૧૯૬૦-૭૦ના દાયકાની બોલીવુડની મોસ્ટ બ્યુટીફુલ, હાઇએસ્ટ પેઇડ અભિનેત્રી "મિસ્ટ્રી ગર્લ" સાધનાજીની ફિલ્મોના ગીતોની એક સુમધુર સંધ્યા નવનાત વડિલ મંડળ યુ.કે. એ ૨૬ સપ્ટેમ્બર શનિવારે "એક સૂરીલી શામ, સાધનાજીકે નામ" નું આયોજન ઝૂમ પર કરી વડિલોને એમની જવાનીની યાદ તાજી કરાવી હતી. કૃતિ સ્વરાવલિ પ્રસ્તુત મહેફિલમાં અમદાવાદના જાણીતા કલાકારો કૃતિ જાની અને નીલેશ વ્યાસના કંઠે સાધનાજીના હીટ ગીતોની મહેફિલે શ્રોતાજનોના દિલ જીતી લીધાં હતાં. "લગ જા ગલે...થી શરૂ થયેલ ગીતોની સફર 'અભી ના જાઓ છોડકર, યે દિલ અભી ભરા નહિ...”જેવા કાનોમાં ગૂંજતા ગીતોની સાંજ યાદગાર બની રહી."મેરા સાયા, હમ દોનોં, મેરે મહેબૂબ, વોહ કૌન થી, વક્ત, અસલી-નકલી, અનિતા, આરઝૂ, મુસાફિર, એક હસીના, રાજકુમાર, એક ફુલ દો માલી આદી હીટ ફિલ્મોના ગીતોમાં સાધના યુગ જીવંત બન્યો હતો.
કાર્યક્રમનો શુભારંભ નવનાતના પ્રેસિડેન્ટ શ્રી બિપીનભાઇ મીઠાણીએ કર્યો. એમણે ઝૂમ પર સૌ શ્રોતાજનોનું સ્વાગત કરતા જણાવ્યું કે, કોવીડ-૧૯નું ઇન્ફેકશન વધી રહ્યું હોવાથી બ્રિટનની સરકાર નવા-નવા પ્રતિબંધો લાદતાં જાય છે એનું આપણે અનુસરણ કરવાનું છે અને NHSકોવીડ-૧૯ની એપ સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરવા QRનો નવો કોડ મળ્યો છે એનાથી જ્યાં જઇએ ત્યાં સ્કેન કરીને અંદર પ્રવેશવાનું. શરૂમાં થોડું આકરૂં લાગશે પરંતુ એનું પાલન કરવું રહ્યું. એનાથી તમે કોને ત્યાં ગયા એનો હિસાબ રહે અને કોઇને ત્યાં કોવીડના લક્ષણવાળાને ત્યાં તમે ગયા હો તો તમને ચેતવી દેવાય જેથી ખતરો ટાળી શકાય. આ ઉપરાંત અન્ય કોમ્યુનિટી ઇવેન્ટ્સની જાહેરાત કરી.
ત્યારબાદ સૌનું ભાવભીનું સ્વાગત કરતા વડિલ મંડળના પ્રમુખ શ્રી નલીનભાઇ ઉદાણીએ આ સાંજના સ્પોન્સરર શ્રીમતી તરૂબહેન અને શ્રી બિપીનભાઇ મીઠાણીને અભિનંદન આપ્યાં. દર શનિવારે વડિલ મંડળ તરફથી મ્યુઝીકલ ઇવનીંગનો જુદા જુદા કલાકારોના કાર્યક્રમનું આયોજન થાય છે જેની સૌ આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. કલાકારોનો પરિચય આપતાં એમણે જણાવ્યું કે, આજના કલાકાર કૃતિ જાની અને નીલેશ વ્યાસ છે.
કૃતિ જાની પ્રોફેશ્નલ સિંગર છે. ૧૫ વર્ષનો અનુભવ ધરાવે છે. સંગીત વિશારદ છે, જે પ્રથમ શ્રેણીમાં પાસ કરી છ ગોલ્ડ મેડલ મેળવેલ છે. પાંચેક ગુજરાતી ફિલ્મોમાં એમણે ગાયું છે. એ એક વર્સેટાઇલ કલાકાર છે. ફિલ્મી ગીતો હોય કે લોકગીતો, ગુજરાતી ગરબા-રાસ હોય કે લગ્ન ગીતો, ગઝલ હોય કે સુગમ યા શાસ્ત્રીય સંગીત બધામાં એના કંઠના કામણનો જાદુ રહેલ છે.
નીલેશભાઇ વ્યાસ પણ સંગીત જગતનું જાણીતું નામ છે. ગુજરાતી ફિલ્મોના પ્લેબેક સિંગર છે. ઉદિત નારાયણ, સાધના સરગમ, દીપાલી સોમૈયા જેવા નામી કલાકારો સાથે ગાયું છે અને તેઓ પણ એક વર્સેટાઇલ કલાકાર છે. આજે એમના કંઠેથી એકથી એક ચડિયાતાં કર્ણપ્રિય સાધનાજીના ગીતો સાંભળીશું.
કૃતિ જાનીએ આજના શ્રોતાજનોમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી-પ્રકાશક શ્રી સી.બી.પટેલ અને ઇન્ડીયન હાઇકમિશન, લંડનના ઉચ્ચ અધિકારી શ્રી રોહિત વઢવાણની હાજરી માટે આનંદ વ્યક્ત કર્યો હતો.
સમાપનમાં આભારવિધિ કરતાં હસ્મિતાબહેન દોશીએ જણાવ્યું કે, કૃતિ જાની અને નીલેશ વ્યાસના કંઠેથી ગીતો સાંભળ્યાજ કરીએ... કહેવાનું મન થાય છે કે, “અભી ના જાઓ છોડકર, યે દિલ અભી ભરા નહિ..” આપણા સંબંધોની આ શુભ શરૂઆત હવે દીર્ઘજીવી બની રહેશે.
જીવન ઝરમર : સાધના શિવાદાસાની
(૧૯૪૧-૨૦૧૫)
સાધનાજીનો એક જમાનો હતો. ભારતના ભાગલા થયા એ પહેલા ૧૯૪૧ની બીજી સપ્ટેમ્બરે કરાંચી, સિંધમાં સિંધી - હિન્દુ પરિવારમાં જન્મેલ અભિનેત્રી સાધના શિવદાસાનીનું કુટુંબ એ ૮ વર્ષની હતી ત્યારે મુંબઇ આવી સ્થાયી થયું. ૧૫ વર્ષની ઉમરે સાધનાજીએ રાજકપુરની શ્રી ૪૨૦ ફિલ્મના કોરસ ગર્લ તરીકે "મૂડ મૂડકે ના દેખ મૂડ મૂડકે"થી બોલીવુડમાં પ્રવેશ થયો હતો. સિંધી ફિલ્મ "અબ્બાના" અને ૧૯૬૦ની બોલીવુડ ફિલ્મ "લવ ઇન સિમલા"થી કારકિર્દીનો શુભારંભ થયો. રોમાન્ટીક ફિલ્મ લવ "ઇન સિમલા"ના ડાયરેક્ટર આર.કે. અય્યર સાથે ઇલુ ઇલુ કરી ૧૯૬૬માં લગ્ન કરી લીધાં. અભિનેત્રી નૂતનજી એના પ્રેરણામૂર્તિ હતાં.
૧૯૬૦-૭૦ના દાયકામાં ૫૦ થી વધુ ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યાં.
બોલીવુડનો એ સુવર્ણ યુગ હતો. એ જમાનાના સુપર હીટ્સ હીરો અશોકકુમાર, દેવાનંદ, સુનિલ દત્ત, ધર્મેન્દ્ર, મનોજ કુમાર, સંજય ખાન, શમ્મીકપૂર, વિશ્વજીત, સંજીવ કુમાર, કિશોરકુમાર, રાજેશ ખન્ના સાથે કામ કરી સાધનાએ લોકપ્રિયતાના શિખરો સર કર્યાં હતાં. એવરગ્રીન કલાસીકલ ફિલ્મો આપનાર આ અભિનેત્રીની ફ્રીન્ચ હેર કટ "સાધના કટ"ના નામે ફેશનમાં હતી. IIFA ફિલ્મ ફેર એવોર્ડમાં એને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત થયો હતો. ૧૯૫૮ થી ૧૯૮૧ સુધી ફિલ્મ જગતમાં એક્ટીવ રહ્યા બાદ ક્ષેત્ર સંન્યાસ લીધો. ૧૯૯૫માં પતિ અય્યરજીનું નિધન થયું. પાછલી ઉમરે કેન્સરનો ભોગ બન્યા બાદ સાધનાજીએ ૨૫ ડીસેમ્બર ૨૦૧૫ના રોજ જગતને અલવિદા કરનાર એ હોનહાર અભિનેત્રીનો કરિશ્મા આજેય હયાત રહ્યો છે.