8 મી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ ઈવેન્ટમાં સમૃદ્ધ ઝોરોસ્ટ્રીઅન વારસાની ઉજવણી કરાઈ

લોર્ડ કરણ બિલિમોરિયાએ પારસી કોમ્યુનિટીની ભવ્ય સિદ્ધિઓ વિશે જણાવ્યું

શેફાલી સક્સેના Tuesday 01st August 2023 15:16 EDT
 
લંડનમાં 25 કરતાં વધુ વર્ષ પછી એક સપ્તાહ લાંબી આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ (8WZYC)નું આયોજન કરાયું હતું. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આયોજકોને અભિનંદન પાઠવવા સાથે વિશ્વના તમામ દેશો માટે પ્રેરણાસમાન પારસી સમુદાયની નિઃસ્વાર્થ સેવા અને યોગદાનની પ્રશંસા કરી હતી.
 

લંડનઃ આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ (8WZYC)નું આયોજન 27 વર્ષ વછી લંડનમાં 21થી 26 જુલાઈ 2023ના ગાળામાં કરાયું હતું જેમાં, 15 દેશના 515 યુવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સારા વિચાર, સારા શબ્દો અને સદ્કાર્યોનો વિશિષ્ઠ સંદેશ ધરાવતો ઝોરોસ્ટ્રીઅન ધર્મ 3500 વર્ષથી વધુ પુરાણો છે. આશરે માત્ર 200,000ની વસ્તી ધરાવતા પ્રાચીન ધર્મના અસ્તિત્વ અને વિકાસ માટે ભાવિ પેઢીને એકત્ર કરવી આવશ્યક છે. 8WZYC ઝોરોસ્ટ્રીઅન કોમ્યુનિટીમાં વૈવિધ્યતા અને સમાવેશિતાને પ્રોત્સાહન આપવાના હેતુસર વક્તાઓના વૈવિધ્યપૂર્ણ વક્તવ્યો, વર્કશોપ્સ અને સામાજિક કાર્યક્રમો યોજવા માગે છે. 70થી વધુ વક્તાએ આંતરધર્મીય લગ્નો, LGBTQ+ સંબંધો, ધર્માન્તરણ સહિતના વિષયો તેમજ મીડિયા, આર્ટ્સ અને સ્પોર્ટ્સમાં યુવા પારસીઓની સિદ્ધિઓ વિશે વાતો કરી હતી. આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ ઈવેન્ટમાં સમૃદ્ધ ઝોરોસ્ટ્રીઅન વારસાની ઉજવણી કરાઈ હતી એટલું જ નહિ, વધુ એકસંપ અને સ્થિર વિશ્વમાં યોગદાન આપવા તેના મૂલ્યો અંગીકાર કરવા ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પડાઈ હતી.

લોર્ડ કરણ બિલિમોરિયા CBE Dlએ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘મને સિટી ઓફ લંડનના ગિલ્ડહોલમાં 23મી જુલાઈએ આયોજિત આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ ગાલા ડિનર ખાતે ચાવીરૂપ વક્ત બનવાનું ગૌરવ સાંપડ્યું હતું. આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસનું આયોજન યુનાઈટેડ કિંગ્ડમમાં 1861માં સ્થાપિત સૌથી જૂના એશિયનધર્મી સ્વૈચ્છિક સંગઠન ઝોરોસ્ટ્રીઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપની સાથોસાથ લંડનમાં કરાયું હતું. સર રોન કાલિફાએ 22 જુલાઈએ અધિવેશન ખુલ્લું મૂક્યું હતું અને યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ પણ પ્રવચન આપ્યું હતું. મેં મારા સંબોધનમાં હાઈ કમિશનરને ટાંક્યા હતા કે,‘ ઝોરોસ્ટ્રીઅન પારસીઓ એવી કોમ્યુનિટી છે જેનો અમે સૌથી વધુ આદર કરીએ છીએ જેમણે સૌથી વધુ અને અપ્રમાણસર (વસ્તીની દૃષ્ટિએ ) યોગદાન આપ્યું છે. તેઓ ભારતમાં સૌથી વધુ સફળ કોમ્યુનિટી છે.’

લોર્ડ બિલિમોરિયાએ કહ્યું હતું કે ,‘મેં 3500 વર્ષ અગાઉ પયગમ્બર ઝોરોસ્ટર દ્વારા શરૂ કરાયેલી કોમ્યુનિટીની ભવ્ય સિદ્ધિઓ, 2500 વર્ષ અગાઉના સાયરસ ધ ગ્રેટથી માંડી, બ્રિટિશ શાસનકાળ અને તે પછી આઝાદીથી અત્યાર સુધીની સિદ્ધિઓ વિશે વાત કરી હતી. પારસી કન્સ્ટ્રક્શન કંપની શાપુરજી પાલોનજી દ્વારા હૈદરાબાદમાં બંધાયેલા નવા સેક્રેટરિએટ તેમજ નવી દિલ્હીમાં તાતા દ્વારા નિર્મિત નવી પાર્લામેન્ટ ઈમારત તેજ યુકેમાં તાતાની કંપની જેગુઆર લેન્ડ રોવર દ્વારા સમરસેટમાં ગીગા ફેક્ટરી નાખવાની જાહેરાતના ઉદાહરણો પણ આપ્યા હતા.

મેં પારસી યુવાનોને ઝોરોસ્ટ્રીઅન કોમ્યુનિટી જેના માટે પ્રખ્યાત છે તે પ્રામાણિકતાના મહત્ત્વ, વિશ્વાસ, ઉદ્યોગસાહસિકતા અને ચારિત્ર્યબળ (જે બ્રાન્ડ આજે સમગ્ર યુકેમાં ઘરઘરનું નામ બની છે તેનો મને ભારે ગર્વ છે તે શૂન્યથી શરૂ કરાયેલા બિઝનેસ કોબ્રા બિયરની મારી ઉદ્યોહસાહસિકતાની યાત્રાનો ઉલ્લેખ કરવા સાથે), સંઘર્ષકાળમાં નેતૃત્વ, શિક્ષણ, સખત મહેનતનું મહત્ત્વ તેમજ વિશ્વમાં માત્ર શ્રેષ્ઠ હોવું જ પૂરતું નથી પરંતુ, વિશ્વ માટે પણ શ્રેષ્ઠ હોવું જરૂરી છે તેના વિશે જણાવ્યું હતું.

લોર્ડ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે ,‘મહાત્મા ગાંધીએ અમારી કોમ્યુનિટી માટે ‘પારસી તારું નામ જ સખાવત છે’ કહ્યું હતું. મેં વિશ્વભરના પારસી યુવાનોને નાનકડા સમુદાય વિશે ગૌરવ અનુભવવા પ્રોત્સાહિત કર્યા હતા અને સદ્નસીબની શ્રેષ્ઠ વ્યાખ્યા ‘જ્યાં નિર્ધારનો તક સાથે મિલાપ થાય છે’ સાથે શુભેચ્છા પાઠવી હતી. મેં તેમને ‘તમામ વિપરીત સંજોગોમાં પ્રામાણિકતાની ઈચ્છા રાખવા અને હાંસલ કરવા’ તેમજ ખુદમાં શ્રદ્ધા રાખવા જણાવ્યું હતું કે કારણકે મહાત્મા ગાંધીના શબ્દોમાં કહીએ તો,‘તમારી માન્યતાઓ તમારા વિચાર બને છે, વિચારો શબ્દો બને છે, શબ્દો જ તમારું કાર્ય બને છે, કાર્ય તમારી આદતો બને છે. તમારી આદતો તમારું ચારિત્ર્ય ઘડે છે અને તમારું ચારિત્ર્ય તમારા ભાગ્યનો નિર્ણય કરે છે.’




to the free, weekly Gujarat Samachar email newsletter