીઓને કેવી રીતે ભણાવ્યા, ગણાવ્યા એનું ઋણ અદા કરતા વક્તવ્યો રજૂ થયા. કેટલાક ગ્રાન્ડચિલ્ડ્રનને પણ દાદી-દાદા સાથે વિતાવેલી પળો યાદ કરી આભાર વ્યક્ત કર્યો ત્યારે ઉપસ્થિત સૌની આંખ અશ્રુભીની થઇ હતી. “ઓમ શક્તિ સેન્ટર"ના આસી.કો.ઓર્ડિનેટર મંજુબેન ખોખાણીએ સ્ટેજ પર જે તે વડીલનું સન્માન થતું ત્યારે એમના સંતાનોએ વર્ણવેલી વિગતો રજૂ કરી હતી. સવારે ૧૦-૩૦ વાગે ચ્હા નાસ્તા પછી કાર્યક્રમની શરૂઆત થઇ હતી અને બપોરે પ્રીતિ ભોજન પછી કાર્યક્રમનું સમાપન થયું હતું.
“ઓમ શક્તિ સેન્ટર"ના મુખ્ય સૂત્રધાર રંજનબહેન માણેકે "ગુજરાત સમાચાર"ના સી.બી.પટેલ તથા કાન્તિભાઇ નાગડાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ બે મહાનુભાવોના હસ્તે એવોર્ડ સ્વીકારી વડીલો અને એમના કુટુંબીજનો અત્યંત આનંદ સહ ગર્વ અનુભવી રહ્યા છે. આ વડીલોના પરિવારજનો તરફથી મને વોટસ અપમાં આભાર વ્યક્ત કરતા ૧૦૦થી વધુ મેસેજ મળ્યા છે. અમારો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા વોલીંટીયર્સ ભાઇ-બહેનોએ ખૂબ મહેનત કરી છે. એ માટે ટ્રેઝરર અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર બીના હાલાઇ, કલ્પનાબહેન ભટ્ટ, નલીનીબહેન મહેતા, નીનાબહેન ખેશાણી, વોલીંટીયર ભાઇઓમાં ચંદુભાઇ પટેલ, દિલીપભાઇ મહેતા, ગોપાળભાઇ, બીપીનભાઇ, સુરેશભાઇ મહેતા, પ્રમોદભાઇ મહેતા, પ્રફુલભાઇ દેસાઇ તેમજ કિચનમાં મદદ કરનાર જયશ્રીબહેન લાખાણી, લલીતાબહેન પટ્ટણી અને સુનીતાબહેન ઉનિયા વિગેરેનો ખૂબ આભાર. આ સૌના સહકારથી આ સેન્ટર પ્રવૃત્ત રહે છે.
રંજનબહેન ધીરેન્દ્રભાઇ માણેકને સમાજના વડીલોની નિ:સ્વાર્થ સેવા બદલ ૨૦૦૮માં મહારાણી એલીઝાબેથના વરદહસ્તે MBEનો ઇલ્કાબ મળ્યો હતો. ૧૯૭૯માં તેમણે કોવેન્ટ્રીની કોલેજમાં "કોમ્યુનિટી કેર"નો કોર્ષ કર્યો હતો. ત્યારબાદ સેવા ઇન્ટરનેશનલના સહકારથી કોવેન્ટ્રીમાં એશિયનોના ઘરે ઘરે જઇ એકલતાને કારણે ડિપ્રેશ બનેલા વડીલોને પ્રોત્સાહિત કરતું "સેવા શક્તિ સેન્ટર" શરૂ કર્યું હતું. ત્યાં ૧૬ વર્ષ સેવા આપ્યા બાદ તેઓ લંડન આવી સ્થાયી થયાં અને અહીં ઘણા સમયથી હેરો આસપાસના નિવૃત્ત વડીલોને પ્રવૃત્ત રાખવા "ઓમ શક્તિ ડે સેન્ટર" ચલાવે છે.
આ શુભકાર્ય માટે જલારામ જયોત-સડબરી તરફથી ભોજન અને આઇસક્રીમ કાન્તિભાઇ અમલાણી તરફથી મળ્યો હતો.