નોર્થ વેસ્ટ લંડનમાં વયોવૃધ્ધ અને એકલવાયું જીવન જીવતા વડિલોના જીવનને નવું જીવન બક્ષવાના હેતુથી શરૂ થયેલ “નવજીવન વડિલ કેન્દ્ર”ને અા વર્ષે એમની સુંદર, પ્રશંસનીય સેવાની કદરરૂપે "ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયર સર્વિસ ૨૦૧૫”ના સર્વોચ્ચ એવોર્ડ માટે પસંદગી થયાના ખુશ ખબરની જાહેરાત ગુરૂવાર તા. ૪ જુન ૨૦૧૫ના રોજ સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલમાં એના પ્રમુખ શ્રી બી. ટી. શાહ અને સેક્રેટરી શ્રી જયંતભાઇ દોશી તરફથી લગભગ ૨૦૦ જેટલા વડિલોની હાજરીમાં કરી ત્યારે ઉપસ્થિત સૌ કોઇના ચહેરા ખીલી ઉઠ્યા હતા.
એ દિવસે યોગા બાદ ભોજન અને ગુજરાત સમાચારના કન્સલ્ટીગ એડીટર જ્યોત્સનાબેન શાહે ‘સંબંધોના સરોવર” વિષય પર વક્તવ્ય રજુ કર્યું હતું, જેનો રસાસ્વાદ ઉપસ્થિત સૌ કોઇએ માણ્યો હતો. અા પ્રસંગે નવજીવન વડિલ કેન્દ્ર અને એના સક્રિય કાર્યકરોને ગુજરાત સમાચાર વતી ખાસ અભિનંદન પાઠવ્યાં હતાં.
યુ.કે.ભરની હજારો વોલઁટીયર સંસ્થાઅોમાંથી અા એવોર્ડ માટે ૧૮૭ ચેરિટી ગૃપોને પસંદ કરાયા જેમાં નવજીવન વડિલ કેન્દ્ર એક માત્ર ગુજરાતી સંસ્થા છે. તા. ૨૮ મે ૨૦૧૫ના રોજ બકિંગહામ પેલેસ ખાતે યોજાયેલ ગાર્ડન પાર્ટીમાં
સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઇ ટી. શાહ અને સેક્રેટરી શ્રી જયંતભાઇ દોશીને અામંત્રણ મળ્યું હતું જ્યાં તેમને માનનીય મહારાણી અને અન્ય વોલંટીયર સંસ્થાઅોના અગ્રણીઅોને મળવાનો અવસર પણ સાંપડ્યો હતો. અા ઉનાળાની અાખરે લોર્ડ લેફટન્ટ અોફ ગ્રેટર લંડનના સર ડેવિડ બ્રુઅરના વરદ હસ્તે અા એવોર્ડ એનાયત થશે.
૨૦૦૨થી સેવાભાવી સંસ્થાઅોને એમની સામાજિક સેવાઅોની કદરરૂપે અા એવોર્ડ અાપવાનો શુભારંભ થયો હતો. દર વર્ષે બીજી જુનના રોજ મહારાણીના કોરોનેશનની એનીવર્સરી નિમિત્તે અા એવોર્ડની જાહેરાત થાય છે.
ક્વીન્સ એવોર્ડ ફોર વોલંટીયરી સર્વિસના ચેર, ભૂતપૂર્વ બ્રોડકાસ્ટ જર્નાલીસ્ટ માર્ટીન લૂઇસ CBE એ જણાવ્યું હતું કે, “અા એવોર્ડના અધિકારી બનેલ પ્રેરણાદાયી બધા જ ગૃપોને હું હાર્દિક અભિનંદન પાઠવું છું. પોતપોતાના કોમ્યુનીટીમાં અાવી હજારો સેવાભાવી સંસ્થાઅો કાર્યરત છે જેમાંથી ગણત્રીનાની જ પસંદગી કરવી એ કપરૂં કામ હતું.”
મિનિસ્ટર ફોર સીવીલ સર્વિસ, રોબ વિલ્સને જણાવ્યું હતું કે, “ વોલંટીયરી ગૃપોને એમની અદ્વિતિય સામાજિક સેવાઅો બદલ કદર કરવામાં અાવે છે એ અાવકાર્ય છે. હવે વ્યક્તિનું સરેરાશ અાયુ વધવાને કારણે સમાજમાં વડિલોની સંખ્યા વધી રહી છે, પરિણામે વડિલોની દરકાર કરે એવી સંસ્થાઅોની જરૂરિયાત પણ વધવાની જ!”
નવજીવન વડિલ કેન્દ્ર દર ગુરૂવારે સવારથી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ હોલમાં ભેગાં મળી યોગા સહિત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઅો જેવી કે, નાટક, ભજન, મહેફિલ, વક્તવ્ય, ડે ટ્રીપ, જાતજાતના શો અાદિનું અાયોજન કરી વડિલોનું મનોરંજન કરાવવા ઉપરાંત સ્વાદિષ્ટ શાકાહારી ભોજનની સેવા પૂરી પાડે છે. હળવા-મળવા ઉપરાંત નિત નવા કાર્યક્રમો દ્વારા વડિલોના જીવન નવ પલ્લવિત થાય છે. હાલ સંસ્થાના લગભગ ૪૦૦ જેટલા સભ્યો છે અને વેઇટીંગ લીસ્ટ પણ મોટું છે.