અબુ ધાબીઃ યુએઇના આ શહેરમાં બીએપીએસ દ્વારા નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરનું લોકાર્પણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એક ઐતિહાસિક પ્રસંગને યાદ કરવો રહ્યો. ગયા મે મહિનામાં 42થી વધુ દેશોના રાજદૂતોએ એક સાથે આ મંદિરની મુલાકાત લઇને ઇતિહાસ રચ્યો હતો. મુલાકાત લીધી હતી. કોઇ ધાર્મિક સ્થળની 42થી વધુ દેશોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હોય એવી વિશ્વની આ પ્રથમ ઘટના હતી. આ અપવાદરૂપ ઘટના ભારત અને યુએઇના એકસમાન દૃષ્ટિકોણનું પ્રતિક બની ગઇ હતી. આ ઘટનાએ સહિષ્ણુતા, કોમી સૌહાર્દ અને રાજદ્વારી સંબંધોને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
બીએપીએસના આ ભવ્યાતિભવ્ય મંદિરની જે દેશોના રાજદૂતોએ મુલાકાત લીધી હતી તેમાં ફિલિપાઇન્સ, ઇઝરાયલ, બ્રાઝિલ, બેલ્જીયમ, ન્યૂઝિલેન્ડ, કેનેડા, નાઇજિરિયા, સિરિયા, રોમાનિયા, બાંગલાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, જાપાન, ઇન્ડોનેશિયા, માલદિવ્સનો સમાવેશ થાય છે. વિદેશી રાજદૂતો મંદિરની દિવાલો અને વિવિધ સ્તંભો ઉપર કરાયેલા સુંદર કોતરણીકામ અને બાંધકામની ઇકો-ફ્રેન્ડલી પધ્ધતિ અને સ્વયંસેવકોના જુસ્સાને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા, અને આ મંદિર ભવિષ્યમાં સમગ્ર મધ્ય-પૂર્વના અખાતી પ્રદેશમાં અને વૈશ્વિક સ્તરે પ્રેમ, કોમી સૌહાર્દ અને શાંતિનો જે સંદેશ ફેલાવશે તેના મ્હોંફાટ વખાણ કર્યા હતા. યુએઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરના આમંત્રણને માન આપીને આ વિદેશી મહાનુભાવોએ મંદિરના નિર્માણકાર્યની મુલાકાત લીધી હતી.
ભારતીય રાજદૂતે આ મંદિરના પ્રોજેક્ટને ભારત-યુએઇ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનું પ્રતીક ગણાવ્યો હતો, કેમ કે આ બંને દેશો શાંતિ, સહિષ્ણુતા, કોમી સૌહાર્દ અને સહ- અસ્તિત્વના એકસમાન મૂલ્યો ધરાવે છે. આ ઉપરાંત તેમણે અબુ ધાબી ખાતે વૈવિધ્ય ધરાવતા અને શાંતિપૂર્ણ સમુદાયના નિર્માણ કરવા અંગે યુએઇના નેતાઓની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરનો સંદેશો દર્શાવતા એક વીડિયો પણ દર્શાવાયો હતો. જેમાં વિદેશમંત્રી જયશંકરે યુએઇની નેતાગીરીની દીર્ઘદ્રષ્ટિ અને દિશાનિર્દેશની પ્રશંસા કરી હતી અને આ મંદિરના બાંધકામની જાહેરાતને તેમના જીવનની સૌથી રોમાંચક ક્ષણ ગણાવી હતી. તેમણે પોતાના વીડિયોમાં એ બાબતે વિશેષ ભાર મૂક્યો હતો કે જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિ એકબીજા સાથે સંપૂર્ણ માન-સન્માન સાથે એકબીજામાં ભળી જાય ત્યારે ખરું પરિવર્તન આવ્યું કહેવાય.
આ મંદિર પ્રોજેક્ટને તેજ ગતિએ આગળ વધારી રહેલાં સ્વામી બ્રહ્મવિહારીદાસે વિદેશી મહેમાનોને આ મંદિરની વિવિધ ખાસિયતો અંગેની તમામ વિગતો આપી હતી. સ્વામીજીના કહેવા મુજબ આ મંદિર આર્કિટેક્ટના મોરચે વિશ્વનું સર્વશ્રેષ્ઠ બાંધકામ બની રહેશે. આ ઉપરાંત તે શાંતિ, પ્રેમ, સહિષ્ણુતા અને કોમી સૌહાર્દનું શ્રેષ્ઠ પ્રતીક બની રહેશે. વિદેશી રાજદૂતોએ મંદિરના બાંધકામને બારીકાઇથી નિહાળવા એક મીની ટુર કરી હતી. મંદિર પરિસરની મુલાકાત દરમ્યાન વિદેશી મહેમાનો વિવિધ સ્તંભો ઉપર હાથ દ્વારા કરવામાં આવેલાં અતિ સુંદર કોતરણી કામને જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.